ભારતને બીજી ટેસ્ટમાં ૭ વિકેટથી હરાવીને સાઉથ આફ્રિકાએ શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી

ભારતને બીજી ટેસ્ટમાં ૭ વિકેટથી હરાવીને સાઉથ આફ્રિકાએ શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી

એલ્ગરના નોટઆઉટ ૯૬ : ભારતીય બોલરો ચોથા દિવસે ૧ જ વિકેટ મેળવી શક્યા

સાઉથ આફ્રિકાએ ૨૪૦ના ટાર્ગેટને ૬૭.૪ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો

જોહનીસબર્ગતા.૬

વરસાદી માહોલનો ફાયદો ઉઠાવવામાં પણ ભારતીય બોલરો નિષ્ફળ રહેતા સાઉથ આફ્રિકાએ કેપ્ટન એલ્ગરની નોટઆઉટ ૯૬ રનની ઈનિંગને સહારે બીજી ટેસ્ટમાં સાત વિકેટથી વિજય મેળવીને શ્રેણીમાં ૧-૧થી બરોબરી પ્રાપ્ત કરી લીધી છે. સાઉથ આફ્રિકાએ જીતવા માટેના ૨૪૦ના ટાર્ગેટ સામે ગઈકાલે ત્રીજા દિવસે સાંજે જ ૧૧૮/૨નો સ્કોર કરતાં તેમને જીતવા માટે વધુ ૧૨૨ રનની જરુર હતી. આજે ચોથા દિવસે વરસાદી વિઘ્ન બાદ ટી બ્રેક બાદ શરૃ થયેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ વધુ એક જ વિકેટ ગુમાવતા જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાએ ૬૭.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૨૪૩ રન નોંધાવી દીધા હતા.

એલ્ગર ૧૮૮ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે ૯૬ રને અણનમ રહ્યો હતો. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જોહનીસબર્ગના વાન્ડેરેર્સ સ્ટેડિયમમાં ભારત સૌપ્રથમ ટેસ્ટ મેચ હાર્યું હતુ. હવે શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટ મેચ તારીખ ૧૧મી જાન્યુઆરીથી કેપ ટાઉનમાં શરૃ થશે.

 આજે ચોથા દિવસે વરસાદના વિઘ્નને કારણે મેચ મોડી શરૃ થઈ હતી. એલ્ગર (૪૬) અને ડુસેન (૧૧)ની જોડીએ સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગને બે વિકેટે ૧૧૮થી આગળ ધપાવી હતી. બેટીંગ માટે પડકારજનક પરિસ્થિતિમાં સાઉથ આફ્રિકાએ મક્કમ ઈરાદા સાથે લડત આપી હતી. જ્યારે ભારતીય બોલરો પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

એલ્ગર અને ડુસેનની જોડીએ ૧૬૦ બોલમાં ૮૨ રન જોડયા હતા. ડુસેન ૪૦ રનના સ્કોર પર શમીની બોલિંગમાં પુજારાના હાથે કેચ આઉટ થયો હતો. જે ભારતને ચોથા દિવસે મળેલી એકમાત્ર સફળતા હતી. તેણે ૯૨ બોલનો સામનો કરતાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. એલ્ગરે એક છેડો જાળવી રાખતાં ટીમને જીત સુધી પહોંચાડી હતી. તેણે અને બવુમા (૪૫ બોલમાં અણનમ ૨૩)ની જોડીએ અણનમ ૬૮ રનની ભાગીદારી કરી હતી.

 

બુમરાહે ૧૭ ઓવરમાં ૭૦ રન આપ્યા હતા અને તે એક પણ વિકેટ ઝડપી શક્યો નહતો. શમીએ ૫૫ રનમાંઠાકુરે ૪૭ રનમાં અને અશ્વિને ૨૬ રનમાં ૧-૧ વિકેટ ઝડપી હતી.