ઇમ્પેક્ટ કાયદા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે

ઇમ્પેક્ટ કાયદા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022 ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે હવે ગામતળ વિસ્તારમાં બિન રહેણાક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે. 

આ ઉપરાંત, બિન અધિકૃત રહેણાક માટે 2000 ચો. મીટર સુધીના ખૂટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાક માટે 1000 ચો. મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે, અગાઉ ખૂટતા પાર્કિંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કિંગની જોગવાઇ કરવી ફરજિયાત હતી, અને બાકીના 50% ખૂટતા પાર્કિંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામાંથી પાર્કિંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસૂલ લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી. 

ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્ત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરાશે. ફેબ્રુઆરી મહિનામાં ઇમ્પેક્ટ ફી માટે ચાર મહિનાની મુદત વધારવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્ય સરકારે જૂન -2024માં પણ ઇમ્પેક્ટ ફી ની મુદતમાં વધુ છ મહિનાનો વધારો કર્યો હતો.

રાજ્યના કોઈ પણ શહેરમાં જ્યાં રહેણાક કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે ઇમારત બનાવવામાં આવી હોય  અને નિયમોની બહારનું કોઈ બાંધકામ હોય અને તેને તોડી પાડવાથી અન્ય વ્યક્તિ નુકસાન થતું હોય તો ઈમ્પેક્ટ ફી ભરીને બાંધકામ નિયમિત કરી શકાય છે. આ યોજનામાં મિલકતના માલિકે નક્કી કરેલી ફી ભરવાની રહેશે અને બાંધકામ નિયમિત હોવાનું પ્રમાણપત્ર લેવું પડશે. આ ફીનું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ રહેશે. જેમાં સ્થાનિક સત્તાવાળાઓ તરફથી ચોક્કસ ચકાસણી પછી ફીની ચુકવણીની મંજૂરી આપવામાં આવશે, રહેણાક અને વાણિજ્યિક અસર ફીના દરો વ્યાપકપણે બદલાય છે.