કેનેડામાં ટાર્ગેટ પર હિન્દુ મંદિર:10 દિવસમાં ઉપદ્રવીઓએ અડધો ડઝન મંદિરમાં તોડફોડ કરી, ઘરેણાની પણ ચોરી કરી
કેનેડામાં છેલ્લા થોડા દિવસોથી સતત હિન્દુ મંદિરોને ટાર્ગેટ બનાવીને તેમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી રહી છે. આ કારણે ભક્તો અને પૂજારીઓમાં ડરનો માહોલ છે. સ્થિતિ એટલી બગડી ગઈ કે છેલ્લા 10 દિવસમાં જ 6 મંદીરોને લૂંટવામાં આવ્યા છે. ઉપદ્રવીઓ દાન પેટીઓમાંથી કેશ ચોરવા સિવાય મૂતિઓ પર સજાવવામાં આવેલા ઘરેણાને પણ ચોરી ગયા હતા. આ મામલામાં પોલીસની તપાસ ચાલુ છે.
આ ઘટનાઓ 15 જાન્યુઆરીએ હનુમાન મંદિરમાં તોડફોડ સાથે શરૂ થઈ હતી. તે દિવસે ગ્રેટર ટોરન્ટો એરિયા(GTA)ના બ્રૈમ્પટનમાં હનુમાન મંદિરમાં તોડફોડની અસફળ કોશિશ કરવામાં આવી હતી. 25 જાન્યુઆરીએ આ શહેરમાં દેવી દુર્ગાના મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ બંને ઘટનાઓ પછી ઉપદ્રવિઓએ ગૌરી શંકર મંદિર અને જગન્નાથ મંદિરમાં પણ ધમાલ મચાવી હતી. 30 જાન્યુઆરીએ મિસિસોગામાં હિન્દુ હેરિટેજ સેન્ટરમાં 2 વ્યક્તિઓએ દાન પેટી અને મુખ્ય કાર્યાલયમાં તોડફોડ કરી હતી.
તોડફોડ રાતે 2થી 3ની વચ્ચે કરવામાં આવે છે
હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા મુજબ આવી ઘટનાઓ રાતે 2થી 3ની વચ્ચે બને છે. CCTVમાં આ આરોપીઓની તસવીરો બહાર આવી છે. તેમાં તે બેકપેકની સાથે વિન્ટર ગિયરમાં દેખાય છે. આ ચોર મંદિરમાં ઘુસ્યા પછી દાન પેટીમાંથી કેશ અને દેવતાઓના આભૂષણોની ચોરી કરે છે.
આ ઘટનાઓ બાબતે પુજારી પંડિત યદુ નાથ શર્માએ કહ્યું- સવારની આરતીની તૈયારી કરતી વખતે મને ડર લાગે છે. હું ચારે તરફ જોવું છું કે આસપાસ કોઈ છે તો નહિને. હું બધી લાઈટો ચાલુ રાખું છું અને મંદિર ખોલતી વખતે એ પણ જોવું છે કે બારીની પાસે કોઈ છે તો નહિને.
મંદિરોમાં તોડફોડની ઘટનાથી નિરાશા
શુભમ ભારદ્રાજ નામના એક ભક્તે જણાવ્યું કે મંદિરોમાં તોડફોડની ઘટનાઓ વિશે સાંભળીને હું ખૂબ જ નિરાશ છું. કેનેડામાં આવા પ્રકારના ગુનાઓ થતા જોઈને ખૂબ જ ચિંતા થાય છે. મંદિરોમાં સતત થઈ રહેલા હુમલા એક ગંભીર સમસ્યા છે. જોકે પોલીસ ઝડપથી તેને હલ કરી લેશે.