નાગરિકતા કાયદાની કલમ 6A કાયદેસર, સુપ્રીમના 5 જજોની બંધારણીય બેન્ચનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

નાગરિકતા કાયદાની કલમ 6A કાયદેસર, સુપ્રીમના 5 જજોની બંધારણીય બેન્ચનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

સુપ્રીમ કોર્ટે નાગરિકતા કાયદો 1955ની આસામ એકોર્ડ (આસામ સમજૂતી) તરીકે ઓળખાતી કલમ 6A ની માન્યતાને જાળવી રાખી છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ સહિત પાંચ જજની બંધારણીય બેન્ચે આ કલમ સ્થળાંતરિત લોકોના કારણે સ્થાનિક ભાષા અને સંસ્કૃતિને નુકસાન પહોંચાડતી હોવાની અપીલને ફગાવતાં તેની કાયદેસરતાને જાળવી છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, આસામ સમજૂતી એ ગેરદાયદે થતાં સ્થળાંતરની સમસ્યાનો રાજકીય ઉકેલ છે અને કલમ 6A એ બંધારણીય ઉકેલ છે.  બહુમતી જોવા મળી છે કે, સંસદે આ જોગવાઈના અમલ માટે કાયદાકીય માન્યતા આપી છે. જે સ્થાનિક વસ્તીની સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખતાં માનવતાવાદ જાળવી રાખવા અમલમાં મુકવામાં આવી છે.

બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલા રાજ્યોમાં આસામમાં સૌથી વધુ 40 લાખ ઈમિગ્રાન્ટ્સ લોકો વસવાટ કરી રહ્યા છે. જો કે, સંખ્યાની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળમાં 56 લાખ ઈમિગ્રાન્ટ્સ વધુ છે, પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ આસામ બંગાળ કરતાં અડધું છે. જેથી આસામ માટે આ જોગવાઈ અત્યંત જરૂરી છે. CJI ચંદ્રચૂડે તેમના ચુકાદામાં નોંધ્યું  હતું કે રાજ્યમાં વિવિધ વંશીય જૂથોની હાજરીનો અર્થ એ નથી કે બંધારણની કલમ 29(1) મુજબ ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાના રક્ષણના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું છે. અરજદારોએ સાબિત કરવું પડશે કે એક વંશીય જૂથ માત્ર અન્ય વંશીય જૂથની હાજરીને કારણે તેમની પોતાની ભાષા અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં સક્ષમ નથી. વધુમાં સુપ્રીમ કોર્ટે આસામની સરકારને એનઆરસી મુદ્દે આપવામાં આવેલા નિર્દેશોને અસરકારક રીતે લાગુ કરવા નિર્દેશ આપ્યો છે, જેમાં તેઓએ રાજ્યમાં ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશીઓની ઓળખ કરવા અને તેમનો દેશનિકાલ કરવાના પગલાં લેવાના રહેશે. આ પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટ નજર રાખશે.

  • આસામમાં 1 જાન્યુઆરી, 1966 પહેલાં સ્થળાંતર કરનારા લોકોને ભારતીય નાગરિક જાહેર કરવા.
  • આસામમાં 1 જાન્યુઆરી, 1966 અને 25 માર્ચ, 1971 સુધીમાં વસવાટ કરનારા સ્થળાંતરિત લોકોને માન્ય શરતો અને લાયકાતના આધારે ભારતીય નાગરિક તરીકેનો દરજ્જો આપવો.
  • 25 માર્ચ, 1971 બાદ આસામમાં ગેરદાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ (વિદેશીઓ)ને ગેરકાયદે ઠેરવી દેશનિકાલ કરવાની જોગવાઈ.

આસામના નાગરિક જૂથ આસામ સન્મિલિતા મહાસંઘ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, કલમ 6 (A) એ પક્ષપાતી, મનસ્વી અને ગેરકાનૂની વલણ ધરાવે છે. જેમાં નિર્ધારિત કટઓફ તારીખ અન્ય રાજ્યો  સાથે પક્ષપાત છે. અયોગ્ય છે.  જેનો જવાબ આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કટઓફ તારીખ 25 માર્ચ, 1971  નિર્ધારિત કરવા પાછળનું કારણ આ તારીખે બાંગ્લાદેશને અલગ દેશ તરીકે સ્થાપિત થવાની આઝાદી મળી હતી. બેન્ચમાં સામેલ જસ્ટિસ સુર્યકાંતે તેમના જજમેન્ટમાં અરજદારોની અરજી રદ કરતાં કહ્યું કે, ભાઈચારાને સંકુચિત માની શકાય નહીં, વ્યક્તિ પોતાના પાડોશીઓને પસંદ કરવા સક્ષમ હોવો જોઈએ. કલમ 6A માં નિર્ધારિત કટઓફ તારીખે કારણે જોગવાઈનો ભંગ થયો ગણાય નહીં. અરજદારોએ દલીલ કરી હતી કે, કલમ  6A એ બંધારણની પ્રસ્તાવનામાં ભાઈચારાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. જેના લીધે સ્થાનિક ભાષા અને સંસ્કૃતિ લુપ્ત થવાનું જોખમ વધ્યું છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું હતું કે, આ કલમ ભારતમાં ગેરકાયદે વસવાટની મર્યાદા અંગે સચોટ આંકડાઓ આપતી નથી કારણકે, ઘણા લોકો ચોરી-છુપાઈને દેશમાં પ્રવેશ્યા છે. જેથી તે તમામને નાગરિકતા આપવી યોગ્ય નથી. અમુક જૂથોએ પણ આ કલમથી સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા અને ભાષા પર જોખમ થઈ રહ્યું હોવાનું જણાવતા ફરિયાદ કરી હતી.