અમેરિકા લઈ જવાનું કહી કોલકાતા લઈ ગયા:15 ગુજરાતીને ભૂતિયા બંગલામાં ગોંધી રાખ્યા, બંદૂકની અણીએ ઘરે ફોન કરાવી બોલાવતાં 'બફેલો બોર્ડરથી ન્યૂયોર્ક પહોંચી ગયા'

અમેરિકા લઈ જવાનું કહી કોલકાતા લઈ ગયા:15 ગુજરાતીને ભૂતિયા બંગલામાં ગોંધી રાખ્યા, બંદૂકની અણીએ ઘરે ફોન કરાવી બોલાવતાં 'બફેલો બોર્ડરથી ન્યૂયોર્ક પહોંચી ગયા'

  • બે મહિના સુધી માણસાનાં દંપતી સહિતના પેસેન્જરોને ગોંધી રાખ્યા
  • એજન્ટને પોલીસ કાર્યવાહીનો અંદાજો આવી જતાં દંપતીને દિલ્હી રવાના કર્યું
  • ગાંધીનગર પોલીસ દિલ્હી પહોંચી અને દંપતી ઘરે પહોંચ્યું
  • મુખ્યમંત્રીની સીધી સૂચનાથી ગાંધીનગર પોલીસ દ્વારા કબૂતર બાઝીના નેટવર્ક ચલાવતી ગેંગનો પર્દાફાશ કરાયો છે. ત્યારે માણસાનાં દંપતી સહિતના પેસેન્જરોને કોલકાતાનાં એક ભૂતિયા બંગલમાં અલગ અલગ રૂમમાં બંધક બનાવી કેનેડા-ન્યૂજર્સી પહોંચી ગયાના ફોન કરાવી ત્રણ કરોડથી વધુની ખંડણી ઊઘરાવી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

    માણસાનાં દંપતીને કુટુંબી ભાણિયા અમદાવાદના એજન્ટ રાજેશ પટેલે જ કોલકાતાના એજન્ટો સાથે મોકલી આપ્યા હતા. જોકે કોઈ કારણોસર એજન્ટને પોલીસ કાર્યવાહીનો અંદાજો આવી જતાં તેણે જ દંપતીને બે મહિના ગોંધી રાખ્યા બાદ 50 હજાર આપીને કોલકોતાથી દિલ્હી રવાના કરી દીધા હતા. આ તરફ ગાંધીનગર પોલીસ હવાઈ માર્ગે દિલ્હી પહોંચીને હોટલોમાં શોધખોળ કરી રહી હતી અને બીજી તરફ દંપતી ટ્રેનમાં બેસીને ઘરે પરત આવી ગયું હતું.

  • પોલીસે મુક્ત કરાવેલા નાગરિકો.

     

  • તેજસને નોકરી અર્થે યુએસ જવાની ઈચ્છા હતી
    સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો માણસાના ખરણા ગામના ખેડૂત પ્રવીણભાઈ સોમાભાઈ પટેલનાં ત્રણ સંતાનો પૈકી 26 વર્ષીય તેજસ એમએસસી થયેલો છે, જેનાં લગ્ન કલોલની નિશા સાથે થયા છે. તેજસ નોકરી અર્થે યુએસ જવાની ઈચ્છા રાખતો હોવાથી પાસપોર્ટ કઢાવી વિઝાની પ્રોસેસ પણ કરતો હતો.

    કુટુંબી ફોઈનો ભાણિયાએ વિઝાની વાત કરી
    આ દરમિયાન કુટુંબી ફોઈનો ભાણિયો રાજેશ નટવરલાલ પટેલ (રહે. ઓમ રેસિડેન્શી, આનંદ પાર્ટી પ્લોટ, ન્યૂ રાણીપ, મૂળ. બળવંતપૂરા, મહેસાણા ) ડિસેમ્બરમાં ખરણા ગામે જઈને પ્રવીણભાઈને મળ્યો હતો, એટલે ઔપચારિક વાતચીત દરમિયાન રાજેશે પોતે વિઝાનું કામ કરતો હોવાનું કહી તેજસ અને નિશાના વિઝા કરાવી આપવાની વાત કરી હતી અને તેના માણસો સંતોષ રોય અને સુનીલ રોય પણ વિઝા એજન્ટ હોવાનું વધુમાં કહ્યું હતું. બન્નેએ કેનેડાના કાયદેસરના વિઝા કરાવી ત્યાંથી અમેરિકા મોકલી આપવાની ખાતરી આપી હતી.

