69 વર્ષ બાદ આજે એર ઈન્ડિયાની ઘર વાપસી:દેશની બીજી સૌથી મોટી એરલાઇન કંપની બનશે, ટાટા સન્સના ચેરમેન PMને મળ્યા

69 વર્ષ બાદ આજે એર ઈન્ડિયાની ઘર વાપસી:દેશની બીજી સૌથી મોટી એરલાઇન કંપની બનશે, ટાટા સન્સના ચેરમેન PMને મળ્યા

 

 

 

  • ઉદ્યોગપતિ જેઆરડી ટાટાએ એર ઈન્ડિયાની શરૂઆત કરી હતી
  • દેશની 1.2 લાખ કરોડ રૂપિયાના એવિએશન ઈન્ડસ્ટ્રી માટે આ વર્ષમાં ઘણુંબધું બદલાઈ જવાનું છે. સરકારી કંપની એર ઈન્ડિયા આજથી એટલે કે 27 જાન્યુઆરી, 2022થી પ્રાઈવેટ બની ગઈ છે. એર ઈન્ડિયાને ખરીદ્યા બાદ દેશની બીજી સૌથી મોટી એરલાઈન બની જશે. આ બાબતે હેન્ડઓવર પહેલાં ટાટા સન્સના ચેરમેન PM મોદીને મળ્યા હતા.

    ચંદ્રશેખરન એર ઈન્ડિયાની ઓફિસે પહોંચ્યા હતા
    બેઠક બાદ ચંદ્રશેખરન સીધા નવી દિલ્હીમાં એર ઈન્ડિયાની ઓફિસા ગયા હતા. બીજી તરફ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંકે કહ્યું હતું કે તે એર ઈન્ડિયાને કાર્યકારી મૂડી અને અન્ય જરૂરિયાત મુજબ લોન આપવા માટે તૈયાર છે.

    એર ઈન્ડિયાની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ઘણી મહત્ત્વપૂર્ણ ફ્લાઇટ્સ છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે નવા મેનેજમેન્ટ સાથે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટ્રાવેલ કરનારા પ્રવાસીઓને સારી સુવિધા મળી શકશે. જણાવીએ કે ટાટા સમૂહના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને આ વર્ષે પદ્મભૂષણ અપાયો છે.

    ચાલો, જાણીએ કે એર ઈન્ડિયાની શરૂઆત કેવી રીતે થઈ, એ કેવી રીતે ટાટાથી સરકારની પાસે અને સરકારમાંથી ફરીથી ટાટાના હાથમાં કેવી રીતે આવી. સમગ્ર ઉડ્ડયન ઉદ્યોગમાં કેવા ફેરફાર થવાના છે અને એનો મુસાફરોને કેટલો ફાયદો થશે.

  • 1932માં એર ઈન્ડિયાની શરૂઆત થઈ હતી
    એર ઈન્ડિયાના ઈતિહાસની વાત કરીએ તો એની શરૂઆત એપ્રિલ 1932માં થઈ હતી. એની સ્થાપના ઉદ્યોગપતિ જેઆરડી ટાટા દ્વારા કરવામાં આવી હતી. એ સમયે નામ હતું ટાટા એરલાઈન્સ. જેઆરડી ટાટાએ સૌપ્રથમ 1919માં માત્ર 15 વર્ષની ઉંમરે એક શોખ તરીકે વિમાન ઉડાડ્યું હતું, પરંતુ આ શોખ એક જુસ્સો બની ગયો અને જેઆરડી ટાટાએ પોતાનું પાયલોટનું લાઇસન્સ મેળવ્યું હતું.
એર ઈન્ડિયાની 30મી વર્ષગાંઠ પર જેઆરડી ટાટા.
  •  
  • 15 ઓક્ટોબર 1932ના રોજ પ્રથમ ફ્લાઇટે ઉડાન ભરી હતી
    એરલાઇનની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટે 15 ઓક્ટોબર 1932ના રોજ ઉડાન ભરી હતી. એ એકમાત્ર સિંગલ-એન્જિન ધરાવતું 'હેવીલેન્ડ પુસ મોથ' વિમાન હતું, જે અમદાવાદ-કરાચીના રસ્તે મુંબઈ ગયું હતું. એ સમયે પ્લેનમાં એકપણ મુસાફર નહોતો, પરંતુ 25 કિલોના પત્રો જ હતા. આ પત્રો લંડનથી ઈમ્પીરિયલ એરવેઝ દ્વારા કરાચી લાવવામાં આવ્યા હતા. આ એરવેઝ બ્રિટનની શાહી એરલાઇન હતી. આ પછી વર્ષ 1933માં ટાટા એરલાઈન્સે પેસેન્જરો સાથે પહેલી ફ્લાઈટે ઉડાન ભરી હતી. ટાટાએ બે લાખ રૂપિયાના ખર્ચે કંપનીની સ્થાપના કરી હતી.

