અમદાવાદીઓનો મેટ્રોનો પહેલો દિવસ:થલતેજથી વસ્ત્રાલ ગામ મેટ્રો રૂટમાં 41 હજારથી વધુ લોકોએ મુસાફરી કરી, દિવસ દરમિયાન મેટ્રોની 72 ટ્રીપ થઈ

અમદાવાદીઓનો મેટ્રોનો પહેલો દિવસ:થલતેજથી વસ્ત્રાલ ગામ મેટ્રો રૂટમાં 41 હજારથી વધુ લોકોએ મુસાફરી કરી, દિવસ દરમિયાન મેટ્રોની 72 ટ્રીપ થઈ

અમદાવાદીઓ છેલ્લા કેટલાય સમયથી જેની આતુરતાથી રાહ જોતા હતા, એવી અમદાવાદ મેટ્રો ટ્રેન આજથી લોકો માટે શરૂ થઈ ગઈ છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1માં પશ્ચિમ અને પૂર્વના છેડાને જોડતા વસ્ત્રાલ અને થલતેજના મેટ્રો રૂટનો આજથી લોકો માટે પ્રારંભ થયો છે, ત્યારે દિવ્ય ભાસ્કરે મેટ્રો ટ્રેનનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. દિવ્ય ભાસ્કરે જોયું તો થલતેજ, કાલુપુર, એપરલ પાર્ક, વસ્ત્રાલ સ્ટેશન પર લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. પહેલા જ દિવસે લોકોમાં મેટ્રોની મુસાફરી માણવા અનેરો ઉત્સાહ હતો. મેટ્રો સ્ટેશન પર લોકો માટે સેલ્ફી પોઈન્ટ, પિકનિક સ્પોટ અને મેળો ભરાયો હોય તેવો માહોલ બની ગયો હતો.

Ahmedabad Metro

 

પહેલા દિવસે 41,700 લોકોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી
​​​​​​​આજથી શરૂ થેયલી થલતેજ-વસ્ત્રાલ ગામ મેટ્રો રેલ રૂટ પર દિવસ દરમિયાન લોકોનો ખૂબ જ ધસારો જોવા મળ્યો હતો. આજે પહેલા દિવસે 41,700 લોકોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. દિવસ દરમિયાન લોકોનો ધસારો વધી જતાં 30 મિનિટની જગ્યાએ દર 15 મિનિટે ટ્રેન દોડાવવામાં આવી હતી. જેથી 72 ટ્રીપ આજે થઈ હતી. પૂર્વ અને પશ્ચિમ કોરિડોરને જોડતાં આ રૂટ પર પહેલાં જ દિવસે 41,700 લોકોએ મુસાફરી કરતા મેટ્રો ટ્રેનને રૂપિયા 6 લાખની આવક થઈ હતી.

 

બાળકોથી લઈ મોટેરાઓ મેટ્રોમાં બેઠાં
રવિવારે સવારે 9 વાગ્યાથી થલતેજ અને વસ્ત્રાલ બંને સ્ટેશનો પરથી ટ્રેન ઊપડી હતી. મેટ્રો ટ્રેનમાં બેસવા માટે લોકો સવારથી જ અલગ અલગ સ્ટેશન પર ઊમટી પડ્યા હતા. મેટ્રો ટ્રેનમાં બેસી અમદાવાદ શહેરના નજારાની ખૂબ જ મજા માણી હતી. ટ્રેનમાં બેસીને લોકોએ સેલ્ફી લીધી હતી અને ફોટો પાડ્યા હતા. નાનાં બાળકો, યુવાનો, વૃદ્ધો વગેરે લોકોએ આજે મેટ્રો ટ્રેનનો આનંદ મેળવ્યો હતો. જો કે, મુસાફરોને આજે કેટલીક અગવડતા પણ પડી હતી. કાલુપુર અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પર બેસવા માટે માત્ર 5 જ બાંકડા છે, જેના કારણે લોકોને પ્લેટફોર્મ પર નીચે બેસવાની ફરજ પડી હતી.

