અમેરિકા:ન્યૂયોર્ક સિટીમાં વસે છે મિની પંજાબ, રિચમંડ હિલના રસ્તા પર અંગ્રેજી કરતાં પંજાબી ભાષા વધુ સાંભળવા મળે છે

અમેરિકા:ન્યૂયોર્ક સિટીમાં વસે છે મિની પંજાબ, રિચમંડ હિલના રસ્તા પર અંગ્રેજી કરતાં પંજાબી ભાષા વધુ સાંભળવા મળે છે

અહીં તાજેતરમાં જ બે રસ્તાના નામ બદલીને પંજાબી સમુદાયને સમર્પિત કરાયા છે

ન્યૂયોર્કનો રિચમંડ હિલ વિસ્તાર મુખ્ય શહેર મેનહટનથી 15 માઇલ દૂર છે. લેફર્ટ્સ બોલિવર્ડ આ વિસ્તારનું છેલ્લું રેલવે સ્ટેશન છે. અહીંના રસ્તા પર ચાલો તો અંગ્રેજી કરતા પંજાબી વધુ સંભળાય છે. વાહનોના અવાજથી વધુ ઊંચા અવાજે પંજાબી રૅપ સોન્ગ સંભળાય છે. તમે લુધિયાણાના રસ્તા પર ફરી રહ્યા હો તેવું જ લાગે પણ હકીકતમાં આ ન્યૂયોર્કના 5 ટાઉનમાંથી એક ક્વીન્સ ટાઉનનો વિસ્તાર છે. તે મિની પંજાબ તરીકે ઓળખાય છે. રિચમંડ હિલના આ વિસ્તારમાં પંજાબી સંસ્કૃતિ, બોલી અને રહેણી-કરણીનો સંપૂર્ણ પ્રભાવ છે.

97 એવન્યૂનું નામ બદલીને ગુરુદ્વારા સ્ટ્રીટ કરી દેવાયું
પંજાબી લોકોથી ભરેલા આ વિસ્તારના લોકો અસલ પંજાબી પરાઠાનો આસ્વાદ માણે છે. રસ્તા પર એવા લોકો મળી રહે કે જેમની સાથે અંગ્રેજીના બદલે પંજાબી કે હિન્દીમાં વાત કરવી વધુ સરળ છે. હેર સલૂનમાં શાહરુખ અને સલમાન ખાન સ્ટાઇલમાં વાળ કપાવવાના 10 ડૉલર થાય છે. આ વિસ્તાર આખા ન્યૂયોર્કમાં એટલા માટે પણ પ્રસિદ્ધ થઇ ગયો છે કે મેયરે અહીંના બે રસ્તાના નામ બદલીને પંજાબી સમુદાયને સમર્પિત કર્યા છે. ન્યૂયોર્ક સિટી કાઉન્સિલે 111 સ્ટ્રીટ અને 123 સ્ટ્રીટ વચ્ચે સ્થિત 101 એવન્યૂનું નામ પંજાબી એવન્યૂ કરી દીધું છે. 97 એવન્યૂનું નામ બદલીને ગુરુદ્વારા સ્ટ્રીટ કરી દેવાયું છે. તે વિસ્તારમાં એક મોટું ગુરુદ્વારા આવેલું છે. નામ બદલવા અભિયાન ચલાવનારા સ્થાનિક કાઉન્સિલ વુમન એડ્રિએન એડમ્સ કહે છે કે આ નિર્ણય શહેરના વિકાસમાં પંજાબી સમુદાયનું યોગદાન દર્શાવે છે. ઢાબા ચલાવતા 28 વર્ષીય તેજિન્દર સિંહ જણાવે છે કે તેઓ 1990ના દાયકામાં રિચમંડ હિલ્સ આવ્યા હતા. અહીં પંજાબી સમુદાયનું આગમન 1970ના દાયકામાં શરૂ થયું હતું.

( Source – Divyabhaskar )