ભગવા VS હિજાબ વિવાદ:જય શ્રીરામના નારા સામે જવાબો આપતી યુવતીએ કહ્યું- કપડાના એક ટુકડા માટે અમારો અભ્યાસ બગડી રહ્યો છે

ભગવા VS હિજાબ વિવાદ:જય શ્રીરામના નારા સામે જવાબો આપતી યુવતીએ કહ્યું- કપડાના એક ટુકડા માટે અમારો અભ્યાસ બગડી રહ્યો છે

  • યુવતીએ જય શ્રીરામના નારા સામે અલ્લાહ-હુ-અકબરના નારા લગાવ્યા હતા
  • કહ્યું- મારા હિન્દુ મિત્રોના સપોર્ટને કારણે ખુશ છું
  • સોશિયલ મીડિયા પર યુવતી છવાઈ ગઈ
  • કર્ણાટકમાં હાલમાં હિજાબ VS ભગવા વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે કર્ણાટકની એક કોલેજમાં એક યુવતીને કેટલાક લોકોએ ઘેરીને જય શ્રીરામના નારા લગાવ્યા હતા, તો સામે યુવતીએ અલ્લાહ-હુ-અકબરના નારા લગાવ્યા હતા. યુવતીના આ સાહસનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઈરલ થઈ રહ્યો છે.

    યુવતીના આ વાઈરલ વીડિયો બાદ લોકો જાણવા માગે છે કે આ યુવતી છે કોણ કે જેણે નીડરતાપૂર્વક વિરોધનો સામનો કરી સામે જવાબો પણ આપ્યા.

    યુવતીનું નામ મુસ્કાન છે
    એક મીડિયા ચેનલ સાથેના ઈન્ટર્વ્યુમાં યુવતીએ પોતાનું નામ મુસ્કાન જણાવ્યું.

    કોલેજમાં એસાઈન્મેન્ટ સબ્મિટ કરવા ગઈ હતી
    યુવતીએ પોતાના ઈન્ટર્વ્યુમાં આગળ જણાવ્યું હતું કે હું કોલેજમાં એસાઈન્મેન્ટ સબ્મિટ કરાવવા ગઈ હતી. તે લોકો મને અંદર જતાં અટકાવી રહ્યા હતા. તેમની માગ હતી કે પહેલા બુરખો ઉતારો, પછી અંદર જાઓ. હું ફરી વખત અંદર ગઈ તો ભીડે મને ઘેરી લીધી અને જય શ્રીરામના નારા લગાવવા લાગ્યા, તેના જવાબમાં મેં પણ અલ્લા-હુ-અકબરના નારા લગાવાનું શરૂ કર્યું. તેણે જણાવ્યું કે મારા ટીચર અને પ્રિન્સિપાલે મારો સપોર્ટ કર્યો.

    બહારના યુવકો પણ સામેલ હતા
    મુસ્કાને કહ્યું હતું કે તેના વિરોધમાં પોતાની જ કોલેજના કેટલાક યુવકો સામેલ હતા, પરંતુ તેમની સાથે બહારના પણ કેટલાક યુવકો સામેલ થઈ ગયા હતા, જેમને મેં ક્યારેય કોલેજમાં જોયા નહોતા.

    પ્રિન્સિપાલને કંઈ વાંધો નથી તો તેમને કેમ?
    તેણે કહ્યું હતું કે આ બધું ગયા સપ્તાહેથી જ ચાલુ થયું. અમે દરેક સમયે બુરખો અને હિજાબ પહેરીને જ રાખતા હતા. હું ક્લાસમાં હિજાબ પહેરતી હતી અને બુરખો ઉતારી દેતી હતી. હિજાબ અમારો એક ભાગ છે. પ્રિન્સિપાલે પણ કંઈ નથી કહ્યું. બહારના લોકોએ આ શરૂ કર્યું છે. પ્રિન્સિપાલે અમને બુરખો ન લઈ જવાની સલાહ આપી છે. અમે હિજાબ માટે વિરોધ કરવાનું ચાલુ રાખીશું. આ એક મુસ્લિમ યુવતી હોવાનો ભાગ છે. મારા હિન્દુ મિત્રોએ મારું સમર્થન કર્યું છે. હું સુરક્ષિત અનુભવી રહી છું. સવારથી જ લોકો મને કહી રહ્યા છે અમે તારી સાથે જ છીએ.

    ઓવૈસીએ યુવતીનાં વખાણ કર્યાં
    યુવતીનો આ વીડિયો સામે આવ્યા બાદ ઓવૈસીએ યુવતીનાં ભરપૂર વખાણ કર્યાં છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે હું યુવતીનાં મા-બાપને સલામ કરું છું. આ યુવતીએ એક સંદેશો આપ્યો છે. ભીખ માગીને કે રોઈને કશું પણ હાંસલ ન કરી શકાય. યુવતીએ જે કાંઈપણ કર્યું એ હિંમતનું કામ છે.

    સોશિયલ મીડિયા પર મુસ્કાન છવાઈ ગઈ
    કર્ણાટકની આ ઘટનાનો વીડિયો સામે આવ્યો ત્યારથી મુસ્કાન સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. હિજાબ સામે ચાલી રહેલા આ પ્રદર્શનમાં પ્રતિકારનો ચહેરો બની ગયો છે. સોશિયલ મીડિયા પર મુસ્કાનને લઇને ઘણાં મીમ્સ અને પોસ્ટર્સ વાઈરલ થઇ રહ્યાં છે. લોકો તેની બહાદુરીને સલામ કરે છે. આ ઘટના દરમિયાન ડરવાના સવાલ પર મુસ્કાનનું કહેવું છે કે જ્યારે છોકરાઓએ તેને ઘેરી લીધી તો તે ડરી ગઈ હતી, પરંતુ જ્યારે પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષકોએ વિરોધ કર્યો તો તેનો ડર ખતમ થઈ ગયો. તે કહે છે કે તે બુરખો પહેરવાનું ચાલુ રાખશે.