મોબાઇલ ડેટા સ્પીડની સૂચિમાં ભારત ૧૩૧મા ક્રમે, વપરાશની સૂચિમાં પહેલું

મોબાઇલ ડેટા સ્પીડની સૂચિમાં ભારત ૧૩૧મા ક્રમે, વપરાશની સૂચિમાં પહેલું

એરિક્સન મોબિલિટી રિપોર્ટ અનુસાર ભારતીય સ્માર્ટફોન યૂઝર્સ દર મહિને સૌથી વધુ ડેટા વાપરે છે. આ આંકડો અન્ય કોઈ દેશમાં નથી. મોબાઇલ ડેટા સ્પીડની વૈશ્વિક સૂચિમાં ભારત ૧૩૧મા ક્રમે છે. પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળ આ સૂચિમાં ભારત કરતા ઉપર છે. પરંતુ મોબાઈલ ડેટાના ઉપયોગના મામલે ભારત નંબર ૧ છે.

એરિક્સન મોબિલિટી રિપોર્ટ અનુસાર ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સ દર મહિને ૧૬ જીબી ડેટા વપરાશમાં લે છે. આ અહેવાલ મુજબ ૨૦૧૯માં સ્માર્ટફોન યૂઝર્સનો સરેરાશ ટ્રાફિક ૧૩.૫ જીબી હતો. વર્ષ ૨૦૧૯ની તુલનામાં ભારતીય યૂઝર્સે ૨૦૨૦માં સૌથી વધુ મોબાઇલ ડેટા વપરાશ કર્યો છે. ૨૦૨૦માં સ્માર્ટફોન યૂઝર્સનો સરેરાશ ટ્રાફિક ૧૫.૭ જીબી નોંધાયો છે. આ સાથે એવું જાણવા મળ્યું છે કે, ૨૦૨૬ સુધીમાં ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સનો સરેરાશ ડેટા વપરાશ દર મહિને ૩૭ જીબી થઈ શકે છે. એરિક્સનનો દાવો છે કે કોવિડ ૧૯માં ભારતમાં ડેટા વપરાશમાં વધારો નોંધાયો છે. ભારતમાં આવતા પાંચ વર્ષ સુધી આ આંકડો વધતો જ રહેશે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૬ના અંત સુધીમાં માત્ર ૨૭% ભારતીઓ ૫ જીનો વપરાશ કરશે. આ વર્ષના અંત સુધીમાં ભારતમાં ૪ જી વપરાશકારો ૮૦% સુધી થઈ જશે.

આ સાથે એ વાત પણ સામે આવી છે કે, વર્ષ ૨૦૨૬ સુધીમાં ભારતમાં ૪ જી યૂઝર્સ ૯૫% સુધી થઈ શકે છે. એરિક્સન ગતિશીલતાના અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે, મોબાઇલ, બ્રોડબેન્ડ સર્વિસ અને પોસાય તેવા સ્માર્ટફોનના ભાવને કારણે માસિક ડેટા ઉપયોગમાં વૃદ્ધિ જોવા મળી છે. આવનારા સમયમાં હવે જ્યારે ૫ જી નેટવર્ક આવી રહ્યું છે ત્યારે જોવાનું રહેશે કે ભારતમાં કેટલા સ્માર્ટફોનનું વેચાણ થશે અને કેટલા લોકો ૪ જીથી ૫ જીમાં શિફ્ટ થશે.