૪૬ ઇલેક્ટોરલ વોટ બદલવા ટ્રમ્પનો કારસો

૪૬ ઇલેક્ટોરલ વોટ બદલવા ટ્રમ્પનો કારસો

। વોશિંગ્ટન ।

અમેરિકાના પ્રમુખ પદની ચુંટણીમાં કાનુની લડાઈમાં પણ પીછેહઠ થતાં ડોનાલ્ડ ટ્રમ્પે હવે મિશિગન, પેન્સિલ્વેનિયા, વિસ્કોન્સિનના ચૂંટાયેલા સાંસદોને પોતાની તરફેણમાં કરી ૪૬ઇલેક્ટોરલ વોટ અંકે કરવાનો કારસો ઘડી કાઢયો છે. વ્હાઈટ હાઉસમાં હાજર કરાયેલા મિશિગનના સાંસદોને ટ્રમ્પે કહ્યું હતું કે બાઇડેન-કમલા હેરિસને મળેલા બહુમતને સ્વીકારવાના બદલે મિશિગનના ૧૬ મત ટ્રમ્પને આપી દેવામાં આવે. ૨૦ વોટ ધરાવતાં પેન્સિલ્વેનિયામાં અને ૧૦ વોટ ધરાવતાં વિસ્કોન્સિનમાં પણ ટ્રમ્પ દ્વારા આ પ્રવૃત્તિ શરૂ કરાઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો ટ્રમ્પ ૪૬ઇલેક્ટોરલ વોટની ફેરબદલી કરી શકે છે તો તેમના માટે વ્હાઇટ હાઉસમાં ટકી રહેવાની સંભાવના ઊભી થાય છે. ઘણા રાજકીય વિશ્લેષકો ટ્રમ્પના આ પ્રયાસોને ધીમા બળવા તરીકે માને છે.

ટેકેદારોને ઉશ્કેરવા ટ્રમ્પના પ્રયાસો

ટ્રમ્પ સાથે સંકળાયેલાં લોકો પોતાના ફોલોઅર્સને ફરીથી સત્તા હાંસલ કરવા ઉશ્કેરી રહ્યા છે. એટલું જ નહીં ટ્રમ્પ પોતાના દાવા પર શંકા દર્શાવતા મીડિયા સંગઠનો અને પોતાના વફાદાર રિપબ્લિક નેતાઓ સામે પણ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ટ્રમ્પે પક્ષમાના વિરોધીઓને  ધમકી આપી છે કે તેમને પક્ષની આંતરિક ચૂંટણીમાં હરાવી દેવામાં આવશે.