  •  
  • 7 ડિસેમ્બરે અમદાવાદથી નીકળ્યા
    અમેરિકા મોકલવાનો 1 કરોડ 35 લાખ ખર્ચ થશે, એમ રાજેશે જણાવતાં પ્રવીણભાઈ તૈયાર થઈ ગયા હતા. બાદમાં ત્રીજી ડિસેમ્બરે સુનીલ રોય માણસા ગયો હતો અને દંપતીનાં પાસપોર્ટ, આધાર કાર્ડ અને પાનકાર્ડ લઈને કહ્યું હતું કે, કોલકોતા જવાનું છે, ત્યાં ચાર-પાંચ દિવસ રોકાયા પછી દિલ્હી થઈ કેનેડા મોકલી દઈશું. આમ, 7મી ડિસેમ્બરના રોજ પ્રવીણભાઈ તેમના પુત્ર તેજસ અને પુત્રવધૂ નિશાને અમદાવાદ એરપોર્ટ મૂકવા આવ્યા હતા અને તેમણે પુત્રને 10 હજાર ડોલર પણ આપી રાખ્યા હતા.

    કોલકોતાના ભૂતિયા બંગલામાં લઈ જવાયા
    અમદાવાદ એરપોર્ટ પર સુનીલ રોય મળ્યો હતો, જેની સાથે તેનો ભાઈ સંતોષ રોય પણ હતો અને આ સંતોષ રોય દંપતીને કોલકોતા લઈ ગયો હતો. કોલકોતા પહોંચતાં જ દંપતીને ત્યાંના કોઈ ભૂતિયા બંગલામાં લઈ જવાયા હતા, જ્યાં અન્ય પેસેન્જરો પણ ડરેલા જોવા મળ્યા હતા. ત્યાં સુનીલ, સંતોષ અને કમલ સિંઘાનિયા સહિતના માણસોએ દંપતીને ધાકધમકી આપવાની શરૂઆત કરી દીધી હતી અને તેજસ પાસેથી 10 હજાર ડોલર અને નિશા પાસેથી રૂ. 1.09 લાખના દાગીના બંદૂકની અણીએ લૂંટી લીધા હતા.

  • પોલીસના હાથે ઝડપાયેલો એજન્ટ.

     

  • બંદૂકની અણીએ ઘરે વાત કરાવતા
    બાદમાં તેઓ પ્રવીણભાઈ સાથે તેજસની વાત કરાવતા અને બોલાવતા હતા કે કેનેડા પહોંચી ગયા છે. આમ, આંતરે દિવસે ઘરે ફોન કરાવી વાત કરાવતા હતા, એટલે પ્રવીણભાઈને પણ એમ થયું કે દંપતી અમેરિકા પહોંચી જશે. એકવાર ફરી પાછો ફોન કરાવીને કહેવડાવવાની ફરજ પડાઈ હતી કે તેઓ બફેલો બોર્ડરથી ન્યૂયોર્ક પહોંચાડી દીધા છે. આમ કરતાં કરતાં બે મહિના સુધી દંપતીને ભૂતિયા બંગલામાં જ ગોંધી રાખવામાં આવ્યા હતા. જેમની સાથેના અન્ય બંધકોને અલગ અલગ રૂમમાં બે-બેની સંખ્યામાં રાખવામાં આવ્યા હતા.

    ઘણો સમય વાત ન થતાં પ્રવીણભાઈને શંકા ગઇ
    આ તરફ ઘણા સમયથી તેજસ સાથે વાત નહીં થતાં પ્રવીણભાઈએ કુટુંબી એજન્ટ રાજેશ પટેલને પૃચ્છા કરતાં તે પણ કહેતો કે તેજસ અને નિશા ન્યૂજર્સી પહોંચી ગયા છે. ચિંતા ના કરો, મારે એજન્ટો સાથે વાત થાય છે. છેલ્લે, તેણે પણ ગલ્લાતલ્લા શરૂ કરી દેતાં પ્રવીણભાઈને કઈ અજુગતી ઘટના ઘટી હોવાનો અંદાજ આવી ગયો હતો. એને પગલે તેમણે ગાંધીનગર પોલીસની મદદ માગી હતી.

  • તેજસ ફોનમાં વાત કરતો ત્યારે ડરેલો જણાતો: પ્રવીણભાઈ
    આ અંગે પ્રવીણભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફોઈના ભાણિયા રાજેશ પટેલ થકી તેજસ અને નિશાને કેનેડાથી અમેરિકા મોકલવાની કાર્યવાહી કરી હતી. અહીંથી મારા પુત્ર અને પુત્રવધૂને કોલકોતાના કોઈ ભૂતિયા બંગલામાં ગોંધી રાખ્યાં હતાં, જ્યાં બે એજન્ટો આજુબાજુ ગોઠવાઈ જઈ બંદૂકની અણીને ઘરે ફોન કરાવતા હતા, પણ જ્યારે પણ તેજસ વાત કરતો ત્યારે થોડો ડરેલો જણાતો હતો.

