કમલાને હિન્દુઓનું સમર્થન : 'હિન્દુઝ ફોર કમલા' નામક સમૂહ રચાયો : ડોનાલ્ડ ટ્રમ્પને આફત સમાન ગણાવ્યા
અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીમાં ઉમેદવાર કમલા હેરિસનાં સમર્થન માટે કેટલાક હિન્દુઓએ 'હિન્દુઝ ફોર કમલા' નામક એક જૂથ રચ્યું છે. તે જૂથનું માનવું છે કે તેઓ ભારત, અમેરિકા અને દુનિયા માટે પણ એક શ્રેષ્ઠ નેતા બની રહેશે.
આ સમુહના સંસ્થાપક સભ્યોએ કહ્યું હતું કે, 'કમલા દેવી' હેરિસને અમેરિકાના ૪૭મા પ્રમુખ નિયુક્ત થવામાં સહાય કરવા માટે આ જૂથ રચવામાં આવ્યું છે. અમેરિકાનાં ઉપપ્રમુખ પદે રહેલાં કમલા હેરિસ (૫૯) પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે વિધિવત્ સ્વીકાર કર્યો હતો.
પછી રચાયેલાં આ સમુહના એક સભ્યે કહ્યું હતું કે કમલા હેરિસને જીતવામાં અમારે મદદ કરવી જ જોઈએ તે અમેરિકા, ભારત અને દુનિયા માટે સૌથી સારી વાત બની રહેશે. ટ્રમ્પ તો એક આપત્તિ સમાન છે. એક અન્ય સભ્યે કહ્યું હતું કે, તેઓને વિજયી બનાવવાનો સૌથી સરળ માર્ગ તે છે કે અન્ય પક્ષની ટીકા કર્યા વિના હેરિસને સમર્થન આપવું. આ સમુહે હિન્દુઓને ચૂંટણી સમયે કમલા હેરિસને મત આપવા તેમજ પોતાનાં ઘર પાસે હેરિસને મત આપવા માટેના સંકેતો (બોર્ડ વગેરે) લગાડવા, તેઓના ચૂંટણી પ્રચારમાં સહાય કરવી સાથે તે માટે અનુદાન પણ આપવા તે સમૂહે તેના સભ્યોને અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં વર્તમાન ઉપ પ્રમુખ કમલા હેરિસ ઉભા છે. તેઓએ વચન આપ્યું છે કે તેઓ એવાં પ્રમુખ બનશે કે જેઓ દેશના લોકોને એકજૂથ કરશે. ૫૯ વર્ષનાં કમલા હેરિસ, અમેરિકામાં પ્રમુખપદ માટેના કોઈ મુખ્ય પક્ષનાં ઉમેદવાર બનનારા સૌથી પહેલા મહિલા, સૌથી પહેલાં અશ્વેત અને સૌથી પહેલાં ભારતીય સન્નારી છે.
ભારતીય-આફ્રિકી મૂળનાં હેરિસે ચિકાંગોમાં યોજાયેલાં ડેમોક્રેટિક પાર્ટીનાં નેશનલ કન્વેન્શનમાં પાર્ટીના પ્રમુખપદનાં ઉમેદવાર તરીકે તેઓનું નામ સૂચવાયું ત્યારે તેઓએ તે સ્વીકારી લીધું હતું. તે પછી આપેલાં પ્રવચનમાં કહ્યું, 'આ ચૂંટણી આપણા દેશને અતીતની કડવાશ, નિરાશાવાદ અને વિભાજનકારી લડાઈમાંથી આગળ વધવાની એક અમૂલ્ય તક આપે છે.' આગામી પ્રમુખપદ માટેની આ ચૂંટણી કોઈ એક પાર્ટી કે જૂથના સભ્ય તરીકે નહીં. પરંતુ અમેરિકનો તરીકે જ આગળ વધવા, નવો માર્ગ તૈયાર કરવાની એક તક છે.