ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:અમેરિકામાં મહાનગરોમાંથી લોકોનું નાના શહેરોમાં પલાયન, મકાનોની કિંમત, બીજો ખર્ચ 30% ઓછો

ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:અમેરિકામાં મહાનગરોમાંથી લોકોનું નાના શહેરોમાં પલાયન, મકાનોની કિંમત, બીજો ખર્ચ 30% ઓછો

 
  • છેલ્લા બે વર્ષથી ન્યૂયોર્ક, લોસએન્જેલિસ, સેનફ્રાન્સિસ્કોમાંથી લોકો બહાર જઈ રહ્યા છે
  • અમેરિકાના ટેનેસી કમ્બરલેન્ડ વિસ્તારમાં 920 લોકોના કસબા ગેન્સબોરોમાં સમૃદ્ધિ નથી. એક ચતુર્થાંશ વસતી ગરીબ છે. તેમ છતાં જેક્સન કાઉન્ટીના મેયર રેન્ડી હેડીની ઓફિસ આશાવાદી છે. ગયા વર્ષે વેચાણવેરા, સંપત્તિ વેરા દ્વારા આવક લગભગ બમણી થઈ છે. આ વર્ષે 20 ટકા વધારાનું અનુમાન છે.

    મેયર કહે છે, એરિઝોના, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાંથી લોકો મોટી સંખ્યામાં અહીં આવીને વસવાટ કરી રહ્યા છે. અર્થશાસ્ત્રી લાંબા સમયથી શંકા સેવતા હતા કે, ગ્રામીણ વિસ્તારો પ્રગતિ બાબતે પાછળ રહી જશે. જોકે, મહામારીએ સ્થિતિ બદલી નાખી છે. ઓછા ખર્ચને કરાણે લોકો નાના શહેરો, કસબામાં જવાનું પસંદ કરે છે. ન્યૂયોર્ક, લોસએન્જેલિસ, સેનફ્રાન્સિસ્કો સહિત બીજા મહાનગરોની તુલનામાં નાના શહેરોમાં મકાનોની કિંમત, ભાડું અને જીવન ગુજરાનનો ખર્ચ 25-30 ટકા ઓછો છે.

    વિસ્તારની સૌથી વધુ વસતી પુટનમ કાઉન્ટીના મેયર રેન્ડી પોર્ટર કહે છે કે, છેલ્લા બે વર્ષમાં અમારી કાઉન્ટી તેજ ગતિએ વધી છે. અહીં સૌથી મોટા શહેર કુકેવિલેમાં દસ હજાર વિદ્યાર્થીઓની ટેનેસી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી છે. હેડી અને પોર્ટર માને છે કે, જીવન ગુજરાનમાં મોટા ખર્ચને કારણે લોકો મોટા શહેરો છોડીને નાના શહેરો તરફ આવી રહ્યા છે. ‘વર્ક ફ્રોમ હોમ’ની સુવિધાએ પલાયનને સરળ બનાવ્યું છે.

    સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી રેબેકા ડાયમંડ અને કેલિફોર્નિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી એનરિકો મોરેટીએ અમેરિકાનાં વિવિધ ભાગોમાં જીવન ગુજરાન પાછળ થતા ખર્ચ પર રિસર્ચ કર્યું છે. કુકેવિલે ઝોનમાં ચાર વર્ષની કોલેજ ડિગ્રી લેનારા કામદારોની આવક દેશના અસંખ્ય કમ્પ્યૂટિંગ ઝોનના સૌથી ગરીબ દસ ટકા કામદારો જેટલી છે. જેની સામે જીવન ગુજરાનના સ્થાનિક ખર્ચના હિસાબે જોઈએ તો તેમની ખરીદશક્તિ સર્વોચ્ચ દસ ટકા જેટલી છે.

    તેમના રિસર્ચ મુજબ કુકેવિલેમાં હાઈસ્કૂલમાં નાપાસ કામદારના પરિવારની આવક વાર્ષિક રૂ.32 લાખ છે, જે ન્યૂયોર્કમાં રૂ.43 લાખ અને સેનફ્રાન્સિસ્કોમાં રૂ.46 લાખ છે. રહેણી-કરણીના સ્થાનિક ખર્ચની દૃષ્ટિએ સેનફ્રાન્સિસ્કો અને ન્યૂયોર્કના કામદારોનું જીવનસ્તર ક્લીવલેન્જ જેવા શહેરમાં રૂ.27 લાખ કમાનારા જેટલું છે. રિસર્ચરો કહે છે કે, કુકેવિલેની તુલનામાં ન્યૂયોર્કમાં ઉચ્ચ શિક્ષિત કર્મચારીને વધુ વેતન મળે છે, પરંતુ વધારાનું વેતન મોંઘવારી ખાઈ જાય છે.

    મોટા શહેરોમાં જીવનસ્તર નાના સ્થળોની તુલનામાં સારું નહીં
    કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રી જેસે રોથેસ્ટીનનું કહેવું છે કે, જો તમે લોકોનું જીવનસ્તર ઊંચે લઈ જવા માગો છો તો તેમને મોટા શહેરોમાંથી બહાર કાઢવા જોઈએ. તેમણે બે અન્ય અર્થશાસ્ત્રી સાથે અમેરિકાના મહાનગરોમાં ચાલી રહેલા નુકસાન પર રિસર્ચ પેપર લખ્યું છે. મેસાચુસેટ્સ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટમાં અર્થશાસ્ત્રી ડેવિડ આટરનું માનવું છે કે, યુવાનોને શહેરમાં વસવાની સલાહ આપવી હવો યોગ્ય નથી. 2020માં એક લાખ દસ હજાર લોકોએ લોસ એન્જેલિસ છોડી દીધું છે. ન્યૂયોર્ક શહેરમાંથી દોઢ લાખથી વધુ લોકો બીજા સ્થળોએ રહેવા જતા રહ્યા છે. ન્યૂયોર્ક, ઓરેગાંવ, કેલિફોર્નિયામાંથી નાની કાઉન્ટીમાં જઈને વસવા જનારા લોકોની સંખ્યા વધી રહી છે.