શું ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ શ્રેણીની શરૂઆત થશે? જયશંકરની યાત્રાથી જુઓ શું સંકેત મળ્યાં

શું ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ શ્રેણીની શરૂઆત થશે? જયશંકરની યાત્રાથી જુઓ શું સંકેત મળ્યાં

વિદેશમંત્રી એસ. જયશંકર પાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે ઈસ્લામાબાદ ગયા હતા. વિદેશમંત્રીએ છેલ્લા બે દિવસમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર સાથે વાતચીત કરી છે, પરંતુ બંને દેશો વચ્ચે કોઈ ઔપચારિક બેઠક નથી થઈ. આ સાથે જ લગભગ 9 વર્ષ બાદ કોઈ ભારતીય વિદેશ મંત્રીની પાકિસ્તાન યાત્રા સંપન્ન થઈ છે. ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો છેલ્લા ઘણા સમયથી સારા નથી. ત્યારે ભારતીય ટીમ પાકિસ્તાનમાં મેચ રમવા જતી નથી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ICCની મોટી ટુર્નામેન્ટમાંથી એક આવતા વર્ષે પાકિસ્તાનની ધરતી પર આયોજિત થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટ દ્વારા લાંબા સમય બાદ પાકિસ્તાનમાં ICC ઈવેન્ટની વાપસી થશે. જો કે સુરક્ષાના કારણોસર ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જવાનું ટાળી રહી છે. ત્યારે હવે સવાલ એ છે કે, વિદેશમંત્રી એસ. જયશંકરની પાકિસ્તાન યાત્રા બાદ શું ફરી ઈન્ડિયા-પાકિસ્તાન એકબીજા સામે મેદાને ઊતરશે?

જયશંકરે આતિથ્ય માટે શહબાઝ અને ડારનો આભાર માન્યો હતો. જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે ભારત પાકિસ્તાન પ્રત્યે નિષ્ક્રિય નથી. હકારાત્મક અને નકારાત્મક ઘટનાક્રમ એ જ પ્રમાણે પ્રતિક્રિયા આપશે. આ વચ્ચે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, બંને દેશોના મંત્રીઓ વચ્ચેની બેઠક દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ ફરી શરૂ કરવા પર ચર્ચા થઈ હતી. ભારત સરકારના સૂત્રોએ આ વાતચીતને આકસ્મિક વાતચીત ગણાવી હતી. બીજી તરફ પાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું કે, સાંજે પાકિસ્તાનના શહબાઝ શરીફ દ્વારા આયોજિત રાત્રિભોજન દરમિયાન જયશંકર અને ડાર વચ્ચે 5 થી 7 મિનિટ સુધી વાતચીત થઈ હતી. એવી પણ માહિતી મળી રહી છે કે જયશંકર અને ડાર વચ્ચેની વાતચીતમાં પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી પણ સામેલ હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાને દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો ફરી શરૂ કરવા અંગે બંને દેશોના નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે. નકવીનો હવાલો આપતા જણાવવામાં આવ્યું છે કે ભલે બંને દેશોમાંથી કોઈએ દ્વિપક્ષીય બેઠકનો પ્રસ્તાવ નહોતો મૂક્યો પરંતુ જયશંકરની મુલાકાત સંબંધોમાં પડેલા બરફને તોડનારી હતી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવા માગે છે. પાકિસ્તાન ઈચ્છે છે કે ભારત તેમાં ભાગ લે.

ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવાના ભારતના નિર્ણયને પગલે પાકિસ્તાને પોતાના હાઈ કમિશનરને પાછા બોલાવી લીધા બાદ પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. જોકે, હવે ભારત સરકારના સૂત્રોએ પ્રશંસા કરી છે કે સમિટના યજમાન તરીકે શહબાઝે પોતાની ટિપ્પણીમાં કોઈ દ્વિપક્ષીય મુદ્દા નહોતા ઉઠાવ્યા.

જયશંકરે SCO લંચ ટેબલ પર ડાર સાથે વધુ એક લાંબી વાતચીત કરી. બંને એકબીજાની બાજુમાં બેઠાં હતાં. શરૂઆતમાં આવી કોઈ યોજના નહોતી પરંતુ બાદમાં તેઓ સાથે બેઠા અને અન્ય લોકોની હાજરીમાં લંચ દરમિયાન વાત કરી હતી. નોંધનીય છે કે, અન્ય એક પાકિસ્તાની મંત્રી અહેસાન ઈકબાલે ભારતીય પત્રકારોને કહ્યું હતું કે, પાકિસ્તાન ઈચ્છે છે કે બંને દેશો 1999ની લાહોર ઘોષણા પર પાછા ફરે, જેમાં બંને પક્ષોને એકબીજાના આંતરિક મામલામાં દખલ ન કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું.