ચૂંટણીમાં શાહીનું મહત્ત્વ:ચૂંટણીમાં જો મતદાતાની આંગળીઓ ના હોય તો ક્યાં લગાવવામાં આવે છે શાહી? જાણો ક્યાં અને કેવી રીતે બનાવાય છે

ચૂંટણીમાં શાહીનું મહત્ત્વ:ચૂંટણીમાં જો મતદાતાની આંગળીઓ ના હોય તો ક્યાં લગાવવામાં આવે છે શાહી? જાણો ક્યાં અને કેવી રીતે બનાવાય છે

આજે 10 ફેબ્રુઆરી 2021થી ઉત્તરપ્રદેશમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. નોઈડા, ગાઝિયાબાદ, મથુરા અને આગરા જેવી વિવિધ જગ્યાએ લોકો મતદાન કરી રહ્યા છે. આજે ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને હજી 6 તબક્કાનું મતદાન બાકી છે. તમે જ્યારે પોલિંગ બૂથ પર જાઓ છો ત્યારે તમે જોયું હશે કે ત્યાં મતદારની આંગળી પર શાહી લગાવવામાં આવે છે. જેને કારણે ઓળખ થાય છે કે કોણે મતદાન કર્યું અને તે લોકો ફરી મતદાન ના કરી શકે. શું ક્યારેય તમને એવો વિચાર આવ્યો છે કે જે મતદારની આંગળી ના હોય તેને શાહી ક્યાં લગાવવામાં આવે છે? આ શાહી ક્યાં અને કેવી રીતે બને છે? કદાચ તમને નહીં જ ખબર હોય, તો ચલો અમે તમને આ વિશે વિગતે જણાવીએ...

કઈ આંગળીમાં શાહી લગાવાય છે?
હકીકતમાં જે લોકો વોટ નાખે છે તેમના માટે ચૂંટણીપંચની તેમની પોતાની ગાઈડલાઈન્સ છે. એ ગાઈડલાઈન્સ પ્રમાણે વોટ કરનાર ડાબા હાથની તર્જની આંગળી (અંગૂઠાની બાજુની) પર શાહી લગાવવામાં આવે છે. આ આંગળી પર નખથી લઈને પહેલાં વેઢાની ગાંઠ સુધી શાહી લગાવવામાં આવે છે.

જેમને આંગળીઓ ના હોય તેમને ક્યાં શાહી લગાવાય છે?
જો કોઈ વ્યક્તિને ડાબા હાથની તર્જનીની આંગળી નથી તો આ સંજોગોમાં તે વ્યક્તિના ડાબા હાથની કોઈપણ આંગળી ઉપર શાહી લગાવવામાં આવે છે, પરંતુ જો ડાબા હાથમાં એકપણ આંગળી ના હોય તો જમણા હાથની તર્જની પર મતદાનની શાહી લગાવવામાં આવે છે.

જો હાથ જ નથી તો?
મતદાન કરનારી વ્યક્તિના બંને હાથમાં કોઈ આંગળી ના હોય તો તેના બંને હાથમાંથી કોઈપણ એક હાથ પર ગમે ત્યાં ચૂંટણીની શાહીનું નિશાન કરવામાં આવે છે, પરંતુ જો વ્યક્તિના બંને હાથ પણ ના હોય તો તેવી વ્યક્તિને પગના અંગૂઠા પર ચૂંટણીની શાહી લગાવવામાં આવે છે.

કેવી રીતે અને કઈ વસ્તુથી બને છે શાહી

  • શાહી બનાવવા માટે સિલ્વર નાઈટ્રેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ઓછામાં ઓછા 72 કલાક સુધી સ્કિન પરથી હટાવી શકાતું નથી. સિલ્વર નાઈટ્રેટ કેમિકલનો એના માટે ઉપયોગ કરવામાં આવે છે. એ પાણીના સંપર્કમાં આવ્યા પછી તેનો કલર બ્લેક થઈ જાય છે અને એને દૂર કરી શકાતો નથી.
  • જ્યારે ચૂંટણી અધિકારી મતદારની આંગળી પર શાહી લગાવે છે ત્યારે સિલ્વર નાઈટ્રેટ આપણી શરીરમાં આવેલા ક્ષાર સાથે મળીને સિલ્વર ક્લોરાઈડ બની જાય છે. સિલ્વર ક્લોરાઈડ પાણીમાં ધોઈ શકાતું નથી અને એ આપણી સ્કિન સાથે જોડાઈ જાય છે. આ નિશાન ત્યારે જ જાય છે જ્યારે સ્કિનના સેલ ધીમે ધીમે જૂના થવા લાગે છે અને એ સ્કિન પરથી ઊતરવા લાગે છે.
  • સારી ક્વોલિટીની શાહી 40 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં સુકાઈ જાય છે. એનું રિએક્શન એટલું ઝડપી હોય છે કે એ આંગળી પર લાગ્યા પછી એક જ સેકન્ડની અંદર એનું નિશાન બનાવી દે છે. આ જ કારણથી આ શાહીને લૂછી શકાય કે ધોઈ શકાય એવું શક્ય નથી. જોકે અમુક લોકો એવો દાવો કરે છે કે કોઈ ખાસ કેમિકલની મદદથી આ શાહીને હટાવી શકાય છે, પરંતુ એ વિશે પણ હજી કોઈ પૂરતા પુરાવા મળ્યા નથી.

ક્યાં બને છે આ શાહી?
આ શાહી દક્ષિણ ભારતમાં આવેલી મૈસૂર પેઈન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ નામની કંપની બનાવે છે. આ શાહીનો ઉપયોગ ઘણા બધા દેશો કરે છે. મૈસૂર પેઈન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડના જણાવ્યા પ્રમાણે 28 દેશોને આ શાહી પૂરી પાડવામાં આવે છે. તેમાં અફઘાનિસ્તાન, તુર્કી, દક્ષિણ આફ્રિકા, નાઈજીરિયા, નેપાળ, ઘાના, પાપુઆ ન્યૂ ગિની, બુર્કીના ફાસો, બરુંડી, કેનેડા, ટોગો, સિએરા લિયોન, મલેશિયા, માલદિવ્સ અને કંબોડિયા સામેલ છે.