વર્લ્ડ ડ્રગ રિપોર્ટ:દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ડ્રગ્સ જપ્તીમાં 300%નો વધારો: NCB નવી દિલ્હી

વર્લ્ડ ડ્રગ રિપોર્ટ:દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ડ્રગ્સ જપ્તીમાં 300%નો વધારો: NCB નવી દિલ્હી

 
  • ડાર્કનેટ પર 94% માર્કેટ ડ્રગ્સ સંબંધિત
  • ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સ પકડવાની ઘટનાઓમાં ભયાનક રીતે વધારો થયો છે. દેશમાં ડ્રગ્સ ટ્રાફિકિંગ માટે સમુદ્રી માર્ગો તેમજ ડાર્કનેટનો મોટા પાયે ઉપયોગ થાય છે. જોકે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સરાહનીય કામગીરીને પગલે ડ્રગ્સની મોટા પાયે જપ્તી કરાઈ છે. એનસીબીએ 2017માં 2,146 અને 2021માં 7,282 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

    આ આંકડો પાંચ વર્ષમાં 300%નો જંગી વધારો દર્શાવે છે. એનસીબીના ડિરેક્ટર જનરલ (ડીજી) એસ. એન. પ્રધાને ડાર્કેથોન 2022 નામના કાર્યક્રમનું ઉદઘાટન કરતા આ વાત કરી હતી.

    ડ્રગ ટ્રાફિકિંગનો સામનો કરવાના હેતુથી શરૂ કરાયેલા આ કાર્યક્રમમાં પ્રધાને કહ્યું કે, ડ્રગ્સની હેરાફેરી માટે ઈન્ટરનેટ પર ડાર્કનેટનો ઉપયોગ કરાય છે. એનસીબીએ 2017માં 2,551 અને 2021માં 4,386 કિલો અફીણ જપ્ત કર્યું હતું, જે 172%નો વધારો દર્શાવે છે. એવી જ રીતે, 2017માં 3,57,539 કિલો અને 2021માં 6,75,631 કિલો ગાંજો જપ્ત કરાયો હતો, જે 191%નો વધારો દર્શાવે છે. ડાર્કનેટ ઈન્ટરનેટ પરનું એક છુપું માધ્યમ છે, જેનું એક્સેસ ફક્ત ચોક્કસ પ્રકારના સોફ્ટવેર થકી જ મેળવી શકાય છે. તેમાં અગાઉથી તૈયાર કરાયેલા નેટવર્કમાં છુપાઈને સંવાદ કરી શકાય છે.

    કાયદાનો અમલ કરાવતી એજન્સીઓથી બચવા માટે ડ્રગ્સની હેરાફેરી કરનારા લોકો તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમનો વર્લ્ડ ડ્રગ રિપોર્ટ 2021 કહે છે કે, ડાર્કનેટ પર 94% માર્કેટ ડ્રગ્સ સંબંધિત છે. હવે એનસીબીએ ડાર્કનેટમાં ડ્રગ્સ વેચતા લોકો પર સકંજો કસવાની શરૂઆત કરી છે. આ માટે ડાર્કનેટ માર્કેટમાં પેટ્રોલિંગ કરીને ડ્રગ ટ્રાફિકરોને ઓળખવામાં આવશે.