    બીજા વિશ્વ યુદ્ધ પછી એર ઈન્ડિયાનું નામ પડ્યું
    બીજા વિશ્વયુદ્ધ પછી ભારતમાંથી સામાન્ય ફ્લાઈટ્સ શરૂ થઈ અને પછી એનું નામ એર ઈન્ડિયા રાખવામાં આવ્યું હતુ. એને જાહેર ક્ષેત્રની કંપની બનાવવામાં આવી હતી. વર્ષ 1947માં આઝાદી પછી રાષ્ટ્રીય એરલાઇનની જરૂર હતી. ભારત સરકારે એમાં 49% હિસ્સો લીધો હતો. આ પછી 1953માં ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ પસાર કર્યો અને ટાટા જૂથ પાસેથી કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો હતા. આ રીતે તે સંપૂર્ણપણે એક સરકારી કંપની બની ગઈ.

    નુકસાનની શરૂઆત
    1954માં એનું રાષ્ટ્રીયકરણ થયા બાદ સરકારે બે કંપનીની રચના કરી. ઈન્ડિયન એરલાઈન્સને ડોમેસ્ટિક સર્વિસ માટે અને એર ઈન્ડિયાને વિદેશી રૂટ માટે નક્કી કરવામાં આવી હતી. કંપની વર્ષ 2000 સુધી નફાકારક રહી. 2001માં પહેલીવાર તેને રૂ.57 કરોડનું નુકસાન થયું હતું. ત્યાર બાદ ઉડ્ડયન મંત્રાલયે તત્કાલીન એમડી માઈકલ માસ્કેયરનહાસને દોષિત ઠેરાવ્યા બાદ તેને બરતરફ કર્યા હતા.

    ઈન્ડિયન એરલાઈન્સનું 2007માં વિલીનીકરણ થયું
    એર ઈન્ડિયાનું વર્ષ 2007માં ઈન્ડિયન એરલાઈન્સ સાથે વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. એ સમયે બંનેની ખોટ 771 કરોડ રૂપિયા હતી. વિલીનીકરણ પહેલાં ઈન્ડિયન એરલાઈન્સ 230 કરોડ નુકસાનીમાં હતી, જ્યારે એર ઈન્ડિયા 541 કરોડની ખોટમાં હતી. ત્યાર પછી ખોટ સતત વધતી રહી અને કંપની લોન પર લોન લેતી રહી.

    12 હજાર કરોડથી વધુ નુકસાન
    વર્ષ 2009-10માં એની ખોટ વધીને 12 હજાર કરોડથી વધુ થઈ ગઈ. નુકસાનનું એક કારણ એ પણ આપવામાં આવ્યું હતું કે 2005માં એર ઈન્ડિયા દ્વારા 111 વિમાન ખરીદવાનો નિર્ણયએ મુશ્કેલીઓ સર્જી હતી. આ ડીલ પાછળ 70 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. બીજું કારણ એ પણ હતું કે આ દરમિયાન નવી એરલાઈન્સ કંપનીઓએ ગ્રાહક સેવાથી લઈને ઓછા ભાડા સુધી વ્યૂહરચના અપનાવી. આમાં પણ એર ઈન્ડિયા પાછળ રહી ગઈ.

    ખાનગી કંપનીની એરલાઇન્સ દિવસમાં ઓછામાં ઓછા 14 કલાક ઉડાન ભરતી હતી, જ્યારે એર ઇન્ડિયાનાં વિમાનો 10 કલાક ઉડાન ભરતા હતા. બીજી તરફ જે રૂટ પર ખાનગી કંપનીઓ સર્વિસ આપવામાં અચકાતી હતી, ત્યાં એર ઈન્ડિયાને ચલાવવામાં આવતી હતી, જે નુકલાનીનો રૂટ હતો.

