ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, વંદે ભારત ટ્રેનમાં મળશે LTC નો લાભ
ગુજરાત સરકાર દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં રાજ્યના સરકારી કમર્ચારીઓને મોટી ભેટ આપી છે. જેનો સીધો લાભ રાજ્ય સરકારના ૫ લાખ કર્મચારીઓને મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે ઍલ.ટી.સી (લિવ ટ્રાવેલ કન્સેશન)/વતન પ્રવાસનો લાભ ૬૦૦૦ કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે.
ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓ દ્વારા તેમને મળતા આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવીને ઍલ.ટી.સી. બ્લોક-૨૦૨૦-૨૩ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમ્યાન આ નિર્ણયનો લાભ મળશે.
