બેલ્જિયમમાં બોગસ વેક્સિનેશનનો ગજબનો કેસ:આઠવાર વેક્સિન લેનાર યુવકની ધરપકડ, નવમીવાર ફરી આવ્યો તો હેલ્થ કર્મચારીએ ઓળખી લીધો હતો

બેલ્જિયમમાં બોગસ વેક્સિનેશનનો ગજબનો કેસ:આઠવાર વેક્સિન લેનાર યુવકની ધરપકડ, નવમીવાર ફરી આવ્યો તો હેલ્થ કર્મચારીએ ઓળખી લીધો હતો

  • યુવક પૈસા માટે બીજાના નામે વેક્સિન લેવા આવતો હતો
  • 8 ડોઝ લીધા છતાં યુવકને હજુ કોઈ સાઈડ ઈફેક્ટ થઈ નથી
  • પશ્ચિમ યુરોપના દેશ બેલ્જિયમમાં વેક્સિનેશન છેતરપિંડીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકની 8 વખત વેક્સિન લેવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે યુવક જ્યારે 9મી વખત વેક્સિન લગાવવા વેક્સિનેશન સેન્ટર પર પહોંચ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
  • આ અજીબ કિસ્સો વાલૂન પ્રાંતના 2 લાખની વસ્તી ધરાવતા શૉર્લરૉય શહેરનો છે. અહીં એક યુવક પૈસા લઈને અન્યના બદલામાં વેક્સિન લેતો ઝડપાયો છે. બેલ્જિયમ મીડિયા લાવેનિરના રિપોર્ટ મુજબ, આરોપી વેક્સિન લીધા વિના વેક્સિનેશન સર્ટીફિકેટ ઇચ્છતા લોકોનો સંપર્ક કરતો હતો. આવા લોકો પાસેથી તગડી રકમ લઈને આરોપી પોતે તેની જગ્યાએ વેક્સિન લેવા જતો હતો. સતત વેક્સિનેશનને કારણે, જ્યારે તે 9મી વખત વેક્સિન લગાવવા આવ્યો ત્યારે આરોગ્ય કર્મચારીઓએ તેને ઓળખી લીધો અને પોલીસને આ બાબતની જાણ કરી.

    શરીરમાં કોઈ સાઈડ ઈફેક્ટ નહીં
    આરોપીઓ સિવાય બેલ્જિયમ પોલીસે એવા લોકોના નામ જાહેર કર્યા નથી જેમણે આરોપીઓને વેક્સિન લેવા માટે પૈસા ચૂકવ્યા હતા. આટલી મોટી માત્રામાં વેક્સિન લીધા બાદ પણ આરોપીના શરીર પર તેની કોઈ આડઅસર થઈ નથી.

    26 ડિસેમ્બરથી કડક પ્રતિબંધો
    ઓમિક્રોનના ખતરા વચ્ચે બેલ્જિયમમાં કોરોના સંક્રમણને રોકવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 26 ડિસેમ્બરથી ઇન્ડોર માર્કેટ, સિનેમાઘરો, થિયેટર અને કોન્સર્ટ હોલ બંધ રહેશે. રમતગમતના કાર્યક્રમો ચાલુ રહેશે, જોકે દર્શકોની હાજરી પ્રતિબંધિત રહેશે. બેલ્જિયમના વડા પ્રધાન એલેક્ઝાન્ડર ડી ક્રુ માને છે કે જો કડક પ્રતિબંધોને કારણે કોરોનાવાઈરસ નિયંત્રણમાં લાવવામાં આવે તો 10 જાન્યુઆરી, 2022 થી શાળાઓ ફરીથી ખોલવામાં આવશે.

    બેલ્જિયમમાં કોરોનાની સ્થિતિ
    અહીં અત્યાર સુધી કોરોનાના 20 લાખ 17 હજાર કેસો સામે આવી ચૂક્યા છે. તેમાંથી 15 લાખ 53 હજાર રિકવર થઈ ચૂક્યા છે. 4 લાખ 35 હજાર એક્ટિવ કેસ છે.