લોકડાઉનમાં મોબાઈલનો ઉપયોગ વધતા 30 ટકા લોકોને આંખના નંબર વધ્યા, બાળકોમાં ડ્રાય આઈ અને મેદસ્વીપણાના રોગમાં ઉછાળો

લોકડાઉનમાં મોબાઈલનો ઉપયોગ વધતા 30 ટકા લોકોને આંખના નંબર વધ્યા, બાળકોમાં ડ્રાય આઈ અને મેદસ્વીપણાના રોગમાં ઉછાળો

  • ઘરમાં બંધ થયેલા લોકોએ,બાળકોએ શિક્ષણમાં ગેજેટ્સનો ઉપયોગ વધાર્યો,રોગ પણ વધ્યા
  • 17 થી 20 વખતની જગ્યાએ મોબાઈલ ઉપયોગમાં લોકો 1 મિનિટમાં 7-8 વખત જ આંખો પટપટાવે છે

લોકડાઉનમાં લોકો સતત ઘરમાં રહીને એકતરફ કંટાળી ગયા છે,જેથી સતત મોબાઈલ અને લેપટોપ સહિતના ગેજેટ્સનો ઉપયોગ વધ્યો છે.અને બીજી તરફ ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓ પણ મોબાઈલ સામે મોટાભાગનો સમય ગાળી રહ્યા છે. જેના પરિણામ હવે ધીરે-ધીરે સામે આવી રહ્યા છે.કચ્છ જિલ્લામાં આંખના નંબરના બદલાવ સાથે ૩૦ ટકા દર્દીઓમાં વધારો થયો છે,તો બાળકોને મોબાઈલની આદત પડી જતા હવે ડ્રાય આઈ અને મેદસ્વીપણાના રોગ વધી રહ્યા છે.

ભુજના જાણીતા આંખના તબીબ ડો.સંજયભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે,સતત વધી રહેલા મોબાઈલ ઉપયોગના કારણે લોકોની આંખ સૂકાઈ રહી છે. જેથી ડ્રાય આઈના કિસ્સાઓ દરરોજના દર્દીઓમાં સામે આવી રહ્યા છે.સ્કુલ જવાનું અને બહાર નીકળવાનું ઘટી જતા બાળકો હવે મોબાઈલ,લેપટોપ તરફ વળ્યાં છે.જેથી આંખનો વપરાશ અને સ્ક્રીનટાઈમ વધ્યો છે. જેથી બાળકોને જલ્દી નંબર આવી રહ્યા છે.

ભુજના હોસ્પિટલ રોડ પર આવેલા નેત્રમ ચશ્માંના કન્સલ્ટિંગ ઓપ્ટોમેટ્રિસ્ટ સ્મિત.કે ગોરએ જણાવ્યું કે,આજે દોઢ વર્ષનું બાળક યૂટયૂબ ચાલુ કરી વિડીયો શોધી લે છે,મોબાઈલનો ઉપયોગ કરે છે ભલે તેને એબીસીડી નથી આવડતી.તો બીજી બાજુ એક રિસર્ચ એવું કહે છે કે વસ્તીના ૫૦ ટકા લોકોને 2050 સુધીમાં માયોપિયા થઇ જશે.જે આંખના દૂરના નંબર વધવા સંબંધિત છે. સામાન્યતઃ વ્યક્તિને એક મિનિટમાં ૧૭-૨૦ વખત આંખ ઝપકાવવાની હોય છે, મોબાઈલ ઉપયોગ વખતે જે માત્ર લોકો ૭-૮ વખત જ બ્લિન્ક કરે છે. આ સાથે જ જો આંખમાં જોવામાં તકલીફ સર્જાય તો દર છ મહિને નંબર ચેક કરવા પણ તેમણે સૂચન કર્યું હતું.