Ticket Window

 

10 વાગ્યા બાદ મેટ્રો સ્ટેશને મેટ્રોની મુસાફરી માટે પ્રવાહ વધ્યો
મેટ્રો ટ્રેનમાં સફર કરવા માટે અમદાવાદીઓ આતુર હોય તેમ સવારથી જ મેટ્રો સ્ટેશન ઉપર લોકોની ભીડ ઊમટી પડી હતી. 10 વાગ્યા બાદ મોટી સંખ્યામાં લોકો મેટ્રો ટ્રેનમાં સફર કરવા માટે થલતેજ અને વસ્ત્રાલ બંને સ્ટેશન તરફથી મેટ્રો ટ્રેનમાં બેઠા હતા. મેટ્રો ટ્રેનમાં બેસીને લોકોએ ફોટો પડાવ્યા હતા. તેમજ સેલ્ફી લીધી હતી. જ્યારે ટ્રેન અંડરગ્રાઉન્ડ ટનલની અંદરથી પસાર થઈ હતી ત્યારે લોકોએ ટ્રેનમાં બૂમો અને ચિચિયારીઓ પાડી અને મજા માણી હતી.

Sabarmati Riverfront View

 

સાબરમતી પરથી મેટ્રો જોવાની મોજ લીધી
પોતાની નાની બાળકીને સાબરમતી નદી મેટ્રો ટ્રેનમાંથી કેવી દેખાય છે, તે બતાવવા માટે લઈને આવેલા અમદાવાદનાં વૃંદા જોશીએ જણાવ્યું હતું કે, આજથી મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ છે. જેમાં મારી નાની દીકરીને ટ્રેનમાં બેસી અને સાબરમતી નદી બતાવવા અમે લઈને આવ્યાં છીએ. અમદાવાદ માટે મેટ્રો ટ્રેન લોકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.

કાલુપુર અંડરગ્રાઉન્ડ સ્ટેશન પર બેસવાની સુવિધા ઓછી
મેટ્રો ટ્રેનમાં સફર કરવા માટે થઈ લોકો સવારથી જ ટ્રેનમાં પહોંચ્યા હતા અને મેટ્રો સ્ટેશન ઉપર ભીડ જોવા મળી હતી. જોકે, મેટ્રો ટ્રેનમાં કેટલાક સુધારાની પણ જરૂરિયાત છે. કાલુપુર અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનની અંદર બેસવા માટે માત્ર પાંચ જ બાંકડા મૂકવામાં આવ્યા છે. ટ્રેનનો સમય 30 મિનિટ સુધીનો છે, જેથી લોકોને જો 30 મિનિટ સુધી રાહ જોવી પડે તો બેસવા માટે થઈ અને ત્યાં ઓછી સુવિધા હોવાથી લોકો પ્લેટફોર્મ પર જ નીચે બેસેલા જોવા મળ્યા હતા.

મેટ્રો ટ્રેનમાં બેસવા આટલું ધ્યાન રાખો
મેટ્રો ટ્રેનમાં ટિકિટ માટે ટોકન આપવામાં આવે છે, ટોકન લઈ અને ત્યાં સ્કેનર પાસે ટોકન મૂકવાનું રહેશે. જેથી દરવાજા પ્રવેશ માટે ખૂલી જાય છે. આ જે ટોકન આપવામાં આવે છે જે તે સ્ટેશન ઉપર જ આ ટોકનને તમે જ્યારે ફરીથી સ્કેન કરશો, ત્યારે જ દરવાજા ખૂલશે અને બહાર નીકળી શકશે. જો ટોકન ખોવાઈ ગયું તો વ્યક્તિ સ્ટેશન બહાર નીકળી શકશે નહીં. ટોકન સાચવવું જરૂરી છે. જે સ્ટેશનની ટિકિટનું ટોકનની વેલિડિટી 30 મિનિટ સુધીની રહેશે. જે સ્ટેશન ઉપરથી તમે ટોકન લીધું છે તે જ જગ્યાનું ટોકન 120 મિનિટ એટલે કે બે કલાક સુધીનું રહેશે અને વેલિડિટી પૂર્ણ થયા બાદ દર કલાકે 10 રૂપિયાનો પેનલ્ટી ચાર્જ લાગશે.

( Source - Divyabhaskar )