ટ્રમ્પે હાર ન સ્વીકારી, Twitterએ કહ્યું- 20 જાન્યુઆરીએ બાઈડેનને એકાઉન્ટ સોંપી દઈશું

ટ્રમ્પે હાર ન સ્વીકારી, Twitterએ કહ્યું- 20 જાન્યુઆરીએ બાઈડેનને એકાઉન્ટ સોંપી દઈશું

Twitter અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર ‘POTUS’ એકાઉન્ટનું નિયંત્રણ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજેતાં થયેલાં જો બાઈડેન (Joe Biden)ને 20 જાન્યુઆરીએ તેઓના શપથગ્રહણ કરતાંની સાથે જ સોંપી દેશે. ટ્વિટરે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ચૂંટણીમાં હાર ન માની હોવા છતાં તેઓ આ બદલીની પ્રક્રિયા પૂર્ણ કરશે.

POTUS (પ્રેસિડેન્ટ ઓફ ધ યુએસ) અમેરિકન રાષ્ટ્રપતિનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ છે અને તે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટથી અલગ છે. બાઈડેન શપથ ગ્રહણ કર્યા બાદ યુએસના 46મા રાષ્ટ્રપતિ બનશે. ટ્વીટરે કહ્યું કે એકાઉન્ટને સોંપવાની પ્રક્રિયામાં નવા પ્રમુખ બનવા માટે ટ્રમ્પની ટીમ અને બાઈડેનની ટીમ વચ્ચે માહિતી વહેંચવાની જરૂર નથી.

કંપનીએ કહ્યું કે, આ ખાતા પરની તમામ હાલની ટ્વીટ્સ સંગ્રહિત કરવામાં આવશે અને શપથના દિવસે કોઈ ટ્વીટ કર્યા વિના નવા એકાઉન્ટ તરીકે બાઈડેનને સોંપવામાં આવશે. ટ્વીટરના પ્રવક્તા નિક પેસિઓએ એક ઈ-મેલમાં જણાવ્યું હતું કે, ટ્વીટર 20 જાન્યુઆરી, 2021ના ​​રોજ વ્હાઇટ હાઉસના સંસ્થાકીય ટ્વીટર એકાઉન્ટ્સના સ્થાનાંતરણની સક્રિય રીતે તૈયારી કરી રહ્યું છે. કંપની અનુસાર આ પ્રકારે વ્હાઈટ હાઉસ, ઉપ રાષ્ટ્રપતિ વગેરેના ટ્વીટર એકાઉન્ટ સાથે પણ આમ થશે.