સાબરમતી રિવરફ્રન્ટમાં આજથી 60 સીટર રિવર ક્રૂઝનો આરંભ, લોકોની મજા બમણી થશે

સાબરમતી રિવરફ્રન્ટમાં આજથી 60 સીટર રિવર ક્રૂઝનો આરંભ, લોકોની મજા બમણી થશે

અમદાવાદ શહેરના મુલ્ક મશહૂર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. ૨૦મીને આજે બુધવારથી રિવરક્રૂઝનો પ્રારંભ કરવામાં આવનાર છે. ૬૦ સીટર એરકન્ડિશન ક્રૂઝમાં બેસીને સહેલાણીઓ વલ્લભસદનથી એલિસબ્રિજના રૂટ પર ૨૦ મિનિટ સુધી રિવરફ્રન્ટનો નયનરમ્ય નઝારો માણી શકશે. એટલું જ નહીં આ ક્રૂઝ રિવરફ્રન્ટનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

નોર્વે ડેન્માર્કથી મંગાવવામાં આવેલા આ ક્રૂઝમાં અમદાવાદમાં હેરિટેજ સિટીને લગતા વીડિયો દેખાડવામાં આવશે. ક્રૂઝમાં હાઇક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જેનાથી સહેલાણીઓને સિનેમાગૃહમાં બેઠા હોવાનો અનુભવ થશે. ક્રૂઝની સવારી દર અડધાકલાકે ચાલુ રહેશે તેથી સહેલાણીઓને લાંબી કતારમાં બેસવું નહીં પડે.

મ્યુનિ. પ્રવક્તાએ એમ જણાવ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગત ૧લી જાન્યુઆરીથી શહેરીઓ માટે બોટિંગ તથા વોટર સ્પોર્ટ્સની શરૂઆત કરવામાં આવી છે. હાલના તબક્કે રિવરફ્રન્ટ ખાતે બે પોઇન્ટ પર બોટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એક પોઇન્ટ આશ્રમરોડ વલ્લભસદન ખાતે અને બીજો પોઈન્ટ ઉસ્માનપુરા નજીક કરવામાં આવ્યો છે જેને શહેરીઓ દ્વારા ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો છે.

તેમણે જણાવ્યું કે, રિવરક્રૂઝ અને બોટિંગ માટેની ટિકિટ વલ્લભસદન કાઉન્ટર પરથી મળી રહેશે. આવનારા સમયમાં આ ટિકિટ ૧૫ જેટલા ઓનલાઈન માધ્યમો દ્વારા ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટની વેબસાઇટ પરથી પણ બુકિંગ કરી શકાશે.

( Source – Sandesh )