એમ.એસ.યુનિવર્સિટીમાં એફવાય બીકોમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ શરૃ
કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૦માં લાગુ કરેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ સતત મુલ્યાંકન પધ્ધતિનો અમલ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં શરૃ કરવામા આવ્યો છે. એફવાય બીકોમમાં આ વર્ષથી સતત મુલ્યાંતન પધ્ધતિ અમલમાં લાવવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા એક્ઝામ કમિટિ કન્વિનર ડો.પ્રજ્ઞોશ શાહ અને કોમર્સ ફેકલ્ટી ડીન કેતન ઉપાધ્યાયે કહ્યું હતું કે એમ.એસ.યુનિવર્સિટીમાં સતત મુલ્યાંકન પધ્ધતિનો આ પ્રથમ પ્રયોગ છે. અત્યાર સુધી એફવાય બીકોમમાં ૫૦ માર્કસની ઇન્ટરનલ અને ૫૦ માર્કસની સેમેસ્ટર એમ બે પરીક્ષા લેવામાં આવતી હતી.
નવી પધ્ધતિ પ્રમાણે ઇન્ટરનલ પરીક્ષા ત્રણ ભાગમાં વેચવામાં આવી છે. ૧૫ માર્કની પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા પણ ૧૫ માર્કની અને ત્રીજી પરીક્ષા ૨૦ માર્કની. આ ત્રણ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સરળ પડે તેવા પ્રશ્નો પૂછવામાં આવશે. જેમ કે પ્રથમ પરીક્ષામાં ખાલી જગ્યા પૂરો, એક લાઇનમાં જવાબ આપો વગેરે જેવા સાદા પ્રશ્નો હશે. બીજી પરીક્ષામાં બે-ત્રણ માર્કના ચારથી પાંચ પ્રશ્નો હશે. ૨૦ માર્કની ત્રીજી પરીક્ષામાં ચાર-પાંચ માર્કના પ્રશ્નો હશે. પ્રથમ બે ઇન્ટરનલ પરીક્ષામાં પ્રશ્નપત્રમાં જ જવાબ લખવાના રહેશે. વિદ્યાર્થીઓએ કુલ ૫૦ માર્કની ૩ ઇન્ટરનલ પરીક્ષા અને ૫૦ માર્કની સેમેસ્ટર પરીક્ષા આપવાની રહેશે. ઇન્ટરનલ પરીક્ષા ફરજિયાત આપવી પડશે. જે વિદ્યાર્થી કોઇ કારણથી ઇન્ટરનલ પરીક્ષા આપી નહી શકે તેઓએ એરિયર પરીક્ષા આપવી પડશે. જે વિદ્યાર્થીએ ઇન્ટરનલ કે એરિયર પરીક્ષા આપી નહી હોય તેને સેમેસ્ટર પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી.
એક્ઝામ કમિટી કન્વિનર ડો.પ્રજ્ઞોશ શાહે કહ્યું હતું કે ગત વર્ષે એફવાય બીકોમમાં ૩૦૦ વિદ્યાર્થીઓએ ઇન્ટરનલ પરીક્ષા આપી નહતી. આ ૩૦૦ વિદ્યાર્થીઓનું પરિણામ યુનિવર્સિટીએ રોકી રાખ્યુ છે. જો કે ભુલ કરનાર આ વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે તે માટે ૩૦૦ વિદ્યાર્થીઓ માટે સબમીશન અને પ્રેઝન્ટેશનની વ્યવસ્થા રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓના સબમીશન અને પ્રેઝન્ટેશનના આધારે તેના ઇન્ટરનલ માર્ક ગણવામાં આવશે. જો કે આ વ્યવસ્થા ૩૦૦ વિદ્યાર્થીઓ પુરતી જ છે. આ વર્ષથી એફવાયના તમામ વિદ્યાર્થીઓએ ઇન્ટરનલ અથવા એરિયર પરીક્ષા ફરજિયાત આપવી પડશે.