વિદેશના દ્વાર ખુલ્યાં:અનલોકના 6 મહિનામાં ગુજરાતમાંથી 3 હજાર વિદ્યાર્થી કેનેડા અભ્યાસ માટે ગયા

વિદેશના દ્વાર ખુલ્યાં:અનલોકના 6 મહિનામાં ગુજરાતમાંથી 3 હજાર વિદ્યાર્થી કેનેડા અભ્યાસ માટે ગયા

વિઝા છતાં લાેકડાઉનને કારણે સંખ્યાબંધ વિદ્યાર્થી અટવાયા હતા

લોકડાઉન ખૂલ્યા બાદ વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ધીરે ધીરે વિદેશોના દ્વાર ખૂલી રહ્યાં છે. લોકડાઉન શરૂ થયું તે પહેલાં જે વિદ્યાર્થીઓને કેનેડાના વિઝા ઇશ્યૂ થયા હતા, પરંતુ તેઓ જઈ શક્યા ન હતા તેવા વિદ્યાર્થીઓ કોલેજોના પત્ર સાથે કેનેડા જઈ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા 6 મહિનામાં ગુજરાતમાંથી 3 હજાર કરતાં વધુ વિદ્યાર્થી કેનેડા અભ્યાસ માટે પહોંચી ચૂક્યા છે.

કેનેડામાં અભ્યાસ માટે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને માર્ચ-ફેબ્રુઆરીમાં વિઝા મળી ચૂક્યા હતા, પરંતુ માર્ચથી લાગુ કરાયેલા લોકડાઉનને કારણે તેઓ અભ્યાસ માટે જઈ શક્યા ન હતા. જોકે હવે વિદ્યાર્થીઓને કેનેડા આવવાની મંજૂરી ત્યાંની સરકાર દ્વારા અપાઈ છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓએ તાજેતરમાં વિઝા માટેની અરજી કરી છે, તેમના પાસપોર્ટ પર વિઝાની મંજૂરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ માટે વિદ્યાર્થીએ જે કોલેજમાં એડમિશન લીધું હશે તેનો લેટર પણ આપવાનો રહેશે.

આ સાથે જ કેનેડા જનારા વિદ્યાર્થીઓએ ફરજિયાત 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડશે. જો વિદ્યાર્થી ક્વોરન્ટાઇન દરમિયાન કોઈ નિયમ ભંગ કરશે તો મોટો દંડ કરવાની પણ સૂચના અપાઇ છે. આથી વિદ્યાર્થીઓએ ક્વોરન્ટીનનો સમય ફરજિયાત પાળવો પડશે.

1500 ડોલર ફી, 14 દિવસ ક્વોરન્ટીનની શરત
કેર ઇમિગ્રેશનના નિશિત પટેલે કહ્યું- કેનેડાની સરકારે દરેક કોલેજ પાસેથી તેમનો પ્લાન માગ્યો હતો કે પોતાના દેશની સાથે વિદેશથી આવતા વિદ્યાર્થીઓને કેવી રીતે રાખશે. આમ કોલેજો પોતાની વ્યવસ્થા પ્રમાણે વિદ્યાર્થીઓને બોલાવી રહી છે, જેથી અભ્યાસ માટે કોલેજનો લેટર વિદ્યાર્થી પાસે હોવો ફરજિયાત છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી 1500 ડોલરની ફી લેવામાં આવે છે, જેમાં 14 દિવસનો ક્વોરન્ટીન પિરિયડ અને કોઈ કોરોના પોઝિટિવ આવે તો હોસ્પિટલનો ખર્ચ પણ આ ફીમાંથી જ થાય છે. આ વિદ્યાર્થીઓની જવાબદારી યુનિવર્સિટીને સોંપાઈ છે.

વિદ્યાર્થીઓમાં કેનેડા પહેલી પસંદ છે
રાવ કન્સલ્ટન્ટના અમિત કાસલીવાલે કહ્યું- આ વર્ષે વિદ્યાર્થીઓ યુકે અને કેનેડા વધુ પસંદ કરી રહ્યા છે. વિદેશ જતાં વિદ્યાર્થી હવે એ પણ ચેક કરી રહ્યાં છે કે જે તે દેશમાં વેક્સિનેશનની શી સ્થિતિ છે? પાર્ટ-ટાઇમ વર્ક મળશે કે કેમ? મારા મતે અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 500 વિદ્યાર્થીઓ કેનેડા જઈ ચૂક્યા છે.