Air India
  •  

એર ઈન્ડિયાની વિશેષતાઓ
એર ઈન્ડિયાની સૌથી મોટી ખાસિયત એ છે કે એ હજુ પણ ફાઈવસ્ટાર હોટલ તાજમાંથી ફૂડ ઓર્ડર કરે છે. પ્લેનમાં ભોજન પૂરું પાડવા માટે તે તાજની કેટરિંગ સર્વિસ તાજ સેટ્સ પરથી ઓર્ડર કરે છે. હવે જ્યારે તમામ એરલાઈન્સ માત્ર પાણી જ મફત આપે છે ત્યારે એર ઈન્ડિયા હજી પણ ભોજન અને નાસ્તો મફત આપે છે.

એર ઈન્ડિયાનો પ્રારંભિક લોગો જેઆરડી ટાટાએ પોતે પસંદ કર્યો હતો
1967માં એર ઈન્ડિયામાં મુસાફરોને ભેટ તરીકે એશ ટ્રે આપવામાં આવી હતી. એર ઈન્ડિયાનો પ્રારંભિક લોગો જેઆરડી ટાટાએ પોતે પસંદ કર્યો હતો. એ ધનૂની નિશાની હતી, તેની થીમ શરૂઆતથી જ લાલ અને સફેદ રહી છે. એનો લોગો 2007માં બદલાયો હતો. હવે એ એક લાલ રંગમાં ઊડતા હંસ જેવી છે, જેમાં કોણાર્ક ચક્ર જોડાયેલું છે.

2015માં એનું નવનિર્માણ થયું અને એ વધુ યુવા હોવાનું દર્શાવવામાં આવ્યું. ધોતી પાઘડીની સાથે-સાથે તેણે જીન્સ અને સૂટ પણ પહેરવાનું શરૂ કર્યું. એર હોસ્ટેસને પરંપરાગત ભારતીય સાડીમાં બ્રાન્ડ કરવામાં આવી. એર ઈન્ડિયાની આ છબિ અવિરત ચાલુ જ છે.

10.5 કરોડ લોકો મુસાફરી કરે છે
2021માં કુલ 10.5 કરોડ લોકોએ ડોમેસ્ટિક રૂટ પર મુસાફરી કરી હતી. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર છે. એ રૂ. 1.20 લાખ કરોડની ઈન્ડસ્ટ્રી છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA)નું અનુમાન છે કે 2030 સુધીમાં ભારત આ મામલે ચીન અને અમેરિકાને પાછળ છોડી શકે છે.

4 વર્ષમાં 35 હજાર કરોડના રોકાણની આશા
એક અંદાજ મુજબ, આગામી 4 વર્ષમાં આ ઈન્ડસ્ટ્રીમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે. ભારત સરકાર 2026 સુધીમાં 14 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે, જે એરપોર્ટ ઈન્ફ્રા ડેવલપમેન્ટ માટે ખર્ચવામાં આવશે.

એર ઈન્ડિયાનું ભવિષ્ય અને પડકારો
પ્રથમ તબક્કામાં ટાટા જૂથ આ કંપનીને નુકસાનમાંથી નફામાં ફેરવવાની યોજના પર કામ કરશે. એ પછી દેવાંમાંથી મુક્તિ અપાવશે અને કદાચ એવું બની શકે કે એનો IPO લાવીને એને માર્કેટમાં લિસ્ટ કરવામાં આવે. જોકે આ ત્યારે જ થશે જ્યારે કંપની ખોટમાંથી બહાર નીકળી શકશે, કારણ કે એનું મૂલ્યાંકન એ પછી થશે. ટાટા ગ્રુપ એને ખોટમાં ચાલતા રૂટ પર બંધ કરી શકે છે. એનાથી દેવું ઘટાડવામાં પણ મદદ મળશે. એર ઈન્ડિયા પાસે હાલમાં 114 એરક્રાફ્ટ છે, એમાંથી 42 લીઝ પર અને અન્ય 99 એનાં પોતાનાં છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ટાટા ગ્રુપ જે રીતે કામ કરે છે એ આ કંપનીને નવી ઊંચાઈ પર લઈ જશે, કારણ કે એની સાથે ભારે લાગણી છે અને એર ઈન્ડિયાને ખરીદવાની વાત ઘણી વખત ખુદ રતન ટાટાએ પણ કહી હતી. તેઓ 1990માં એરલાઈન્સ પણ શરૂ કરવાના હતા, પરંતુ સફળ થઈ શક્યા નહીં.

