હક્ક જમાવવાની હોડ:પુતિનનું અખંડ રશિયાનું સપનું, જિનપિંગ તાઈવાનને ચીનમાં ભેળવવા માગે છે; મોદીની મહેચ્છા PoKને ભારતમાં સમાવવાની

હક્ક જમાવવાની હોડ:પુતિનનું અખંડ રશિયાનું સપનું, જિનપિંગ તાઈવાનને ચીનમાં ભેળવવા માગે છે; મોદીની મહેચ્છા PoKને ભારતમાં સમાવવાની

  • રશિયાએ યુક્રેન પર હુમલો કરીને પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંનું સોવિયત સંઘ બનાવવા માગે છે
  • ચીન પોતાનો પ્રદેશ ગણીને નાનાં રાષ્ટ્રોને દબાવવા માગે છે
  • PoKના લોકો પાકિસ્તાનના શાસનથી કંટાળ્યા છે તેઓ ભારત પ્રત્યે અપેક્ષા રાખે છે
  • મોદી સરકારના મંત્રીએ 2024 પહેલાં PoK ભારતનું હશે તેવું નિવેદન આપ્યું હતું
  • રશિયાએ ગુરવારે સવારે યુક્રેન પર હુમલો કરી દીધો. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગ્રીન સિગ્નલ આપતાં જ રશિયન સેનાએ યુક્રેન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી. રશિયાના આ પગલાંની અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોએ કડક શબ્દોમાં નિંદા કરી, સાથે જ યોગ્ય જવાબ આપવાની વાત ઉચ્ચારી છે.

    આ બધું લગભગ નિર્ધારીત જ હતું. પરંતુ હવે ડર તે વાતનો છે કે ચીન તાઈવાનને હડપ કરવા માટે યુદ્ધનો રસ્તો પસંદ કરી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન વિશ્વના દેશોની નજર ચીન પર પણ છે કેમકે ચીન પહેલેથી જ એટલે કે જ્યારથી આ વિવાદ શરૂ થયો છે ત્યારથી જ ચીન રશિયાના ખોળે બેસી ગયું છે. ચીન પણ રશિયાની જેમ નાટોનો પગપેસારો નથી ઈચ્છતું.

    બીજા વિશ્વયુદ્ધ બાદ જન્મેલા ત્રણેય નેતા (પુતિન, મોદી અને જિનપિંગ) રાષ્ટ્રવાદને વધુ મહત્વ આપે છે અને તેથી જ આ નેતાઓ ઘણાં પોપ્યુલર પણ છે. ત્યારે આ લોકપ્રિયતા અકબંધ રાખવા માટે ત્રણેય મહાશક્તિનું શું છે મહાઅભિયાન.

    ચીન-તાઈવાન વચ્ચે યુદ્ધનો ખતરો
    યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે વધુ એક યુદ્ધના ભણકારા સંભળાય રહ્યાં છે. આ યુદ્ધ છે ચીન અને તાઈવાન વચ્ચે. ઘણાં સમયથી ચીનની મંછા તાઈવાન પર કબજો કરવાની છે. જો રશિયાના હુમલાને રોકવામાં ન આવ્યા કે બીજા દેશોએ આ મામલે કોઈ દરમિયાનગીરી ન કરી તો આવનારા સમયમાં તાઈવાન પર ચીન હુમલો કરી શકે છે.

    ચીને અત્યારથી જ આ વાતના સંકેત આપવાના પણ શરૂ કરી દીધા છે. યુક્રેન પર રશિયના હુમલાને લઈને ચીન દ્વારા આપવામાં આવેલું નિવેદન આ વાત તરફ જ ઈશારો કરે છે. ચીને કહ્યું કે યુક્રેન પર રશિયાના હુમલાનો કબજો નહીં માનવામાં આવે. સોશિયલ મીડિયામાં પણ તાઈવાન પર ચીની હુમલાને લઈને અનેક પ્રકારની વાતો થઈ રહી છે.

  • શું છે ચીન-તાઈવાનના તણાવનું કારણ
    ચીન હંમેશાથી તાઈવાનને પોતાનો જ પ્રાંત ગણે છે જે તેનાથી અલગ થઈ ગયું છે. ત્યારે ચીનની મહેચ્છા ફરી ચીનને પોતાના કબજામાં લાવવાનો છે. જ્યારે તાઈવાનના લોકો પોતાને એક અલગ દેશ તરીકે જ જોવા માગે છે. જો કે લાંબા સમય સુધીના વિવાદ બાદ 80ના દશકામાં બંને દેશ વચ્ચેના સંબંધો સુધરવાના શરૂ થઈ ગયા હતા. ત્યારે ચીને તાઈવાન સામે પ્રસ્તાવ રાખ્યો હતો કે જો તેઓ પોતાને ચીનનો ભાગ માની લેશે તો તેમને સ્વાયત્તતા પ્રદાન કરવામાં આવશે.

