કલોલ ગેસ બ્લાસ્ટ:પરિવારજનોના આકસ્મિક મોત નહીં પણ હત્યા છે, 3 સ્વજનને ભ્રષ્ટાચાર ભરખી ગયો : પિતાની વેદના

કલોલ ગેસ બ્લાસ્ટ:પરિવારજનોના આકસ્મિક મોત નહીં પણ હત્યા છે, 3 સ્વજનને ભ્રષ્ટાચાર ભરખી ગયો : પિતાની વેદના

કલોલના પીડિત પરિવારનો ભાસ્કર સાથે સંવાદ : અમિતની પોતાના ઘર માટેની લોન મજૂર થઈ તે સાથે જ દુનિયા છોડી

કલોલ ગાર્ડન સિટીમાં બંધ મકાનમાં થયેલા ભેદી બ્લાસ્ટે એક જ પરિવારના 3 લોકોના જીવ લીધા છે. 22 ડિસેમ્બરની સવારે થયેલા બ્લાસ્ટ સાથે જ કેનેડામાં રહેતાં પરિવારને આ અંગેના સમાચાર મળ્યા હતા. ટિકિટના 3 ગણા પૈસા ચૂકવીને 26 કલાકની મુસાફરી કરીને પરિવાર ત્રીજા દિવસે શું થયું હશે? પુત્ર-પુત્રવધુ, માતા કેવી હાલતમાં હશે? મનમાં ઊઠતા અનેક સવાલો અને તેના ઝંઝોળી દેતા જવાબો સાથે પરિવાર કલોલ પહોંચ્યો હતો. ત્યારે બ્લાસ્ટમાં માતા, પુત્ર અને પુત્રવધુ ગુમાવરનાર જનકભાાઈ દવેએ કહ્યું કે, ‘આ કોઈ કુદરતી કે આકસ્મિક મૃત્ય નહીં પણ હત્યા છે.

કલોલ બ્લાસ્ટનો ભોગ બનેલો પરિવાર (ડાભેથી જનકભાઈ, રેખાબેન, રવિભાઈ, રવિભાઈના પત્ની, મૃતક પિનલબેન, મૃતક અમિત, ખુરશીમાં બેઠેલા મૃતક હંસાબેન)

તંત્રનો ભ્રષ્ટાચાર જ અમારા પરિવારને ભરખી ગયો છે. જનકભાઈ, તેમના પત્ની રેખાબેન, પુત્ર રવિ અને તેના પત્ની 3 વર્ષ પહેલાં જ કેનેડા ગયા હતા. 3 સભ્યો ગુમાવી દેનાર અને કલોલમાં પોતાનું ઘર પણ ન ધરાવતા પરિવારની તંત્ર કે સરકાર દ્વારા કોઈ દરકાર તો દૂર સાંત્વના પણ ન મળતાં પરિવારમાં રોષની લાગણી છે. પરિવાર કોઈપણ ભોગે ન્યાય ઝંખી રહ્યો છે. ગુજરાત આવતા સમયે પરિવારને દિલ્હી એરપોર્ટ પર કોવિડ ટેસ્ટનો પ્રશ્ન ઊભો થયો હતો પણ નિયમ અનુસાર, બનાવને લઇ તેમને કનેક્ટિંગ ફ્લાઇટ લેવા દેવાઈ હતી. નોંધનીય વાત એ છે કે, અમિત કલોલમાં પોતાનું ઘર લેવા માટે લોન લીધી હતી, જે એપ્રુઅલ પણ થઈ , ત્યારે તે દુનિયા છોડી ગયો હતો.

પુત્રવધૂને જોયા પછી પરિવાર પુત્રના અંતિમ સંસ્કાર માટે નીકળ્યો
દવે પરિવાર ગુરુવારે સવારે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. પુત્રના મોતના સમાચાર મળી ગયા હતા. જેને પગલે પુત્રની લાશને જોયા પછી હિંમત નહીં રહે તે જાણતો પરિવાર પહેલાં સારવાર હેઠળ રહેલી દીકરા સમાન પુત્રવધૂને પાસે પહોંચ્યો હતો. કાળજુ કંપાવી દે તેવી સ્થિતિમાં પુત્રવધૂને જોયા પછી પરિવાર પુત્રના અંતિમ સંસ્કાર માટે નીકળ્યો હતો. આ બધી તૈયારીઓ ચાલતી હતી ત્યારે જ પુત્રવધુ પિનલના મોતના સમાચાર આવ્યા હતા. જેને પગલે પરિવારજનોએ દંપતિના સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા.

અમિત-પિનલ કેનેડા જવાની પણ તૈયારી કરી રહ્યાં હતા
રવિભાઈએ કહ્યુંં કે, ‘અમિત બીસીએ પૂર્ણ કરી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેની પત્ની પિનલે એમ.બી.એ કરેલ હતું તેમજ આઈ.એલ.ટી.એસમાં 6.5 બેન્ડ પણ મેળવ્યા હતા. પરિવાર સાથે કેનેડામાં જીવન વિતાવવા સપના સાથે બંને ખૂબ મહેનત કરતાં હતા અને બચતથી જીવતા હતા. અમિતનું સપનું હતું કે, કલોલમાં પોતાનું એક મકાન પણ હોય. અને તે માટે ખૂબ મહેનત કરી લોન લીધી હતી પણ જ્યારે લોન એપ્રુઅલ થઈ ત્યારે તે આ દુનિયા છોડી ગયો હતો.’

નાનું ઘર પણ મોટું હ્દય ધરાવતા માસીએ રહેવાની વ્યવસ્થા કરી
જનકભાઈ માટે મોટો પ્રશ્નો હતો કે, મૃતકોની અંતિમયાત્રા કાઢ‌વી ક્યાંથી. તેમજ કલોલમાં પોતાનું કોઈ મકાન જ ન હતું અને પુત્રે લીધેલ ભાડે મકાન જમીનદોસ્ત થયું હતું. રવિભાઈએ કહ્યું કે, કલોલમાં રહેતાં મારા માસી સામાન્ય પરિસ્થિતિ ધરાવે છે. ઘર નાનું પણ મોટું હૃદય ધરાવતા માસીએ અમારા રહેવાની વ્યવસ્થા કરી હતી.

વિડિયો કોલમાં ઘરની સ્થિતિ જોઈ ગાડી ચલાવવું મુશ્કેલ બન્યું
મૃતક અમિતના ભાઈ રવિ દવેએ કહ્યું- બ્લાસ્ટની ઘટના બાદ માર પર મિત્રનો વીડિયો કોલ આવ્યો હતો, જેમાં તેણે બ્લાસ્ટમાં તૂટેલું મકાન દર્શાવી અમિત કાટમાળ નીચે દબાઈ ગયો હોવાનું જણાવ્યું હતું. વીડિયોમાં તુટેલ મકાનમાં લાગેલ માતા-પિતાનો ફોટો જોઈ મારું જ ઘર હોવાનું નિશ્ચિત થઈ ગયું હતું. તે સમયે કેનેડામાં રાતના સમયે હું જોબ પર હતો. આઘાતમાં ઢીલો પડી ગયો અને સ્ટોર પરથી રજા મેળવી ઘર તરફ જવા નીકળ્યો હતો. આધાત એટલો ભયંકર હતો કે, માર માટે ગાડી ચલાવવાનું પણ મુશ્કેલી બન્યું હતું. ઘરે આવી પરિવારને જાણ કરી તો બધાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.

( Source – Divyabhaskar )