સંસદની કેન્ટીનમાં સાંસદોને આપવામાં આવતી સબસિડી બંધ : 35 રૂપિયામાં થાળી નહીં મળે

સંસદની કેન્ટીનમાં સાંસદોને આપવામાં આવતી સબસિડી બંધ : 35 રૂપિયામાં થાળી નહીં મળે

। નવી દિલ્હી ।

સંસદનું બજેટ સત્ર ૨૯ જાન્યુઆરીથી શરૂ થવાનું છે તે પહેલાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે જાહેરાત કરી હતી કે, આગામી સત્રથી સંસદની કેન્ટીનમાં તમામ સાંસદો અને કર્મચારીઓને આપવામાં આવતી સબસિડી બંધ કરવામાં આવી છે અને તમામ ખાદ્ય પદાર્થો માટે જે મૂળ કિંમત હશે તે ચૂકવવાની રહેશે. તેનો સીધો અર્થ છે કે હવે સાંસદોને ૩૫ રૂપિયામાં વેજ થાળી અને ૫૦ રૂપિયામાં ચિકન કરી નહીં મળે.

ઓમ બિરલાએ વધુમાં જણાવ્યું કે, ૨૯મીથી બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તે માટે સૌથી પહેલાં તો તમામ સાંસદો અને કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. ૨૭ અને ૨૮ દરમિયાન આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે જે ફરજિયાત રહેશે. આ રિપોર્ટના આધારે જ તમામને પ્રવેશ આપવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે, રાજ્યસભાની કામગીરી સવારે નવ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ચાલશે જ્યારે લોકસભાની કામગીરી સાંજે ચાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલશે.

વર્ષે ૧૭ કરોડની સબસિડી બંધ થશે

ઉલ્લેખનીય છે કે, સંસદની કેન્ટીનને વર્ષે ૧૭ કરોડની સબસિડી આપવામાં આવતી હતી જે હવે બંધ થઈ જશે. લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીના સભ્યો દ્વારા પણ આ મુદ્દે સહમતી સાધવામાં આવી હતી. તેને પગલે જ આગામી સત્રથી આ સબસિડી બંધ કરવામાં આવશે. ૨૦૧૭-૧૮માં થયેલી આરટીઆઈ પ્રમાણે સાંસદોને કેન્ટીનમાં ચા-કોફી પાંચ રૂપિયામાં જ્યારે થ્રી કોર્સ લન્ચ ૧૦૬ રૂપિયામાં મળતું હતું. તે ઉપરાંત નાસ્તાની કિંમતો પણ ૨૦ રૂપિયા સુધી જ હતી.

( Source – Sandesh )