    જો કે વર્ષ 2000માં ચેન શ્વાય બિયાન તાઈવાનના રાષ્ટ્રપતિ બન્યાં જે બાદ બંને દેશ વચ્ચેનું અંતર વધી ગયું. બિયાને જાહેરમાં તાઈવાનની સ્વતંત્રતાનું સમર્થન કર્યું, જે વાત ચીનને પસંદ ન આવી. ત્યારેથી ચીન અને તાઈવાનના સંબંધ વધુ તણાવપૂર્ણ છે.

  • Taiwan
  • તાઈવાનની ભૌગોલિક સ્થિતિ
    તાઈવાન પૂર્વી એશિયાનો એક દ્વીપ છે, જેને ચીન એક વિદ્રોહ ક્ષેત્ર તરીકે જુએ છે. લગભગ 36 હજાર 197 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા આ દ્વીપની વસતિ 2.36 કરોડની આસપાસ છે.તાઈવાનની રાજધાની તાઈપે છે, જે તાઈવાનના ઉત્તરી ભાગમાં છે. તાઈવાન એક લોકતાંત્રિક વ્યવસ્થાવાળો દેશ છે. અહીંના લોકો અમાય, સ્વાતોવ અને હક્કા ભાષા બોલે છે. ચીની મંદારિન અહીં રાજકાજની ભાષા છે.

    તાઈવાનના રાષ્ટ્રપતિની ચેતવણી
    ઓક્ટોબર 2021માં તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેને પોતાના એક લેખમાં ચીનની વધતી આક્રમકતા પર ચેતવણી આપતાં કહ્યું હતું કે- જો ચીન તાઈવાનને પોતાના નિયંત્રણ લેશે તો તેના વિશાનકારી પરિણામ આવશે.

    તે સમયે ચીનના 38 ફાઈટર પ્લેન તાઈવાનના હવાઈ ક્ષેત્રમાં ઘુસ્યાં હતા. તાઈવાનના વડાપ્રધાન સુ સેંગ-ચાંગે ચીનની આ હરકતને ક્ષેત્રીય શાંતિ માટે ખતરારૂપ ગણાવી હતી. ઓક્ટોબર 2021માં ચીને પહેલાં ચાર દિવસમાં 150થી વધુ ફાઈટર પ્લેન તાઈવાનના હવાઈક્ષેત્રમાં મોકલ્યા હતા. તે સમયે દુનિયાના અનેક દેશોએ તેને ચીનની આક્રમકતા ગણાવી હતી.

  • POK
  • 2024 સુધીમાં PoK ભારતનું અભિન્ન અંગ હશે
    હવે વાત કરીએ ધરતી પરના સ્વર્ગ કાશ્મીરની.... આ જન્નતનો થોડો ભાગ પાડોસી દેશ પાકિસ્તાનના નાપાક કબજા હેઠળ પણ છે, જેને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે PoK કહેવાય છે. આ જ કારણ છે કે જ્યારે જ્યારે PoKની તસવરી જોઈએ છીએ ત્યારે ત્યારે એક જ વિચાર આવે છે કે કાશ... આપણે આખું કાશ્મીર ફરી શકત. ત્યારે આ સપનું વડાપ્રધાન મોદી શક્ય કરી શકે છે. હાલમાં જ મોદી સરકારના મંત્રી કપિલ પાટિલે જણાવ્યું કે 2024 સુધીમાં પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનો હિસ્સો બની જશે. આમ તો મોદી સરકાર વર્ષ 2014માં જ્યારે પહેલી વખત સત્તા પર આવી ત્યારથી જ PoK ભારતમાં સમાવિષ્ટ થશે તેવી વાતો કરે જ છે, જે દિશામાં મોદી સરકારનું કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાની વાત એક સકારાત્મક પગલું જરૂરથી ગણી શકાય.
  • PoKને લઈને કેન્દ્રીય મંત્રી કપિલ પાટિલે આપેલા નિવેદનની. કપિલ પાટિલે 31 જાન્યુઆરીએ જણાવ્યું કે 2024 સુધીમાં પાકિસ્તાનના કબજાવાળું કાશ્મીર ભારતનો ભાગ બની જશે. મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના કલ્યાણ શહેરમાં એક કાર્યક્રમમાં પંચાયતી રાજ મામલાના રાજ્ય મંત્રી પાટિલે કહ્યું કે- "માત્ર વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ દેશ માટે કંઈક ઉપલબ્ધિઓ મેળવી શકે છે. વડાપ્રધાન મોદીએ દેશનું નેતૃત્વ કરતાં રહેવું જોઈએ કેમકે તેમને CAA, આર્ટિકલ 370 અને 35A જેવાં કાયદાઓ સમાપ્ત કરવાનું કામ કર્યું. ત્યારે મને લાગે છે કે સંભવતઃ 2024 સુધીમાં પાકિસ્તાનના કબજાવાળું કાશ્મીર (PoK) ભારતનું અભિન્ન અંગ બની જશે."
  • 1947માં પાકિસ્તાને ગેરકાયદે રીતે કબજો જમાવ્યો

