ચંદ્ર પર ડગ માંડી શકે છે પ્રથમ ભારતીય:NASAએ ચંદ્ર અભિયાન માટે પસંદ કર્યા 10 તાલીમી અવકાશયાત્રી, તેમાં ભારતીય મૂળના અનિલ મેનનનો પણ સમાવેશ

ચંદ્ર પર ડગ માંડી શકે છે પ્રથમ ભારતીય:NASAએ ચંદ્ર અભિયાન માટે પસંદ કર્યા 10 તાલીમી અવકાશયાત્રી, તેમાં ભારતીય મૂળના અનિલ મેનનનો પણ સમાવેશ

અનિલ NASAના મૂન મિશનનો હિસ્સો બને છે તો તેઓ ચંદ્ર પર જનારી ભારતીય મૂળની પ્રથમ વ્યક્તિ હશે

ભારતીય મૂળના રાકેશ શર્મા, કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ અંતરિક્ષમાં ગયા હતા

 

અમેરિકાની સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) દ્વારા તેના ચંદ્ર અભિયાન માટે 10 તાલીમી અવકાશયાત્રીની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં ભારતીય મૂળના અનિલ મેનનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 45 વર્ષના અનિલ NASAના ક્લાસ 2021નો ભાગ બનશે. આ ક્લાસ માટે જે 10 વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે તેમા 6 પુરુષ અને 4 મહિલાનો સમાવેશ થાય છે. હવે NASA 50 વર્ષ બાદ ચંદ્ર પર માનવીને મોકલવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. અનિલ UN એરફોર્સમાં લેફ્ટેનન્ટ કર્નલ છે અને સ્પેસએક્સમાં ફ્લાઈટ સર્જન પણ રહી ચુક્યા છે.

અનિલ મેનન ભારતમાં પણ લગભગ એક વર્ષ સુધી રહી ચૂક્યા છે. એ સમયે તેઓ પોલિયો અભિયાનનો અભ્યાસ કરવા અને તેમને સપોર્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં ભારતની કોઈ વ્યક્તિ ચંદ્ર પર ગઈ નથી. જોકે અત્યાર સુધીમાં ભારતના 3 વ્યક્તિ અંતરિક્ષમાં જઈ ચૂક્યા છે. ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા હતા. આ ઉપરાંત ભારતીય મૂળના કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ અંતરિક્ષમાં ગયા હતા. જો અનિલ NASAના ચંદ્ર અભિયાનનો હિસ્સો બને છે તો તેઓ ચંદ્ર પર જનારી ભારતીય મૂળની પ્રથમ વ્યક્તિ હશે.

12 હજાર લોકો પૈકી 10 યાત્રીની પસંદગી થઈ
ચંદ્ર અભિયાન માટે 10 હજાર લોકો પાસેથી અરજી મંગાવવામાં આવી હતી, તેમા તાલીમ માટે ફક્ત 10 વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે. આ લોકો આગામી વર્ષ જાન્યુઆરીમાં ટેક્સાસના જોનસન સ્પેસ સેન્ટર પર રિપોર્ટ કરશે. ત્યારબાદ તેમને 2 વર્ષ સુધી તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂરી થયા બાદ આ તમામ NASAના આર્ટેમિસ જનરેશન પ્રોગ્રામનો હિસ્સો બનશે. આ પ્રોગ્રામ હેઠળ નાસા 2025માં પહેલી મહિલા અને એક પુરુષને ચંદ્રની સપાટી પર મોકલવાની યોજના ધરાવે છે.

કોણ છે અનિલ મેનન?
અનિલ મેનનના માતા-પિતા ભારતીય અને યુક્રેનિયન હતા. તેમનો અમેરિકાના મિનેસોટામાં ઉછેર થયો છે. અનિલ વર્ષ 1999માં હાર્વર્ડ યુનિવર્સિટીથી ન્યુરોબાયોલોજીમાં સ્નાતક કર્યું છે. વર્ષ 2004માં કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જીનિયરિંગ કર્યું હતું. સ્ટેનફોર્ડ મેડિકલ સ્કૂલથી તેમણે ડોક્ટરેટની ડિગ્રી પણ મેળવી છે. તેમણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર NASAના અનેક અભિયાનો માટે ક્રુ ફ્લાઈટ સર્જન તરીકે ભૂમિકા ભજવેલી છે.

સ્પેસએક્સ માટે કર્યું કામ
વર્ષ 2014માં તેમણે NASAના ફ્લાઈટ સર્જન તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે સોયુઝ મિશમાં પણ ભાગ લીધો હતો. વર્ષ 2018માં તેઓ એલન મસ્કની સ્પેસએક્સ સાથે જોડાયા હતા. તેમણે કંપનીની પ્રથમ હ્યુમન ફ્લાઈટના મેડિકલ પ્રોગ્રામ અને તૈયારીમાં મદદ કરી હતી. તેમણે સ્ટારશિપના નિર્માણ, એસ્ટ્રોનોટ પ્રોગ્રામ, લોંચ પ્રોગ્રામ્સ માટે કામ કર્યું હતું.