કોરોનાકાળની સાઇડ ઇફેક્ટ:અમેરિકામાં પેઇનકિલરના ઓવરડોઝથી 1 લાખ લોકોનાં મોત, ગત વર્ષથી 30% વધુ

કોરોનાકાળની સાઇડ ઇફેક્ટ:અમેરિકામાં પેઇનકિલરના ઓવરડોઝથી 1 લાખ લોકોનાં મોત, ગત વર્ષથી 30% વધુ

લૉકડાઉનમાં ફેન્ટેનિલનો આડેધડ ઉપયોગ

 

લૉકડાઉન દરમિયાન કોરોનાથી બચવા માટે અમેરિકનોએ પેઇનકિલરનો બેફામ ઉપયોગ કર્યો. તેના કારણે મે, 2020થી એપ્રિલ, 2021 દરમિયાન પેઇનકિલરના ઓવરડોઝથી એક લાખ અમેરિકનોનાં મોત થયાં. અમેરિકન એજન્સી સીડીસીના રિપોર્ટ મુજબ ડ્રગ ઓવરડોઝથી થતાં મોતમાં ગત વર્ષની તુલનાએ 30% વધારો થયો છે જ્યારે છેલ્લાં પાંચ વર્ષમાં આ આંકડો બમણો થઇ ચૂક્યો છે.

ડ્રગ ઓવરડોઝનો આ આંકડો અમેરિકામાં કોરોનાકાળની આડઅસર તરીકે સામે આવ્યો છે. કોરોનાથી અમેરિકામાં અત્યાર સુધીમાં 7.75 લાખથી વધુ મોત થઇ ચૂક્યાં છે. મે, 2020થી એપ્રિલ, 2021ના ગાળામાં લગભગ 5 લાખ મોત થયાં.

સીડીસીના જણાવ્યાનુસાર એક લાખમાંથી સૌથી વધુ 64 હજાર મોત સિન્થેટિક પેઇનકિલર ફેન્ટેનિલથી થયાં છે. ફેન્ટેનિલ મૉર્ફિનથી લગભગ 100 ગણી વધુ તેજ હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડ્રગ એબ્યુઝની ડૉ. નોરા વોલકોવના કહેવા મુજબ મહામારી દરમિયાન લોકોએ પેઇનકિલરનો ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ કર્યો છે.

70% મૃતકોની ઉંમર 25થી 54 વર્ષની વચ્ચે

  • ડ્રગ એડમિનિસ્ટ્રેટર એની મિલગ્રેમના કહેવા મુજબ ડ્રગ ઓવરડોઝ રાષ્ટ્રીય આપત્તિ સમાન છે. એજન્સીઓએ એટલી ફેન્ટેનિલ પકડી છે કે જે ખાવાથી 33 કરોડ લોકોનાં મોત થયાં હોત.
  • ઓનલાઇન અને સોશિયલ મીડિયા પર બોગસ પ્રીસ્ક્રિપ્શનથી દવાઓ વેચાય છે. છેલ્લા બે મહિનામાં ડીઇએએ 800 લોકોની ધરપકડ કરી 18 લાખ ફેન્ટેનિલ જપ્ત કરી.
  • કેરોલિનામાં 11 મહિનાની બાળકીનું ફેન્ટેનિલના ઓવરડોઝથી મોત થયું. તેનાં પેરન્ટ્સ સામે કેસ ચાલી રહ્યો છે. લોસ એન્જેલ્સમાં એક કિશોરીનું પણ ઓવરડોઝથી મોત.

જીવલેણ દવા ફેન્ટેનિલ એક કિલોના પેકેટમાં હોય છે

  • જીવલેણ ફેન્ટેનિલ દવાનું શિપમેન્ટ ચીન અને ભારતથી એક કિલોના પેકેટમાં આવે છે.
  • સોશિયલ મીડિયા ઍપ સ્નેપચેટ પર ફેન્ટેનિલના સપ્લાયના ઘણા કિસ્સા સામે આવ્યા છે.
  • ફેન્ટેનિલ પાઉડરને પ્રેસ કરીને ટેબ્લેટ્સ બનાવાય છે.
  • ડ્રગ કંટ્રોલ પોલિસીના ડાયરેક્ટર ડૉ. રાહુલ ગુપ્તાના જણાવ્યાનુસાર નેલોક્સોનનો અભાવ છે.
  • રાષ્ટ્રપતિ જો બાઇડેને 4 અબજ ડોલરનું કોરોના પેકેજ જાહેર કર્યું છે પણ તેનો પૂરો ઉપયોગ નથી થઇ શક્યો.

બ્રિટન : એન્ટિબાયોટિક વિરોધી સંક્રમણનું જોખમ વધ્યું
બ્રિટન હેલ્થ સિક્યુરિટી એજન્સીનાં અધ્યક્ષ સુઝેન હોપકિન્સે ચેતવણી આપી છે કે કોરોના બાદ એન્ટિબાયોટિક વિરોધી સંક્રમણનું છૂપું જોખમ વધવાની આશંકા છે. કોરોનાકાળમાં એન્ટિબાયોટિકનો ખૂબ વધારે ઉપયોગ થયો. હજુ પણ સામાન્ય શર્દીમાં એન્ટિબાયોટિક અપાય છે.