    • આખું કાશ્મીર સત્તાવાર રીતે ભારતનું જ અભિન્ન અંગ છે, જેના પર પાકિસ્તાને 70 વર્ષથી વધુ સમય સુધી ગેરકાયદે રીતે કબજો જમાવી રાખ્યો છે. ભારતે ક્યારેય તેને ગંભીરતાથી પાછું લેવાના પ્રયાસ નથી કર્યા.
    • પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બે ભાગમાં વહેંચાયેલું છે. સત્તાવાર રીતે એકને જમ્મુ કાશ્મીર અને બીજાને ગિલગિટ-બાલ્ટિસ્તાન કહેવાય છે. પરંતુ પાકિસ્તાનમાં આ બંને ભાગને મળીને આઝાદ કાશ્મીર કહેવામાં આવે છે.
    • પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પ્રમુખ રાષ્ટ્રપતિ હોય છે અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે વડાપ્રધાન હોય છે, જે પોતાના મંત્રીઓની પરિષદ સાથે કામ કરે છે. PoKની પોતાની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પણ છે.
    • આ કાશ્મીરનો જ ભાગ છે, જેની સરહદ પાકિસ્તાનના પંજાબ, અફઘાનિસ્તાનના વાખાન કોરિડોર, ચીનના ઝિનઝિયાંગ સાથે મળે છે.
    • જો ગિલગિટ-બાલ્ટિસ્ટાનને હટાવવામાં આવે તો આઝાદ કાશ્મીરનો વિસ્તાર 13 હજાર 300 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જેની વસતી લગભગ 40 લાખ છે. આ વિસ્તાર ભારતીય કાશ્મીરથી લગભગ ત્રણ ગણો વધારે છે.
    • પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદ છે. અહીં 8 જિલ્લા મિરપુર, ભીમબર, કોટલી, મુઝફ્ફરાબાદ, બાગ, નીલમ, સુધાનોટી અને રાવલકોટ ઉપરાંત 19 તાલુકા છે.
    • જમ્મુ કાશ્મીરનો તે ભાગ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ગણાવવામાં આવ્યું જેના પર 1947ના ભાગલા દરમિયાન પાકિસ્તાને ગેરકાયદે કબજો જમાવી લીધો હતો.
    • PoKની સ્થિતિ બદથી બદતર

      • પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્કૂલ-કોલેજ જેવું કંઈ જ નથી.
      • આંકડાકીય માહિતી મુજબ PoKની સ્થિતિ ઘણી જ ખરાબ છે, અહીં વિકાસ જેવું કંઈ છે જ નહીં.
      • પાકિસ્તાન અહીંના લોકોનો ઉપયોગ ભારત વિરૂદ્ધ આતંકવાદ તરીકે કરે છે. મુંબઈ હુમલાના દોષી અજમલ કસાબની ટ્રેનિંગ મુઝફ્ફરાબાદમાં થઈ હતી. હાંશિયામાં ધકેલાય જવાને કારણે પાકિસ્તાન સામે અહીં ગુસ્સો જોવા મળે છે.
      • PoKના લોકો પાકિસ્તાન દ્વારા 5 ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસને ફ્રોડ ડે ગણાવે છે.
      • PoKના લોકો પાકિસ્તાનના વિરોધ રેલીઓ કાઢીને, કાશ્મીરને લઈને ડબલ સ્ટાન્ડર્ડ અપનાવવાનો આરોપ લગાવે છે.