    એજન્ટને કાર્યવાહીનો અંદાજો આવતાં દંપતીને દિલ્હી રવાના કર્યું
    કોણ જાણે એજન્ટ કમલ સિંઘાનિયાને ખબર પડી હોય એમ તેણે પુત્ર પુત્રવધૂને 50 હજાર રૂપિયા આપીને હોટલમાં રોકાવાનું કહી પોતે સોમવારે આવશે એવી વાત કરી હતી. એટલે બન્ને જણા દિલ્હી આવી ગયા હતા અને એજન્ટે બુક કરેલી હોટલ ચેન્જ કરી દીધી હતી. અહીં બે-ત્રણ દિવસ રોકાયા હતા અને 25 હજાર જેવો ખર્ચ થયો હતો, પરંતુ મારા પુત્ર અને પુત્રવધૂએ ઘરે પરત આવવાનો નિર્ણય લઇને ટ્રેનમાં બેસી ગયા હતા. આ તરફ એલસીબી પોલીસ અને હું દિલ્હીની હોટલોમાં શોધખોળ કરવા લાગ્યા હતા.

  • પોલીસના હાથે ઝડપાયેલો એજન્ટ.

  • બે મહિના બાદ માંડ માંડ દંપતી ઘરે પરત ફર્યું
    રસ્તામાંથી પુત્રએ સાડાબાર વાગ્યાના અરસામાં ઘરે ફોન કરીને પહેલા જ પૂછ્યું હતું કે પપ્પા ક્યાં ગયા? અમે બે કલાકમાં ઘરે પરત આવીએ છીએ. પપ્પા ક્યાં ગયા. આ તરફ પ્રવીણભાઈ સાથે પોલીસે રાત્રિના 12 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી હોટલોમાં શોધખોળ કરી હતી. આખરે પુત્ર ઘરે પહોંચી ગયાની જાણ થતાં પ્રવીણભાઈના જીવમાં જીવ આવ્યો હતો. ત્યારે પ્રવીણભાઈ સાથેની વાતચીતમાં તેજસ કહેવા લાગ્યો હતો કે આજ પછી અમેરિકા જવાનું કોઈ દિવસ વિચારીશ નહીં, જેની પૂછપરછમાં અન્ય પેસેન્જરો વિશે માહિતી મળી હતી.

    દંપતી એટલું ડરી ગયું હતું કે કશું બોલતું ન હતું: પીઆઈ
    આ અંગે એલ.સી.બી. પીઆઈ જે.એચ. સિંધવે જણાવ્યું હતું કે અમે દિલ્હી પહોંચ્યા ત્યારે માણસાનું દંપતી ટ્રેનમાં બેઠું હોવાનો મેસેજ મળી ગયો હતો. તેમની સાથે વાત પણ થયેલી, પરંતુ તેઓ એટલા ડરી ગયા હતા કે કશું બોલતા નહોતા. તેમણે સામેથી કહેલું કે હવે ફોન કરતા, નહીં અમે આવીને વાત કરીશું.

    ટીસીને દંપતી પર નજર રાખવા સૂચના આપી
    એટલે અમે અગમચેતી પગલાંના ભાગરૂપે રેલવે સાથે સંપર્ક કર્યો અને ટ્રેનોનું લાઈવ લોકેશન મગાવી ટ્રેનોને ટ્રેક કરવાની શરૂઆત કરી હતી. ઉપરાંત ટિકિટ ચેકર અને આરપીએફ સાથે પણ વાત કરીને દંપતી કઈ ટ્રેનના કયા ડબ્બામાં છે એની વિગતો મેળવી લીધી હતી અને ટીસીને સૂચના આપેલી કે દંપતી પર નજર રાખે. અમને શંકા હતી કે દંપતી સાથે કોઈ એજન્ટ હોવાને કારણે પણ તેઓ વાત કરતા ન હોય. આમ છેક સુધી અમે દંપતી પર નજર રાખી હતી.

    અન્ય પેસેન્જરો પણ પરત ફર્યા
    દિલ્હીથી બે ફેમિલીને અમે ગાંધીનગર લઈ આવ્યા હતા, જેમાં રાકેશ પટેલ તેમની પત્ની પૂનમ પટેલ, તેમની દીકરી તેમજ આકાશ પટેલ, દીપા પટેલ અને તેમની દોઢ વર્ષની દીકરીનો સમાવેશ થાય છે. પેસેન્જરોને કોલકોતાના ભૂતિયા બંગલા, ફ્લેટ ઉપરાંત હોટલોમાં રાખી ડરાવીધમકાવી ખંડણી ઊઘરાવી હોવાનું સામે આવ્યું છે. માણસાનાં દંપતીને પણ 50 હજાર આપી દિલ્હી મોકલી આપ્યા હતા, જ્યાંથી તેઓ ટ્રેનમાં બેસી ગયા હતા. એ જ રીતે અન્ય પેસેન્જરો પણ પરત ફર્યા હતા.