ફેડરલ રિઝર્વની સપ્ટેમ્બર બેઠકમાં વ્યાજ દરમાં કપાતની શકયતા વધી
અમેરિકામાં જોખમ હવે ફુગાવા તરફથી રોજગાર તરફ વળતા વ્યાજ દરમાં ઘટાડો જરૂરી બની ગયો હોવાથી આગામી સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં કપાત કરાશે તેવા ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે શુક્રવારે સંકેત આપ્યા હતા. વ્યાજ દરમાં ઘટાડો કરી રોજગાર બજારને ટેકો આપવાનું જરૂરી બની ગયું છે. નાણાં નીતિઓને એડજસ્ટ કરવાનો સમય પાકી ગયો છે એમ જેકસન હોલ સિમ્પોસિયમ ખાતે બોલતા પોવેલે જણાવ્યું હતું. જો કે વ્યાજ દરમાં કપાતની માત્રા અને સમયનો આધાર પ્રાપ્ત થનારા ડેટા પર આધારિત રહેશે. ફુગાવો વધવા તરફનું જોખમ ઘટી ગયું છે અને રોજગાર ઘટવા તરફનું જોખમ વધી ગયું છે. તાજેતરના સમયમાં ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને લેબર માર્કેટ એટલી તેજ નથી. ફેડરલ રિઝર્વની હવે પછીની બેઠક ૧૭ તથા ૧૮ સપ્ટેમ્બરના નિર્ધારી છે.