      PoKમાં જ પાકિસ્તાનનો વિરોધ

      • પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં સેંકડો પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનના કબજામાંથી આઝાદીની માગ બુલંદ કરી છે. આ તમામ લોકો રસ્તા પર ઉતરીને પ્રદર્શનો કરે છે. આ લોકોનો આરોપ છે કે પાકિસ્તાન છેલ્લાં સાત દશકાથી તેમની સાથે ભેદભાવભર્યું વર્તન કરે છે. પાકિસ્તાન તેમના સંસાધનોને અંધાધુંધ તરીકે લુંટે છે. સાથે જ તેમના મૌલિક અધિકારો સાથે પણ સતત રમત રમે છે.
      • PoKના સ્થાનિક નેતાઓનું પણ કહેવું છે કે પાકિસ્તાન આ જગ્યાએ માનવીય સંકટ ઊભું કરી રહ્યાં છે. પરંતુ અહીં મીડિયાની સેન્સરશિપ વધુ છે, તેના કારણે વિશ્વના લોકોને હકિકતનો ખ્યાલ નથી આવતો. PoKના નેતાઓ કહી રહ્યાં છે કે અહીં મીડિયા ચેનલ્સ મોટા ભાગે સરકારની આગળ ઝુકેલી જ રહે છે અને PoKનું સત્ય રજૂ નથી કરતા.
      • PoKના લોકોનું કહેવું છે કે પાકિસ્તાન સરકારે તે વાત ન ભૂલવી જોઈએ કે તેમની નીતિના કારણે જ પૂર્વી પાકિસ્તાનમાં 1971ના વિદ્રોહએ આગ પકડી હતી જે બાદ બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. તેમનું પણ કહેવું છે કે આ વખતે પાકિસ્તાની પ્રશાસનનો જોરદાર મુકાબલો કરવા માટે અમે તૈયાર છીએ.
      • PoKના લોકોનું એવું પણ કહેવું છે કે તેઓ ત્યાં સુધી હાર નહીં માને જ્યાં સુધી પાકિસ્તાનમાંથી આઝાદી નહીં મળે.
      • રશિયા યુક્રેન પર પ્રભુત્વ જમાવવા માગે છે
        રશિયાનો યુક્રેનની સાથે હાલનો વિવાદનું મૂળ કારણ છે યુક્રેનનું નાટો સાથે જોડાવવાના પ્રયાસ. નાટો 30 દેશોનું સૈન્ય ગઠબંધન છે, જેમાં અમેરિકાનું ચાલે છે.રશિયા નથી ઈચ્છતું કે તેમની સરહદ નજીકનો દેશ અમેરિકી પ્રભુત્વવાળા સંગઠન સાથે જોડાય. યુક્રેન નાટો સાથે જોડાય તો નાટોની સેના રશિયાની સરહદ સુધી પહોંચી જશે, જેનાથી તેમની સુરક્ષા સામે ખતરો ઊભો થઈ શકે છે.યુક્રેનને નાટો સાથે જોડતું રોકવા માટે પહેલાં રશિયાએ તેમની સરહદ પાસે લાખોની સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા અને હવે તેમના પર હુમલો કરી દીધો. જો યુક્રેનની મદદ માટે નાટો દેશોએ રશિયા વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી કરી તો દુનિયામાં વધુ એક વિશ્વયુદ્ધ શરૂ થઈ શકે છે.

        રશિયાની સુરક્ષા માટે યુક્રેન સૌથી જરૂરી

        • 1991માં સોવિયેત સંઘ વિખેરાયું પછી બનેલા યુક્રેનને શરૂઆતથી જ રશિયા પોતાનામાં સામેલ કરવાની કોશિશો કરતું આવ્યું છે. જો કે યુક્રેન રશિયન પ્રભુત્વથી ખુદને બચાવી રાખવા માટે પશ્ચિમી દેશો તરફ રહ્યું છે.
        • ડિસેમ્બર 2021માં યુક્રેને અમેરિકન દબદબાવાળા દુનિયાના સૌથી શક્તિશાળી સૈન્ય ગઠબંધન નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન સાથે જોડાવાની ઈચ્છા જાહેર કરી હતી. યુક્રેનની આ કોશિશ રશિયાને ગળે ઉતરી નહીં અને તેણે યુક્રેનને રોકવા માટે તેની સરહદ પર લાખોની ફોજ તહેનાત કરી દીધી.
        • વાસ્તવમાં, યુક્રેનની રશિયાની સાથે 2200 કિમીથી વધુ લાંબી સરહદ છે. રશિયા માને છે કે જો યુક્રેન નાટો સાથે જોડાય છે તો નાટો સેનાઓ યુક્રેનના બહાને રશિયન સરહદ સુધી પહોંચી જશે.
        • એવામાં રશિયાની રાજધાની મોસ્કોની પશ્ચિમી દેશોથી અંતર માત્ર 640 કિમી રહી જશે. અત્યારે આ અંતર લગભગ 1600 કિમી છે.
        • બીજીતરફ, અમેરિકા પણ પોતાની હરકત છોડતું નથી. સોવિયેત સંઘ તૂટ્યા પછી 15થી વધુ યુરોપિયન દેશ નાટોમાં સામેલ થઈ ચૂક્યા છે. હવે તે યુક્રેનને પણ નાટોમાં સામેલ કરવા માગે છે.આથી રશિયા ઈચ્છે છે કે યુક્રેન એ ગેરંટી આપે કે તે ક્યારેય નાટો સાથે જોડાશે નહીં.