પંજાબ દા જુગનૂ:કોમેડી શોમાં ભગવંત માન કંટેસ્ટન્ટ હતા ને સિદ્ધૂ જજ હતા, લગ્નના એક વર્ષમાં જ છુટાછેડા થઈ ગયા

પંજાબ દા જુગનૂ:કોમેડી શોમાં ભગવંત માન કંટેસ્ટન્ટ હતા ને સિદ્ધૂ જજ હતા, લગ્નના એક વર્ષમાં જ છુટાછેડા થઈ ગયા

આમ આદમી પાર્ટીના સંગરૂરના સાંસદ ભગવંત માન પંજાબમાં 'આપ' માટે મુખ્યમંત્રી પદનો ચહેરો ઘોષિત થયા હતા અને જે રીતે પંજાબમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી છે એટલે માન જ પંજાબના નવા મુખ્યમંત્રી બનશે. પણ આ ચૂંટણીમાં એકાએક ભગવંત માન શા માટે ચર્ચામાં આવ્યા ? સાંસદ તરીકે શા માટે ચર્ચામાં નહોતા. કોમેડિયન તરીકે સફર શરૂ કરનાર ભગવંત માનની રાજકીય સફર કેવી રહી ? આવો જાણીએ, ભગવંત માન વિશે...

ભગવંત માન કોમેડિયન આર્ટીસ્ટ હતા
ભગવંત માન 2014 અને 2019માં આમ આદમી પાર્ટીમાંથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. માનને જુગ્નૂના નામથી પણ ઓળખવામાં આવે છે. માન પંજાબી કોમેડિયન હતા અને તેની લોકપ્રિયતા પણ જબરજસ્ત છે. ભગવંત માને કોમેડિયન કપિલ શર્મા સાથે ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ ટીવી શોમાં ભાગ લીધો હતો.

તેનો જન્મ 18 ઓક્ટોબર 1973ના દિવસે પંજાબના સંગરૂર જિલ્લાના સતોજ ગામમાં થયો હતો. ચૂંટણીના ફોર્મમાં તેમણે જે વિગતો ભરી હતી, તેના આધારે જાણવા મળ્યું કે તેમનો અભ્યાસ 12 ધોરણ સુધીનો છે. વર્ષ 1992માં શહીદ ઉધમ સિંહ ગવર્નમેન્ટ કોલેજમાં બી.કોમ. કરવા એડમિશન લીધું પણ તે અભ્યાસ પૂરો ના કરી શક્યા. તેના ઈંદ્રપ્રિત કૌર સાથે લગ્ન થયા હતા. સાંસદ બન્યાના એક વર્ષ પછી તેની પત્ની અલગ થઈ ગઈ. તેને એક દીકરો અને એક દીકરી એમ બે બાળકો છે જે માતા સાથે રહે છે.

