40 વિજ્ઞાનીઓનો ગ્લોબલ વોર્મિંગ રિપોર્ટ:ભારતમાં 25 ગણી વધારે લૂ ફૂંકાશે, 25 વર્ષમાં એવી ગરમી પડશે કે રહેવું મુશ્કેલ થઈ જશે

40 વિજ્ઞાનીઓનો ગ્લોબલ વોર્મિંગ રિપોર્ટ:ભારતમાં 25 ગણી વધારે લૂ ફૂંકાશે, 25 વર્ષમાં એવી ગરમી પડશે કે રહેવું મુશ્કેલ થઈ જશે

ક્લાઈમેટ ચેન્જ અંગેના એક તાજા રિપોર્ટમાં કહેવાયું છે કે, આગામી 20થી 25 વર્ષમાં ભારતમાં એવી ગરમી પડશે કે, લોકોનું રહેવું મુશ્કેલ થઈ જશે. આ રિપોર્ટ ઈટાલીના રોમમાં ચાલતા જી-20 સંમેલન વખતે જ આવ્યો છે. દુનિયાના 40 અગ્રણી વિજ્ઞાનીએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમાં કહેવાયું છે કે, છેલ્લા 20 વર્ષમાં મોટા ભાગના દેશમાં લૂથી થતા મોતમાં 15%નો વધારો થયો છે. જો હવે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નહીં કરાય, તો હવેના વધુમાં વધુ 30 વર્ષ સુધીમાં દુનિયાના તમામ મોટા અર્થતંત્રો મુશ્કેલીમાં મુકાઈ જશે.

દેશદુનિયામાં જી-20નું કુલ કાર્બન ઉત્સર્જન 80% છે. એટલે દુનિાયને બચાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા આ ધનિક દેશોએ જ આગળ આવવું જોઈએ. ક્લાઈમેટ ચેન્જની સૌથી ખરાબ અસર ભારત પર પડવાની શક્યતા છે કારણ કે, તેની ભૌગોલિક સ્થિતિ સૌથી જુદી છે. એક તરફ તેની 7500 કિ.મી. દરિયાઈ સરહદ છે, તો ઉત્તરમાં હિમાલય પર્વતમાળા છે. ભારતના 54% વિસ્તારમાં ભીષણ ગરમી પડે છે. એટલે ભારત પર ક્લાઈમેટ ચેન્જની અસરો ખતરનાક હોઈ શકે છે.

આ રિપોર્ટ પ્રમાણે, હવે ભારત ચેતી નહીં જાય, તો આગામી વર્ષોમાં અહીં ફૂંકાતી લૂમાં પણ ભારે વધારો થશે. તેમાં પણ 25 ગણો વધારો થઈ શકે છે. જો વૈશ્વિક સ્તરે તાપમાનમાં બે ડિગ્રી સુધીનો વધારો થશે, તો ભારતમાં લૂ ફૂંકાવાનો સમય પાંચ ગણો વધી શકે છે.