ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના (ફેમા) નિયમોમાં ફેરફાર કરવામાં આવશે
સરકાર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) નિયમોમાં કાયદાકીય ફેરફારોની યોજના બનાવી રહી છે. આ પછી, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) ૧૦ ટકા માલિકી મેળવ્યા પછી સરળતાથી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટર્સ (એફડીઆઈ) માં રૂપાંતરિત થઈ જશે. વિદેશી રોકાણકારોની વારંવારની વિનંતી બાદ સરકાર આ પગલું ભરવા જઈ રહી છે. એફપીઆઈ ૧૦ ટકાની મર્યાદાને પાર કર્યા પછી ડિસ્ક્લોઝરની જરૂરિયાતોને સરળ બનાવવાની માંગ કરી રહ્યા છે.
હાલમાં ફેમા હેઠળ ખૂબ જ કડક જોગવાઈઓ છે, જેના કારણે એફપીઆઈ વ્યૂહાત્મક રોકાણકાર તરીકે એક કંપનીમાં ૧૦ ટકાથી વધુ હિસ્સો ખરીદી શકતા નથી. પરંતુ એફડીઆઈ નિયમો હેઠળ ઘણા ક્ષેત્રોમાં ૧૦૦ ટકા રોકાણની મંજૂરી છે. તેમણે કહ્યું કે આર્થિક બાબતોનો વિભાગ આવા રોકાણકારોની સમસ્યાઓના ઉકેલ માટે કામ કરી રહ્યું છે. એફપીઆઈથી એફડીઆઈમાં સંક્રમણ સાથે સંકળાયેલી કેટલીક ચિંતાઓ અને અસ્પષ્ટતાઓ વિશે વાત કરતાં, જાણકાર સુત્રોએ કહ્યું કે પુનઃવર્ગીકરણ માટે કસ્ટોડિયનને સિક્યોરિટીઝ અને ડિપોઝિટરીઝ માટે અલગ ખાતા ખોલવાની જરૂર છે. આ જાહેર કરવાની પ્રક્રિયાને જટિલ બનાવે છે અને મેચિંગ કરવામાં પણ મુશ્કેલી ઊભી કરે છે. એ પણ સ્પષ્ટ નથી કે એફડીઆઈ થયા પછી ટેક્સ કેવી રીતે લાદવામાં આવશે. આ કારણે રોકાણકારો અનિશ્ચિતતામાં છે.
એફપીઆઈમાંથી એફડીઆઈમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા દરમિયાન, કંપનીની કામગીરીમાં ઘણા પડકારો ઉભા થાય છે, જેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે. આ ઉપરાંત, મલ્ટિપલ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર સિસ્ટમમાં ડેઝિગ્નેટેડ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની સ્થિતિ અંગે પણ અનિશ્ચિતતા છે. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને એફપીઆઈથી એફડીઆઈમાં સરળ સંક્રમણ માટે સ્પષ્ટતા હોવી જોઈએ અને માર્ગ પણ આપવો જોઈએ. હાલની જોગવાઈઓ મુજબ, જો કોઈ એફપીઆઈ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ રોકાણ કરે છે, તો તેણે મર્યાદાના ભંગના દિવસથી પાંચ કામકાજના દિવસોમાં તેનો વધારાનો હિસ્સો વેચવો પડશે. જો એફપીઆઈ વધારાનો હિસ્સો વેચતી નથી, તો એફપીઆઈ અને તેના રોકાણકાર જૂથ દ્વારા કંપનીમાં કરવામાં આવેલ સમગ્ર રોકાણને એફડીઆઈ હેઠળ રોકાણ તરીકે ગણવામાં આવશે. આ પછી, એફપીઆઈ અને તેના રોકાણકાર જૂથ તે કંપનીમાં વધુ પોર્ટફોલિયો રોકાણ કરી શકશે નહીં.