HCમાં સુનાવણી:ઇન્કમટેક્સ વિભાગની નોટિસ સામે હાઇકોર્ટે પૂછ્યું - US સરકારે આપેલા વળતર પર કેવી રીતે ઇન્કમટેક્સ લાગે?

HCમાં સુનાવણી:ઇન્કમટેક્સ વિભાગની નોટિસ સામે હાઇકોર્ટે પૂછ્યું - US સરકારે આપેલા વળતર પર કેવી રીતે ઇન્કમટેક્સ લાગે?

આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલી મહિલાના પતિને USએ આપેલા 34 લાખ પર ITએ ટેક્સ માગ્યો હતો

મુંબઈથી ન્યુયોર્ક જતી ફ્લાઇટ આતંકવાદી દ્વારા હાઇજેક કરીને કરાયેલા હુમલામાં મૃત્યુ પામેલી મહિલાને અમેરિકાએ અાપેલા વળતર પર ભારતના ઇન્કમટેક્સ વિભાગે ટેક્સની નોટિસ કાઢતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. હાઈકોર્ટે ઈન્કમટેક્સ વિભાગને નોટિસ આપી વધુ સુનાવણી 21 ફેબ્રુઆરી પર રાખી છે.

1986માં મુંબઈથી ન્યૂયોર્ક જતી વર્લ્ડ એરવેઝની ફલાઇટને ચાર પેલેસ્ટાઇન આતંકવાદીઓએ હાઈજેક કરી હતી એ પછી થયેલા હુમલામાં તૃપ્તિ દલાલ નામના મહિલા સહિત 51 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ તેમના પતિએ એરલાઇન્સ પાસે વળતરનો કેસ કર્યો હતો. 2006માં લિબિયાની સરકારે અમેરિકાને 1.6 બિલિયન ડોલર વળતર પેટે આપ્યા હતા. જે પૈકી તૃપ્તિબેનના પતિને અમેરિકાની સરકારે 2013માં 34.24 લાખ ચૂકવ્યા હતા. આ રકમ પર ઈન્કમટેક્સ વિભાગે ટેક્સ ચૂકવવા નોટિસ પાઠવી હતી.

ઈનકમ ટેક્સ વિભાગે ફરીથી 2021માં નોટિસ કાઢીને ટેકસની માંગણી કરી હતી. હાઈકોર્ટે ઈન્કમટેક્સ વિભાગને એવો સવાલ કર્યો હતો કે અમેરિકાની સરકારે વળતર પેટે ચૂકવેલા નાણાં પર કઈ કલમ હેઠળ ટેકસ વસુલી શકો? તે અંગે જવાબ રજૂ કરો. ઇઝરાયેલની જેલમાંથી આતંકીઓને છોડાવવા વિમાનનું અપહરણ થયું હતું.