ઉત્તરાયણમાં પતંગમાં પણ કોરોના છવાયો, આ વર્ષે પતંગ-દોરીના ભાવમાં બમણો વધારો

ઉત્તરાયણમાં પતંગમાં પણ કોરોના છવાયો, આ વર્ષે પતંગ-દોરીના ભાવમાં બમણો વધારો

જાન્યુઆરી માસનો પ્રથમ તહેવાર એટલે ઉત્તરાયણ જેને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેવામાં આ વખતે કોરોના મહામારીના કારણે બહારથી માલ ન આવતા પતંગ અને દોરીમાં મોટો ભાવ વધારો ઝીંકાયો છે.

આ વર્ષે કોરોના મહામારીના કારણે કોઈ પણ તહેવારની ઉજવણી થઈ શકી નથી, તેવામાં આગામી 14 જાન્યઆરીએ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે જેની ઉજવણી લોકો પોતાના ઘર પર રહીને કરી શકે ત્યારે લોકોએ ખરીદી શરૂ કરી છે. જોકે દર વર્ષની સરખામણીએ પતંગ અને ફીરકીના ભાવમાં આ વર્ષે ખુબ જ ભાવ વધારો નોંધાયો છે. તમામ વસ્તુઓનો માલ બહારથી આવતો હોવાથી આ વખતે તે ન આવી શકતા ભાવ વધારો મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે. પતંગના ભાવમાં 40 ટકા ભાવ વધારો નોંધાયો છે. જ્યારે ફીરકીના ભાવમાં 10થી 12 ટકા વધારો જોવા મળી રહ્યો છે.

એક તરફ દર વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના મહામારીમાં લોકોના ધંધા રોજગાર ભાંગી પડ્યા છે અને લોકો આર્થિક મુશ્કેલીમાં પણ મૂકાયા છે ત્યારે સામાન્ય લોકોની તહેવારોની ઉજવણી પણ ફિક્કી પડી છે જેના કારણે બજારોમાં ગરાકી ઓછી થઇ ગઇ છે, તેવામાં આ ભાવ વધારો જે ઝિંકાયો છે તેના કારણે વેપારીઓ પરેશાન થઈ ચુક્યા છે, તો બીજી બાજુ મોંઘવારીનો માર વધી રહ્યો છે અને તેવામાં સામાન્ય જનતા માટે તહેવારની ઉજવણી કરવી પણ મુશ્કેલ બને તેવુ દેખાઈ રહ્યુ છે. ગત વર્ષે 2100 રૂપિયામાં 1000 મળતા પતંગના ભાવ 3000 થી 3100 એ પહોંચ્યા છે. સાથે-સાથે પીએમ નરેન્દ્ર મોદીના ફોટા વાળા પતંગ, સાથે આ વખતે બકા કોરોનાસે ડરને કા નહી, માસ્ક પહેનના, સોશિયલ ડિસ્ટન્સ રખના જેવા સ્લગ વાળા પતંગ પણ મળી રહ્યા છે.

કોરોના મહામારીના કારણે લોકડાઉન થયુ અને લોકો આર્થિક મુશ્કેલીમાં સપડાયા બાદ મોંઘવારીનો માર વધી રહ્યો છે તેવામાં સામાન્ય લોકોને તહેવારોની ઉજવણી પણ કરવી મુશ્કેલ બને તેવુ દેખાઈ રહ્યુ છે. ત્યારે વેપારીઓ પણ ગ્રાહકની રાહ જોઇ રહ્યા છે પરંતુ આ વર્ષે પતંગ-દોરીના ભાવમાં ધરખમ વધારો થતા આ વર્ષે ઉતરાયણનો તહેવાર ફિક્કો થાય તો નવાઇ નહીં.