ગુજરાતમાં 24 ઑક્ટોબર સુધી અણધાર્યા વરસાદ આ વિસ્તારોમાં પડી શકે છે
હવામાન વિભાગે હાલમાં જ ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી હતી. પરંતુ અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ફરી ધબધબાટી બોલાવી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરતાં કહ્યું કે, ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આજથી જ હવામાનમાં પલટો આવશે. ગરમી વચ્ચે તારીખ 17 થી 24માં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના પણ જણાવી છે. ગુજરાતમાં હજુ તો ચોમાસાએ સંપૂર્ણ વિદાય લીધી નથી, ખેડૂતો વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હજુય મેઘરાજા ગુજરાતની વિદાય લે તેવા મૂડમાં જણાતા નથી. જે ખેડૂતો માટે પડ્યા પર પાટૂ સાબિત થઈ શકે છે.
હાલમાં અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી 22 ઑક્ટોબર સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર ગુજરાતમા વારંવાર હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. તો અહીં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા રહેલી છે.
દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાંક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાંક વિસ્તારોમાં માવઠાનો માર ભોગવવો પડી શકે છે. આમ, ગરમી બાદ તુરંત માવઠું થવાની સંભાવના છે. તારીખ 22 ઓક્ટોબરથી એક મજબૂત સિસ્ટમ બનશે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આ દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે પશ્ચિમી વિક્ષોભ આવશે. જેની અસરથી દક્ષિણ પૂર્વીય તટો પર બરફ પડવાની શક્યતા રહેશે. જેની અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. 1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી ગુજરાતના માથે વરસાદના વાદળો ઘેરાઈ શકે છે. 7 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં બીજું એક વાવાઝોડું આવશે. જેના કારણે 7 થી 9 નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠું આવી શકે છે.