ભારતની 'યોગ કૂટનીતિ' રશિયા-યુક્રેનમાં નિષ્ફળ જશે : ચીનનો ટોણો
રશિયા સાથે ભયાનક યુદ્ધ લડી રહેલા યુક્રેનના પહેલા પ્રવાસે પીએમ મોદી કીવ પહોંચ્યા છે. તેમના આ પ્રવાસ પર સમગ્ર દુનિયાની નજર છે. આવા સમયે ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે ચીનના નિષ્ણાતોને ટાંકીને દાવો કર્યો છે કે પીએમ મોદી રશિયા અને યુક્રેન વચ્ચે 'યોગ કૂટનીતિ'નો ઉપયોગ કરવાની આશા રાખી રહ્યા છે. ભારતના વડાપ્રધાન યુદ્ધરત બંને દેશો વચ્ચેની ખાઈ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં ભારત તેના વધતા વૈશ્વિક પ્રભાવનો ઉપયોગ કરીને દેશોને નજીક લાવી રહ્યું છે અને તેમની વચ્ચેના મતભેદો ઘટાડી રહ્યું છે. પરંતુ રશિયા અને યુક્રેનના સંદર્ભમાં ભારત તેની યોગ કૂટનીતિમાં સફળ નહીં થાય. ભારતનો યુરોપમાં પ્રભાવ ઓછો છે તેમજ યુક્રેને રશિયાના કુર્સ્ક વિસ્તારમાં આક્રમક અભિયાન ચલાવ્યું હોવાથી બંને દેશોને વાતચીતના ટેબલ પર લાવવા શક્ય નથી.