ઓમિક્રોન થાય તો શું થાય?:ઓમિક્રોન થાય તો નાકમાંથી પાણી નીકળવું, માથું દુખવું, થાક લાગવો, ગળું સુકાઈ જવું, સતત છીંક આવવી જેવા લક્ષણો જોવા મળે

ઓમિક્રોન થાય તો શું થાય?:ઓમિક્રોન થાય તો નાકમાંથી પાણી નીકળવું, માથું દુખવું, થાક લાગવો, ગળું સુકાઈ જવું, સતત છીંક આવવી જેવા લક્ષણો જોવા મળે

UK સ્થિત સંસ્થાએ 100 દેશમાં ફેલાઈ ચૂકેલા ઓમિક્રોન વેરિયન્ટનાં નવાં લક્ષણો અંગે ઘટસ્ફોટ કર્યો

કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ વિશ્વના 100 દેશો સુધી પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલો કોરોનાનો આ નવો વેરિયન્ટ ભારતમાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનને લગતી વિશેષ હકીકત હજુ સુધી સામે આવી શકી નથી. એટલે કે ઓમિક્રોનના લક્ષણો અંગે પૂરતી માહિતીનો પણ અભાવ છે. આ સંજોગોમાં બ્રિટનમાં થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિમાં નાકમાંથી પાણી આવવું, થાક લાગવો અને ગળુ સુકાવવું જેવા લક્ષણો જોવા મળી શકે છે. આ લક્ષણોને જોતા કહી શકાય કે ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણ પણ સામાન્ય શરદી જેવા જ છે.

ડેઈલી મેલમાં પ્રકાશિત થયેલી માહિતી પ્રમાણે સંશોધનકર્તાએ લંડનમાં 3 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર વચ્ચે ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત લોકો પાસેથી મળેલી માહિતીનું વિશ્લેષણ કર્યું હતું. તેના આધારે આ લોકોમાં મુખ્યત્વે નાકમાંથી પાણી નિકળવું, માથુ દુખવું, થાક લાગવો, છીંક આવવી અને ગળામાં ડ્રાઈનેસ જેવા લક્ષણ જોવા મળ્યા હતા. આ અભ્યાસ બ્રિટન સ્થિત નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ઝોઈ કોવિડ સ્ટડી (ZOE COVID Study) દ્વારા કરવામાં આવ્યો હતો.

WHOએ ઓમિક્રોન અંગે ફરી ચેતવણી ઉચ્ચારી
તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ઓમિક્રોન અંગે ફરી ચેતવણી આપી છે. WHOના મતે કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા સ્ટ્રેનની તુલનામાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોન વેરિયન્ટ વિશ્વના 89 દેશમાં ફેલાઈ ચુક્યો છે અને સંક્રમણના ફેલાવાની સંખ્યા 1.5થી 3 દિવસમાં બમણી થઈ રહી છે.

WHOના જણાવ્યા પ્રમાણે B.1.1.529 અથવા ઓમિક્રોનનો પ્રથમ કેસ આ વર્ષે 9 નવેમ્બરના રોજ એકત્રિત કરવામાં આવેલા સેમ્પલમાં સામે આવ્યા હતા. જોકે, કોવિડના નવા વેરિયન્ટની માહિતી સૌથી પહેલા WHOને દક્ષિણ આફ્રિકાથી 25 નવેમ્બરના રોજ માહિતી મળી હતી. 26 નવેમ્બરના રોજ નવા કોવિડ વેરિયન્ટનું નામ B.1.1.1.529 રાખવામાં આવ્યું. આ અંગે દક્ષિણ આફ્રિકામાંથી જાણવા મળ્યું હતું હતું અને તેનું નામ ઓમિક્રોન રાખવામાં આવ્યું હતું.

ત્રીજી લહેરની ચેતવણી
કોરોના ઓમિક્રોન વેરિયન્ટ દેશના 12 રાજ્યો સુધી ફેલાઈ ચુક્યો છે. ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 145 કેસ સામે આવી ચુક્યા છે. કમિટીના જણાવ્યા પ્રમાણે કોરોનાની ત્રીજી લહેર નવા વર્ષમાં 2022ના ફેબ્રુઆરીમાં આવી શકે છે. કમિટીનું કહેવું છે કે ઓમિક્રોનની અસરને જોતા કહી શકાય છે કે ત્રીજી લહેર બીજી લહેરની તુલનામાં ઓછી ઘાતક હશે.