વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરનું નિર્માણ કાર્ય 22 નવેમ્બરથી શરૂ થશે; પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો ભાગ લેશે

વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરનું નિર્માણ કાર્ય 22 નવેમ્બરથી શરૂ થશે; પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો ભાગ લેશે

અમેરિકા સહિત વિદેશોમાં પરિભ્રમણ કરી લવાયેલા કળશનું પણ પૂજન કરાશે

 

એસજી હાઈવે પર જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામમાં મા ઉમિયા મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત 22 નવેમ્બરથી કરાશે. વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના મંદિરના નિર્માણ કાર્ય પ્રસંગે શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો લાભ લેશે. 22મીએ સવારે 8.30 કલાકે શતચંડી મહાયજ્ઞ શરૂ કરાશે, જેની પૂર્ણાહુતિ સાંજે 5 વાગ્યે થશે. મહાયજ્ઞના મુખ્ય યજમાન પરિવારનો લાભ વિશ્વ ઉમિયાધામના દાતા ગ. મો. પટેલ પરિવાર (નદાસા, ગોરેગાંવ, મુંબઈ)એ લીધો છે.

શાસ્ત્રોના અનુસાર 10 નવચંડી યજ્ઞનું ફળ એક શતચંડી મહાયજ્ઞમાં મળે છે. આ દિવસે મંદિરના આકારમાં 31 હજાર દીવડા પણ પ્રગટાવાશે તથા અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં પરિભ્રમણ કરી લવાયેલા નિધિ કળશનું વિશ્વ ઉમિયાધામમાં મહાપૂજન કરાશે. ત્યાર બાદ સોમવારે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંતો-મહંતો અને દાતાઓની હાજરીમાં નિર્માણકાર્યનો પ્રારંભ સમારોહ યોજાશે.

નિર્માણ કાર્યના પ્રારંભે આ કાર્યક્રમો પણ યોજાશે
શોભાયાત્રાઃ એસજીવીપી ગુરૂકુળથી વિશ્વ ઉમિયાધામ સુધી શોભાયાત્રા નીકળશે, જેમાં હાથી, ઘોડા અને ઉંટ સહિત ભક્તો જોડાશે. શોભાયાત્રાનો હેતુ વ્યસનમુક્તિ જનજાગૃતિ તથા કોરોના વેક્સિનેશન જાગૃતિનો છે.
શ્રીયંત્રનું મહાપૂજનઃ શતચંડી મહાયજ્ઞની સાથે સવારે 9.30 વાગ્યે શ્રીયંત્ર પૂજનનું આયોજન કરાયું છે, જેમાં પૂજા બાદ મંદિર નિર્માણનો
કાર્યારંભ કરાવશે.
108 નિધિ કળશ પૂજનઃ ગંગાજળથી ભરેલાં 108 કળશનું મંદિર પરિસરમાં બપોરે 12.15 વાગ્યે પૂજન કરાશે.