શુક્રવારે બોર્ડની બેઠક મળી હતી
ગયા શુક્રવારે કંપનીની બોર્ડ બેઠક હતી, જેમાં વિક્રમ દેવને નવા ચેરમેન બનાવવામાં આવ્યા હતા. આ રીતે હાલમાં જેઓ બોર્ડના સભ્યો છે તેઓ રાજીનામું આપશે અને મહિનાના અંતમાં ટાટાનું નવું બોર્ડ હશે. ટાટા ગ્રુપ એવિએશન માર્કેટમાં 25-30%ના બજાર હિસ્સા સાથે બીજા નંબરની સૌથી મોટી એરલાઇન પ્લેયર બનશે.

એર ઈન્ડિયા ટેલેસ દ્વારા ચલાવવામાં આવશે
ગયા વર્ષે ઓક્ટોબરમાં ટાટા ગ્રુપની ટેલેસ પ્રાઈવેટ લિમિટેડે એર ઈન્ડિયાને ખરીદવાનું ટેન્ડર જીતી લીધું હતું. ટેલેસ ટાટાનો એરલાઇન બિઝનેસ ચલાવશે. આ માટે 18,000 કરોડની બોલી લગાવવામાં આવી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસની સાથે, ટાટા ગ્રુપ પણ સેટ્સમાં 50% હિસ્સો ધરાવે છે. એર ઈન્ડિયા સેટ્સ ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ કરે છે.

ઓક્ટોબરમાં જ અકાસાને પણ એનઓસી
સંજોગોવશાત્ ઓક્ટોબરમાં ટાટા જૂથે એર ઈન્ડિયા માટે બીડ જીતી લીધી હતી અને એ જ મહિનામાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની અકાસાને સરકાર તરફથી નો-ઓબ્જેક્શન પ્રમાણપત્ર (NOC) પણ મળી ગયું છે. એવું માનવામાં આવે છે કે અકાસા મે સુધીમાં ઉડાન ભરવાનું શરૂ કરશે. સપ્ટેમ્બર 2021માં જેટ સેટ ગો નામની કંપનીએ પણ 2024 સુધીમાં એની ફ્લાઇટ શરૂ કરવાની યોજના જાહેરાત કરી છે.

72 બોઇંગનો ઓર્ડર આપ્યો
શેરબજારના મોટા બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની અલ્ટ્રા લો કોસ્ટ એરલાઇન અકાસા એરે 72 Boeing 737 MAX જેટનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર દુબઈમાં યોજાયેલા એર શોમાં આપ્યો હતો. આ વિમાનોની કુલ કિંમત 9 અબજ ડોલર છે. આ વર્ષથી જ એરક્રાફ્ટની ડિલિવરી શરૂ થશે. કંપનીના સીઈઓ વિનય દુબેએ કહ્યું, 'અમે એવું માનીએ છીએ કે નવું 737 MAX એરક્રાફ્ટ માત્ર સસ્તું એરલાઇન ચલાવવાના અમારા ધ્યેયને સમર્થન આપશે નહીં, પરંતુ અકાસાને એક એન્વાયર્નમેન્ટ કંપની પણ બનાવશે.

18 એરક્રાફ્ટ હશે
તેઓ કહે છે કે 2022-23માં અમારી પાસે 18 એરક્રાફ્ટ હશે. આગામી એક વર્ષમાં 14-16 એરક્રાફ્ટ હશે. આ વિમાનોની કુલ કિંમત 9 અબજ ડોલર છે. પાંચ વર્ષમાં 72 એરક્રાફ્ટ રાખવાની યોજના છે. તેઓ કહે છે કે અમે એક બજેટ કેરિયરને ચલાવીશું. અમારી મુખ્ય યોજના અમારા ગ્રાહકોને સારી સેવા પૂરી પાડવાની છે જે સસ્તી પણ હશે. કંપનીને એપ્રિલના બીજા પખવાડિયામાં પ્રથમ એરક્રાફ્ટ મળવાની અપેક્ષા છે. પહેલી કોમર્શિયલ ફ્લાઈટ જૂન સુધીમાં શરૂ થઈ શકે છે.

