રિલાયન્સે બિગ બજાર ખરીદવાનો સોદો માંડી વાળ્યો

રિલાયન્સે બિગ બજાર ખરીદવાનો સોદો માંડી વાળ્યો

23 એપ્રિલ, 2022 શનિવાર

અમદાવાદ : ભારતના રિટેલ સેક્ટર પર આધિપત્ય જમાવવાના દેશની સૌથી મોટી રિટેલ ચેઈન રિલાયન્સ રિટેલ અને એમાઝોનની લડાઈમાં વચ્ચે ફ્યુચર સમૂહ પિસાઈ રહ્યું હતુ. અંતે ટ્રિબ્યુનલ અને કોર્ટના આદેશને પગલે શેરધારકો, સિક્યોર્ડ અને અન-સિક્યોર્ડ લેણદારોની બેઠકમાં ફ્યુચર રિટેલ-રિલાયન્સ રિટેલની પ્રસ્તાવિત ડીલની વિરૂદ્ધમાં મતદાન થતા અંતે રિલાયન્સે બિગ બજાર બ્રાંડ સહિત ફ્યુચર રિટેલને ખરીદવાની યોજના માંડી વાળી છે.

શનિવારની બીએસઈ ફાઈલિંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ જણાવ્યું કે ઓગષ્ટ, 2020માં ફ્યુચર ગૃપના રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ સેક્ટરમાં કાર્યરત તેની 19 કંપનીઓ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ દ્વારા રૂ. 24,713 કરોડમાં ખરીદશે. આ સોદા માટે મળેલ શેરધારકો અને લેણદારોની બેઠકમાં પરિણામ સોદા તરફી ન આવતા અંતે અમે આ યોજના માંડી વાળીએ છીએ.

આ સોદા સામે અમેરિકન ઈ-કોમર્સ કંપની એમેઝોન સતત વિરોધ કર્યો છે. એમેઝોનનું કહેવું છે કે આ સોદો ફ્યુચરના તેની સાથે વર્ષ 2019માં થયેલા રૂ. 1500 કરોડના રોકાણ કરારનું ઉલ્લંઘન છે.

વોટિંગમાં શું થયું ?

છેલ્લા દોઢ વર્ષથી કાયદાકીય આંટીઘૂંટીનો સામનો કરી રહેલ રિલાયન્સ-ફ્યુચર રિટેલ સોદા અંગે શેરધારકો બાદ ગઈકાલે સિક્યોર્ડ લેણદારોની વોટિંગ થઈ હતી અને આશ્ચર્યની વાત એ છે કે ફ્યુચર ગ્રૂપ સમૂહની ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL)ના સિક્યોર્ડ લેન્ડર્સે બહુમતી સાથે રિલાયન્સ રિટેલ દ્વારા રૂ. 24,713 કરોડના એક્વિઝિશન સોદાને નકારી કાઢ્યો છે.

FRLએ શુક્રવારે મોડી સાંજે સ્ટોક એક્સચેન્જોને જાણકારી આપી હતી કે તેને સિક્યોર્ડ લોન આપનાર ધિરાણકર્તાઓ 69.29 ટકાની બહુમતી સાથે રિલાયન્સ રિટેલ સાથે કરાયેલા કરાર સાથે અસંમત છે. આ ડીલની મંજૂરી માટેની દરખાસ્તને માત્ર 30.71 ટકા ધિરાણકર્તાઓએ મંજૂરી આપી હતી.

ચોંકાવનારી વાત એ છે કે FRL અને રિલાયન્સ રિટેલ વચ્ચેના સોદાને 75 ટકાથી વધુ શેરધારકો અને અનસિક્યોર્ડ લેન્નડર્સનો સપોર્ટ મળ્યો છે. કંપનીના 85.94 ટકા શેરધારકોએ પ્રસ્તાવિત સોદાની તરફેણમાં મત આપ્યો છે, જ્યારે 78.22 ટકા અસુરક્ષિત ધિરાણકર્તાઓનો ટેકો મળ્યો છે પરંતુ વોટિંગમાં ઓછામાં ઓછા 75 ટકા સુરક્ષિત ધિરાણકર્તાઓ તરફથી જરૂરી સમર્થન મળ્યું નથી. સિક્યોર્ડ લેન્ડર્સ પાસે લોનની સામે કંપની તરફથી કોલેટરલ આપવામાં આવે છે એટલેકે તેમની પાસે બાકી લેણાં સામે અવેજ હોય છે અને કોઈપણ લેણાંની ચુકવણી સમયે તેઓ અસુરક્ષિત ધિરાણકર્તાઓ પર અગ્રતા ધરાવે છે છતા તેમણે આ સોદા સાથે સંમતિ નથી દર્શાવી.

કિશોર બિયાનીની આગેવાની હેઠળની અન્ય એક જૂથ કંપની ફ્યુચર લાઇફસ્ટાઇલ ફેશન લિમિટેડે જણાવ્યું હતું કે તેના 82.75 ટકા સિક્યોર્ડ લેન્ડર્સે પણ આ સોદાની વિરુદ્ધમાં મત આપ્યો હતો. જોકે મોટાભાગના શેરધારકો અને અનસિક્યોર્ડ લેન્ડર્સોએ તેને ટેકો આપ્યો છે.