ખતમ નહીં થાય કોરોના : બાયોએનટેકના CEOએ કહ્યું- ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વાયરસ આપણી સાથે જ રહેશે
વિશ્વભરમાં કોરોનાના નવા અને વધુ ખતરનાક સ્ટ્રેનને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે ફાઈઝરની સાથે કોરોના વેક્સિન બનાવનારી કંપની બાયોએનટેકના CEO ઉગર સાહિને કહ્યું કે વાયરસ ઓછામાં ઓછો 10 વર્ષ સુધી ખતમ નહીં થાય.

એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં સાહિનને પૂછવામાં આવ્યું હતું કે વાયરસ ક્યારે ખતમ થશે અને લોકોની લાઈફ સ્ટાઈલ ક્યાં સુધી પરત પાટા પર આવશે? જેના જવાબમાં તેઓએ કહ્યું કે- આપણે નોર્મલની નવી પરિભાષા સમજવાની જરૂર છે. આ વાયરસ આગામી 10 વર્ષ સુધી આપણી સાથે જ રહેશે.
નવા સ્ટ્રેન માટે 6 સપ્તાહમાં બની શકે છે વેક્સિન
સાહિને કહ્યું કે બ્રિટનમાં મળેલા વાયરસના નવા સ્ટ્રેનની દ્રષ્ટીએ વેક્સિનમાં 6 સપ્તાહમાં ફેરફાર કરવામાં આવી શકે છે. તેઓએ કહ્યું કે- મેસેન્જર ટેકનિકની ખાસિયત એ જ છે કે અમે નવા મ્યૂટેશન મુજબ વેક્સિનને તે રીતે જ એન્જિનિયરિંગ કરી શકીએ છીએ. ટેકનિકલ રીતે અમે 6 અઠવાડીયામાં નવી વેક્સિન તૈયાર કરી શકીએ છીએ.
નવા સ્ટ્રેનથી વેક્સિનની અસર ઘટશે નહીં
ફાઈઝરની સાથે મળીને બનાવવામાં આવેલી બાયોએનટેકની કોરોના વેક્સિનને અમેરિકા અને બ્રિટન સહિત 45થી વધુ દેશોમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. તેઓએ વિશ્વાસ અપાવ્યો કે UKમાં સામે આવેલા કોરોનાના નવા સ્ટ્રેનથી વેક્સિનની અસરને કંઈ જ ઈફેક્ટ નહીં પડે.