શરૂઆતમાં મેટ્રો સિટી પર ધ્યાન કેન્દ્રિત​​​​​​
કંપની શરૂઆતમાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુના રૂટ પર સેવાઓ આપશે. કંપની પડોશી દેશો માટે આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઈટ ચલાવશે. પછી એને દક્ષિણ એશિયા અને મધ્યપૂર્વના દેશોમાં વિસ્તરણ કરશે.

જેટના કાફલામાં 3 વર્ષમાં 50 વિમાન સામેલ થશે
જેટ એરવેઝ 2.0ના નવા પ્રમોટર્સને આગામી ત્રણ વર્ષમાં 50 વિમાન સામેલ કરવાની આશા છે. દેવાંમાં ડૂબેલી જેટ એરવેઝ એપ્રિલ 2019માં ગ્રાઉન્ડેડ થઈ ગઈ હતી. આ પહેલાં એરલાઇનને દક્ષિણ એશિયાની સૌથી મોટી ખાનગી એરલાઇનનો દરજ્જો મળ્યો હતો. અકાસાના આગમનથી તે જ પ્રકારની અડચણ આવી શકે છે જેવી કે કિંગફિશર એરવેઝની 2005-06માં શરૂઆત થયા બાદ આવી હતી.

જેટ એરવેઝની તૈયારી
જેટ એરવેઝ ફરી ઉડાન ભરવાની તૈયારી કરી રહી છે. એ જાલાન કાલરોકના ગ્રુપ દ્વારા લેવામાં આવ્યું છે. 5 વર્ષમાં 100 એરક્રાફ્ટ એમાં સામેલ કરવાની તૈયારી છે. 1 હજાર કર્મચારી દ્વારા આ વર્ષના મે સુધીમાં શરૂ કરવામાં આવશે. જોકે, લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટને એને લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

સરકાર પણ કામ કરી રહી છે
સરકાર પણ આ ઉદ્યોગમાં લાભ આપવાનું કામ કરી રહી છે. 2017માં તેણે ઉડે આમ આદમી એટલે કે ઉડાનની શરૂઆત કરી હતી. એનો અર્થ નાના-નાના એરપોર્ટને જોડીને ત્યાં સુધી ફ્લાઇટ શરૂ કરવાનો છે. આ કામ 370થી વધુ રૂટ પર કરવામાં આવ્યું છે. એના પર અત્યારસુધીમાં 3,550 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ભાડામાં ઘટાડો થઈ શકે છે
નિષ્ણાતોનું માનવું છે કે આ એરલાઈન્સના આવવાથી તરત જ હવાઈ ભાડામાં ઘટાડો જોવા મળી શકે છે, જેનો સીધો ફાયદો મુસાફરોને થશે. જોકે એમાં 2-3 વર્ષનો સમય લાગી શકે છે, જ્યારે આ બંને એરલાઈન્સ પોતાની સેવામાં વધારો કરશે.

ઈન્ડિગો પ્રમુખ છે
ઉડ્ડયન બજારમાં લીડર ઇન્ડિગો છે, જેની પાસે લગભગ 278 વિમાનનો કાફલો છે. ઓક્ટોબર 2021 સુધીમાં એનો બજાર હિસ્સો લગભગ 50% હતો. હવે આગામી દિવસોમાં અકાસા અને જેટ એરવેઝ 2.0 સાથે એર ઈન્ડિયા સાથે સ્પર્ધા કરી શકે છે.

વ્યસ્ત હવાઈ માર્ગ પર પ્રાઇમ સ્લોટ મેળવવો મુશ્કેલ
અહીં એ પણ નોંધવું યોગ્ય છે કે અકાસા અને જેટ એરવેઝ 2.0 બંનેને તેમના લોન્ચ થયા પછી તરત જ મુંબઈ જેવા વ્યસ્ત હવાઈ માર્ગો પર પ્રાઇમ સ્લોટ મેળવવામાં મુશ્કેલી પડશે, જેને કારણે તેમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એર ઈન્ડિયા પાસે 117 વિમાનનો કાફલો છે. અહીં 4400 સ્થાનિક અને 1800 આંતરરાષ્ટ્રીય લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ છે. જોકે તેણે પહેલા 23 હજાર કરોડ રૂપિયાની લોન ચૂકવવી પડશે. પછી તેણે નફો બતાવવો પડશે અને એ પછી તેણે માર્કેટમાં પોતાનું સ્થાન બનાવવું પડે છે.