આંખના પાછળના મોતિયાના કેસ ૮૦ ટકા વધ્યા,આંખની ઓપીડી હાઉસફૂલ
ભુજના જાણીતા આંખ નિષ્ણાત ડો અતુલ મોડેસરાએ જણાવ્યું કે,લોકડાઉન બાદ સતત હવે આંખની ઓપીડી ફૂલ રહે છે. ચિંતાજનક બાબત એ સામે આવી છે કે,આંખના પાછળના મોતિયાના કિસ્સાઓ ૮૦ ટકા જેટલા વધ્યા છે. દર પાંચ દર્દીએ ચાર દર્દીઓ આ રોગથી પીડાતા જોવા મળી રહ્યા છે. જો કે મોબાઈલના કિરણોનો આ સમસ્યામાં કેટલો ભાગ છે તે સંશોધનનો વિષય છે.આ સાથે જ આંખના નંબર બદલવાના કેસ પણ વધ્યા છે અને લોકોને ડ્રાય આઈના રોગ વધ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આઉટડોર એક્ટિવિટી ઘટતા બાળકોમાં મેદસ્વીતાના કેસ 10 ટકા જેટલા વધ્યા
મુસ્કાન હોસ્પિટલ અંજારના બાળરોગ નિષ્ણાત ડો.પરેશ દેત્રોજાએ વાત કરતા કહ્યું કે,બાળકોમાં પાંચથી દસ ટકા જેટલા કિસ્સાઓમાં મેદસ્વીપણાના રોગના નિદાન સામે આવી રહ્યા છે.ઇન્ડોર રહીને સતત મોબાઈલ અને ગેજેટના ઉપયોગથી આ કિસ્સાઓ વધ્યા છે.બીજીતરફ આજે પ્રાથમિક શાળામાં ભણતા બાળકને ઓનલાઈન શિક્ષણના નામે પર્સનલ ફોન મળી ગયા છે,જે ચિંતાજનક છે કે બાળક અભ્યાસ સાથે શું શું જોઈ રહ્યો છે તે મુદ્દે વાલીઓએ સચેત બનવું જોઈએ.

મોબાઈલ કે લેપટોપ આંખની ૧૦ ડિગ્રીથી નીચે હશે તો બેક અને નેક પેઇનની સમસ્યા
આંખના નિષ્ણાત સ્મિત ગોરે વધુમાં જણાવ્યું કે,લેપટોપ કે મોબાઈલ ઉપયોગ વેળાએ આંખને સમાંતર જ ઉપયોગ કરવો જોઈએ,કોઈ કિસ્સામાં જો તે ૧૦ ડિગ્રીથી વધુ નીચે હશે તો લોકોને આંખના દર્દ સાથે નેક અને બેક પેઇનની સમસ્યા પણ સર્જાઈ શકે છે. જો કે એસીની હવા સીધી આંખમાં જાય તેમ પણ ન બેસવું જોઈએ તેવું સૂચન પણ તેમણે કર્યું હતું.

મોબાઈલના સત્તત ઉપયોગથી બાળક બેધ્યાન અને ચિડિયું બને છે
ઓનલાઇન શિક્ષણમાં બાળકો સતત મોબાઈલથી કંટાળીને હવે બેધ્યાન બની રહ્યા છે.પરિવાર સાથે સમય ગાળવાનું પણ તેઓ ટાળી રહ્યા છે અને બીજીતરફ સતત મોબાઈલના ઉપયોગથી બાળકો ચીડિયા પણ બની ગયા છે તેમ ડો અરુણ પરીખે જણાવ્યું હતું.

આંખને બચાવવા માટે બાળકોથી લઈને મોટા માટે 20-20-20 ફોર્મ્યુલા
મોબાઈલનો ઉપયોગ અમુક કિસ્સામાં અનિવાર્ય બની ગયો છે,ત્યારે તેનાથી કેમ બચી શકાય ?, તે મુદ્દે ભાસ્કરથી વાત કરતા ડો સંજયભાઈ ઉપાધ્યાયે 20-20-20 ફોર્મ્યુલા આપતા કહ્યું કે,બાળક હોય કે વડીલ તેમને દર ૨૦ મિનિટે ૨૦ સેકન્ડ માટે ૨૦ ફુટ દૂરની વસ્તુ જોવાની અને જેથી આંખના સતત ઉપયોગથી રાહત મળશે.પીવાના પાણીથી આંખ ધોતા રહેવું અને લીલા શાકભાજી વધુ ખાવા જોઈએ તો આંખના દર્દમાંથી રાહત મળશે.