રશિયા-યુક્રેને વાતચીત કરવાની જરૂર : શાંતિના પક્ષમાં ભારત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેન પહોંચ્યા હતા અને પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું, યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ભારત શરૂઆતથી જ તટસ્થ નહોતું. અમે શાંતિનો પક્ષ લીધો છે. પીએમ મોદીએ સમસ્યાના સમાધાન માટે યુદ્ધના બદલે વાતચીત અને કૂટનીતિ પર ભાર મૂક્યો હતો. તેમણે ઝેલેન્સ્કીને કહ્યું કે તેઓ યુક્રેનની ધરતી પર શાંતિનો સંદેશો લઈને આવ્યા છે. આ સાથે પીએમ મોદીની આ મુલાકાતમાં ભારત અને યુક્રેને કૃષિ સહિત ચાર ક્ષેત્રોમાં કરાર કર્યા હતા.
યુક્રેન વર્ષ ૧૯૯૧માં રશિયાથી સ્વતંત્ર થયા પછી કોઈ ભારતીય વડાપ્રધાનનો આ પહેલો પ્રવાસ છે. વધુમાં ફેબુ્રઆરી ૨૦૨૨થી રશિયન સૈન્યના હુમલાઓનો સામનો કરી રહેલા યુક્રેને રશિયાના પશ્ચિમી કુર્સ્ક ક્ષેત્ર પર આક્રમણ કરી મોટો વિસ્તાર કબજે કરી લીધો છે તેવા સમયે પીએમ મોદી પોલેન્ડથી ટ્રેનમાં લગભગ સાત કલાકનો પ્રવાસ કરી યુક્રેનની રાજધાની કીવ પહોંચ્યા હતા. કીવમાં પીએમ મોદીએ 'ઓએસિસ ઓફ પીસ' પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલોથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સામંજસ્ય સમાજના નિર્માણ અને વર્તમાન પડકારોના સમાધાન શોધવામાં મહાત્મા ગાંધીના શાંતિના શાશ્વત સંદેશાની પ્રાસંગિક્તા પર ભાર મૂક્યો હતો.
પીએમ મોદી રાજધાની કીવ પહોંચતા પ્રમખુ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. ઝેલેન્સ્કીએ પીએમ મોદી સાથે હાથ મિલાવ્યો અને બંને નેતા ગળે મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ પ્રમુખ ઝેલેન્સ્કી સાથે રશિયા સાથેના યુદ્ધનો ભોગ બનનારા બાળકોની સ્મૃતિના સન્માનમાં દેશમાં માર્ટિરોલોજિસ્ટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સંઘર્ષ વિશેષરૂપે નાના બાળકો માટે વિનાશક હોય છે. આ યુદ્ધમાં જીવ ગુમાવનારા આ બાળકોના પરિવારો પ્રત્યે હું ઘેરી સંવેદના વ્યક્ત કરું છું.
પીએમ મોદીએ કહ્યું, યુદ્ધના શરૂઆતના દિવસોમાં યુક્રેને ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની સ્થિતિ અંગે પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું કે યુદ્ધ અને હિંસા સમસ્યાનું સમાધાન નથી. ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે વાટાઘાટો અને કુટનીતિ જ એકમાત્ર રસ્તો છે. ભારત શાંતિ સ્થાપિત કરવામાં સક્રિય ભૂમિકા ભજવશે.
તેમણે ઉમેર્યું હતું કે, આખી દુનિયા જાણે છે કે યુદ્ધમાં અમે બે ભૂમિકા અપનાવી છે. પહેલી ભૂમિકા માનવીય દૃષ્ટિકોણની હતી. માનવીય દૃષ્ટિએ ભારત હંમેશા તમારી સાથે રહેશે. બીજું ભારતે યુદ્ધથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. અમે પહેલા દિવસથી જ શાંતિની તરફેણમાં છીએ. અમે બુદ્ધની ભૂમિથી આવીએ છીએ, જ્યાં યુદ્ધ માટે કોઈ જગ્યા નથી. પીએમ મોદીએ ઉમેર્યું કે, આજે ભારત અને યુક્રેનના સંબંધો માટે ઐતિહાસિક દિવસ છે. ભારતના કોઈ વડાપ્રધાન પહેલી વખત યુક્રેન આવ્યા છે. આવતીકાલે તમારો રાષ્ટ્રીય દિવસ છે અને અમે તેના માટે તમને શુભેચ્છા પાઠવીએ છીએ.
પીએમ મોદીની આ મુલાકાતમાં ભારત-યુક્રેને ચાર કરાર કર્યા હતા. બંને દેશ કૃષિ, ફૂડ ઈન્ડસ્ટ્રી, મેડિસિન અને સાંસ્કૃતિક તથા માનવીય મદદના ક્ષેત્રોમાં સહકાર માટે સહમત થયા હતા. આ સિવાય મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે વેપાર, આર્થિક, મુદ્દા, સંરક્ષણ અને શિક્ષણ જેવા ક્ષેત્રો પર પણ ચર્ચા-વિચારણા થઈ હતી. આ સાથે ભારતે યુક્રેનને મેડિકલ સહાયતા માટે ભિષ્મ ક્યુબ સોંપ્યા હતા. આ મેડિકલ સાધન ખૂબ જ પ્રભાવશાળી, કોમ્પેક્ટ અને અનેક રીતે ઉપયોગ કરી શકાય તેવું છે. પીએમ મોદીએ યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને ભારત આવવા પણ આમંત્રણ આપ્યું હતું. દરમિયાન સૂત્રો મુજબ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને કહ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનમાં છે ત્યાં સુધી કોઈ હુમલો નહીં થાય. રશિયા અને યુક્રેનના યુદ્ધમાં હાલ પીએમ મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારે પુતિનનું આ નિવેદન આવ્યું છે.