ઉત્તરાખંડ:યમુનોત્રી અને ગંગોત્રી 3 મેના રોજ, કેદારનાથ 6 અને બદ્રીનાથના કપાટ 8 મેના રોજ ખુલશે, યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે

ઉત્તરાખંડ:યમુનોત્રી અને ગંગોત્રી 3 મેના રોજ, કેદારનાથ 6 અને બદ્રીનાથના કપાટ 8 મેના રોજ ખુલશે, યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે

ઉત્તરાખંડની ચારધામ યાત્રા 3 મેથી શરૂ થશે. યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા 3 મેના રોજ ખુલશે. 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદ્રીનાથ ધામના કપાટ ભક્તો માટે ખુલી જશે. ચારધામની યાત્રામાં આવનાર ભક્તોએ રજિસ્ટ્રેશન ફરજીયાત કરાવવું પડશે. આ ચારધામ બાદ હેમકુંડ સાહિબના કપાટ પણ 22 મેના રોજ ખુલી જશે.

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મીડિયા પ્રભારી ડૉ. હરિશ ગૌડે જણાવ્યું કે, અહીં આવનારા તમામ ભક્તોએ ચારધામ મંદિરની ઓફિશિયલ વેબસાઇટ પર પોતાનું અને તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેના પછી જ ભક્તો ચારધામ યાત્રામાં સામેલ થઈ શકશે.

 

જો કોઈ વ્યક્તિ ભૌતિક રીતે રજિસ્ટ્રેશન કરાવવા માગે છે તો હરિદ્વાર, ઋષિકેશ, બરકોટ, જાનકીચટ્ટી, હીના, ઉત્તરકાશી, સોનપ્રયાગ, જોશીમઠ, ગૌરીકુંડ, ગોવિંદ ઘાટ અને પાખી ખાતે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. કેદારનાથ ધામ માટે હવાઈ સેવા પણ હશે. તેના માટે પ્લેનનું બુકિંગ હેલી સર્વિસની વેબસાઈટ પર કરવાનું રહેશે.

યમુના નદીનું ઉદ્દગમ સ્થાન યમુનોત્રી છે. આ બંને તીર્થ ઉત્તરકાશી જિલ્લામાં છે. શિવજીનું 11મું જ્યોતિર્લિંગ કેદારનાથ છે. આ મંદિર રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. વિષ્ણુનું બદ્રીનાથ ધામ દેશના અને ઉત્તરાખંડના ચારધામોમાંનું એક છે. આ મંદિર ચમોલી જિલ્લામાં છે.

યમુનોત્રી ઉત્તરકાશી જિલ્લામાં આવેલું છે. આ મંદિર સમુદ્ર સપાટીથી 3235 મીટરની ઉંચાઈ પર છે. અહીં દેવી યમુનાનું મંદિર છે. આ યમુના નદીનું ઉદ્દગમ સ્થળ પણ છે. યમુનોત્રી મંદિર ટિહરી ગઢવાલના રાજા પ્રતાપશાહે બનાવ્યું હતું. તેના પછી મંદિરનું જીર્ણોદ્ધાર જયપુરની રાની ગુલેરિયાએ કરાવ્યું હતું.

ગંગા નદી ગંગોત્રીમાંથી નીકળે છે. અહીં ગંગા દેવીનું મંદિર છે. આ મંદિર સમુદ્ર સપાટીથી 3042 મીટરની ઉંચાઈ પર છે. આ સ્થળ ઉત્તરકાશી જિલ્લાથી 100 કિમી દૂર છે. દર વર્ષે ગંગોત્રી મંદિર મેથી ઓક્ટોબર સુધી માટે ખોલવામાં આવે છે. બાકીના સમયમાં અહીંનું વાતાવરણ પ્રતિકૂળ રહે છે, તેથી મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં રાજા ભગીરથે શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું. શિવજી અહીં પ્રગટ થયા અને તેને ગંગાને પોતાની જટામાં ધારણ કરીને તેનો વેગ શાંત કર્યો હતો. તેના પછી આ વિસ્તારમાં ગંગાની પહેલી ધારા પણ પડી હતી.

ઉત્તરાખંડના ચાર ધામોમાં કેદારનાથ ત્રીજા નંબરે છે. આ મંદિર 12 જ્યોતિર્લિંગમાં 11મું છે અને સૌથી ઉંચી જગ્યાએ જ્યોતિર્લિંગ છે. મહાભારત કાળ દરમિયાન, શિવ અહીં પાંડવોને બળદના રૂપમાં પ્રગટ થયા હતા. આ મંદિર આદિગુરુ શંકરાચાર્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિર લગભગ 3,581 ચોરસ મીટરની ઉંચાઈ પર આવેલું છે અને ગૌરીકુંડથી લગભગ 16 કિમી દૂર છે. એવું માનવામાં આવે છે કે 8મી-9મી સદીમાં આદિગુરુ શંકરાચાર્ય દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું.

બદ્રીનાથના સંબંધમાં એવી દંતકથા છે કે ભગવાન વિષ્ણુએ આ વિસ્તારમાં તપસ્યા કરી હતી. તે સમયે મહાલક્ષ્મીએ ભગવાન વિષ્ણુને બદ્રી એટલે કે બોરનું વૃક્ષ બનીને છાંયો આપ્યો હતો અને ખરાબ વાતાવરણમાં રક્ષા કરી હતી. લક્ષ્મીજીના આ સમર્પણથી ભગવાન પ્રસન્ન થયા હતા અને તેમણે આ સ્થાનને બદ્રીનાથ નામથી પ્રખ્યાત થવાનું વરદાન આપ્યું.

બદ્રીનાથ ધામમાં વિષ્ણુજીની એક મીટર ઉંચી કાળા પથ્થરની મૂર્તિ સ્થાપિત છે. આદિગુરુ શંકરાચાર્ય દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી વ્યવસ્થાના અનુસાર, બદ્રીનાથ મંદિરના મુખ્ય પુજારી દક્ષિણ ભારતના કેરળ રાજ્યના છે. આ મંદિર લગભગ 3100 મીટર ઉંચાઈ પર આવેલું છે.