આજે બે ભારત છે, એક ગરીબોનું અને બીજુ ધનવાનોનું : રાહુલ

આજે બે ભારત છે, એક ગરીબોનું અને બીજુ ધનવાનોનું : રાહુલ

'ડબલ એ' વેરિઅન્ટ દેશના અર્થતંત્રને લપેટમાં લઇ રહ્યા છે 

પોર્ટ, ખાણો, વીજળી કારખાના, એરપોર્ટ, પેટ્રોલિયમ, ટેલીકોમ, રિટેલ, ઇ-કોમર્સને ઉદ્યોગપતિઓને સોંપી દીધા

ચૂંટણી પંચ, ન્યાયપાલિકા, પેગાસસનો ઉપયોગ રાજ્ય સરકારોનો અવાજ દબાવવા થઇ રહ્યો છે તેવો આરોપ

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે હિન્દૂસ્તાન બે ભાગોમાં વહેંચાયેલુ છે. ભારતમાં આર્થિક અસમાનતાની ખાઇ વધુ પહોળી થઇ ગઇ છે. આજે બે ભારત છે એક ગરીબોનું અને બીજુ ધનવાનોનું, ગરીબ ભારત પાસે રોજગાર નથી. દેશમાં બેરોજગારી વધી છે. પણ સરકાર તેના પર વાત નથી કરવા માગતી. આ સાથે જ રાહુલ ગાંધીએ પેગાસસ અને ચીનની આક્રામક્તાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. 

રાહુલે કહ્યું હતું કે સરકારની નિષ્ફળ વિદેશી નીતિના કારણે જ ભારત ખતરામાં ઘેરાઇ ગયો છે. લોકસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સાથે એમ પણ કહ્યું હતું કે વર્તમાન સમયમાં ન્યાયપાલિકા, ચૂંટણી પંચ, પેગાસસ વગેરે રાજ્ય સરકારોનો અવાજ દબાવવા માટેના ઉપકરણ બની ગયા છે. આજે હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થામાં ડબલ એ વેરિઅન્ય ફેલાઇ રહ્યો છે. 

વાયનાડ સાંસદે કોરોના મહામારીમાં હાલ ઓમિક્રોન વેરિઅન્ટની ચર્ચા છે ત્યારે બે ઉધ્યોગપતિઓને દેશના સૌથી મોટા મોનોપોલિસ્ટ જાહેર કર્યા હતા. અને બન્ને ઉધ્યોગપતિઓને કોરોનાના વેરિઅન્ટ ડેલ્ટા અને ઓમિક્રોનની જેમ જ ડબલ-એ વેરિઅન્ટ ગણાવ્યા હતા, રાહુલે કહ્યું હતું કે આ ડબલ એ વેરિઅન્ટે દેશના પુરા અર્થતંત્રને પોતાની લપેટમાં લઇ રહ્યા છે. તેમણે પોતાના આરોપોમાં કહ્યું કે મોદી સરકારે ઉધ્યોગપતિઓને દેશના બધા પોર્ટ, એરપોર્ટ, ખાણો, વિજળી કારખાના વગેરે આપી દીધા છે. જ્યારે પેટ્રોલિયમ, ટેલીકોમ, રિટેલ અને ઇ-કોમર્સ પણ ઉધ્યોગપતિઓને આપી દેવાયા છે. જેને પગલે દેશનું મોટા ભાગનું ધન માત્ર થોડાક ઉધ્યોગપતિઓના હાથમાં આવી ગયું છે. 

રાહુલે આરોપ લગાવ્યા હતા કે કેન્દ્ર સરકારની નીતિને કારણે પાકિસ્તાન અને ચીન બન્ને એક થઇ ગયા છે. અને આજે ભારત દુનિયાથી અલગ થલગ થઇ ગયો છે. સાથે જ ચારેય બાજુથી ઘેરાઇ ગયો છે. ડોકલામ અને લદ્દાખને લઇને ચીનની યોજના બહુુ જ સ્પષ્ટ છે. જ્યારે ભારતની વર્તમાન વિદેશ નીતિઓમાં ઘણી જ ખામીઓ છે. ચીન આજે ભારત માટે સૌથી મોટો પડકાર બની ગયું છે. લોકસભામાં બજેટ સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી હતી અને આ આરોપો લગાવ્યા હતા.