Bhagwant Mann Family


ભગવંત માનની રાજકીય સફર
માનની રાજકીય સફરની વાત કરીએ તો માન શરૂઆતથી જ આમ આદમી પાર્ટી સાથે નથી જોડાયા. તેમણે રાજનીતિની શરુઆત મનપ્રિત બાદલની પાર્ટી પંજાબ પીપલ્સ પાર્ટીથી કરી હતી. તેમણે 2012માં લહરા વિધાનસભા સીટથી ચૂંટણી લડી હતી પણ હારી ગયા હતા. એ પછી મનપ્રિત કોંગ્રેસમાં સામેલ થઈ ગયા અને ભગવંત માન 'આપ'માં જાડાઈ ગયા.
માન ઓળખાય છે જુગ્નૂથી...
માને કોમેડી ફેસ્ટિવલ અને આંતર-કોલેજ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેણે પંજાબી યુનિવર્સિટી, પટિયાલા ખાતે શહીદ ઉધમ સિંહ સરકારી કૉલેજ, સુનમ માટે સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. માને રાજકારણ, વ્યવસાય અને રમતગમત જેવા સાંપ્રત મુદ્દાઓ વિશે કોમેડીમાં નવી નવી સ્ટાઈલ વિક્સાવી. તેમનું પહેલું કોમેડી આલ્બમ જગતાર જગ્ગી સાથે હતું. તેમણે સાથે મળીને આલ્ફા ETC પંજાબી માટે 'જુગ્નૂ કહેન્દા હૈ' નામનો ટેલિવિઝન કાર્યક્રમ બનાવ્યો. દસ વર્ષ પછી, તેઓ અલગ થઈ ગયા. માને પછી રાણા રણબીર સાથે કોમેડી પાર્ટનરશિપ કરી. તેઓએ સાથે મળીને આલ્ફા ETC પંજાબી માટે ટેલિવિઝન કાર્યક્રમ 'જુગ્નૂ મસ્ત મસ્ત' બનાવ્યો. 2006માં, માન અને જગ્ગી ફરી જોડાયા અને તેમના શો, નો લાઈફ વિથ વાઈફ સાથે કેનેડા અને ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો. ટેલિવિઝન કાર્યક્રમ જુગ્નૂ હીટ થતાં ભગવંત માન જુગ્નૂના નામથી ઓળખાવા લાગ્યા. ભગવંત માને બલવંત દુલ્લત દ્વારા દિગ્દર્શિત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ "મેં મા પંજાબ ડી" માં પણ અભિનય કર્યો હતો.

સિદ્ધૂ જજ હતા અને માન સ્પર્ધક હતા
આમ જુઓ તો ભગવંત માન અને સિદ્ધૂનું જૂનું કનેક્શન છે. એક કોમેડી શોમાં ભગવંત માન કન્ટેસ્ટન્ટ હતા અને સિદ્ધૂ એ શોના જજ હતા. રાજનીતિમાં આવતાં પહેલાં સિદ્ધૂ અને ભગવંત શોબિઝ ઈન્ડસ્ટ્રીઝનો હિસ્સો રહ્યા છે. બંને સાથે ઘણા શોમાં જોવા મળ્યા છે. હવે બંને સક્રિય રાજનીતિમાં છે. ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં પણ નવજોત સિદ્ધૂ જજ હતા અને ભગવંત માન સ્પર્ધક હતા.
કેજરીવાલે માનને કટ્ટર ઈમાનદાર ગણાવ્યા હતા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટીવી શોમાં કહ્યું હતું કે, ભગવંત માનથી કોઈ શ્રેષ્ઠ કટ્ટર ઈમાનદાર ચહેરો પંજાબના મુખ્યમંત્રી પદ માટે હોય તો બતાવો. પંજાબમાં દરેક મોટા નેતા ઉપર રેતી ચોરીનો આરોપ લાગેલો છે પણ 7 વર્ષથી માન ઉપર એકપણ આરોપ નથી લાગ્યો. તે ભાડાંના મકાનમાં રહે છે.
પત્ની અલગ શા માટે થઈ ગઈ ?
એક યૂટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ભગવંત માને તેના પરિવાર વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી તે કોમેડિયન હતા, ત્યારે પરિવારને ખૂબ સમય આપી શકતા હતા. 2014માં લોકસભાની ચૂંટણી જીત્યા પછી પત્ની અને બાળકોને સમય નહોતા આપી શકતા. મોટાભાગનો સમય જનતા વચ્ચે જ પસાર થતો હતો. આ જ કારણથી 2015માં પત્ની અલગ થઈ ગઈ. હવે પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. ભગવંત પોતે એકલા દિલ્હી અને પંજાબના ઘરમાં રહે છે. માને કહેલું કે, હવે પંજાબના લોકો જ મારો પરિવાર છે.

સાંસદ બન્યા પછી સંપત્તિ ઘટવા લાગી
2012માં વિધાનસભાનું ચૂંટણી ફોર્મ ભર્યું તેમાં ભગવંત માને પોતાની સંપત્તિ 1.55 કરોડ દર્શાવી હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં સંપત્તિ વધીને 1.99 કરોડ થઈ ગઈ. 2019માં ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે સંપત્તિમાં ઘટ જોવા મળી. તેમની ખેતી સહિતની જમીન ઓછી થઈ ગઈ હતી.