રાકેશ ટિકૈતની કેન્દ્ર સરકારને ધમકી:કહ્યું- તમારી પાસે 26 નવેમ્બર સુધીનો સમય છે, પછી ગામડાઓના રસ્તે દિલ્હીને ઘેરવામાં આવશે

રાકેશ ટિકૈતની કેન્દ્ર સરકારને ધમકી:કહ્યું- તમારી પાસે 26 નવેમ્બર સુધીનો સમય છે, પછી ગામડાઓના રસ્તે દિલ્હીને ઘેરવામાં આવશે

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી એક વાર કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. રાકેશ ટિકૈતે ટ્વિટ કરીને કહ્યું છે કે, તમારી પાસે 26 નવેમ્બર સુધીનો સમય છે. ત્યારપછી 27 નવેમ્બરથી ખેડૂતો ગામડાઓથી ટ્રેક્ટરો દ્વારા દિલ્હીની ચારેયબાજુ આંદોલન સ્થળની બોર્ડર પર પહોંચશે અને આંદોલનને વધારે મજબૂત કરશે.

 

... તો સરકારી ઓફિસોને APMC બનાવી દઈશુ

રાકેશ ટિકૈતે આ પહેલાં ચેતવણી આપતા કહ્યું છે કે, યુપી ગેટ પર ખેડૂત આંદોલન સ્થળ પાસેથી સીમેન્ટ, લોખંડ અને કાંટાળા તારના બેરિકેડ્સ હટાવ્યા પછી ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને ચેતવણી આપી છે. તેમણે રવિવારે સવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, જો ખેડૂતોને બોર્ડર પરથી જબરજસ્તી હટાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો સરકારી ઓફિસોને એપીએમસી બનાવી દઈશું.

રાકેશ ટિકૈતને શંકા છે કે, કોઈ કાવતરાં અંતર્ગત ખેડૂતોની માંગણી પૂરી કર્યા વગર તેમને જબરજસ્તી ત્યાંથી હટાવવામાં આવે તેવી શક્યતા છે. તે ઉપરાંત NH-9 અને દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પર ત્રીજા દિવસે પણ એમ્બ્યુલન્સ અને નાના વાહનો જ નીકળી શક્યા હતા.

આઝાદ ભારતમાં પણ ખેડૂતોનો અવાજ દબાયેલો
આ પહેલાં પણ ટિકૈતે સરદાર પટેલની જયંતી પર ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુલામ ભારતમાં સરદાર પટેલે કહતા હતા કે, ખેડૂતોના અવાજને આંખ આડા કાન કરાય છે. પરંતુ શું આઝાદ ભારતમાં પણ દેશના ખેડૂતોને સાંભળવામાં આવે છે? ખેડૂતો તરફથી જન્મ જયંતિએ 'કિસાન ચિંતક' લોખંડી પુરુષ સરદાર પટેલને વિનમ્ર શ્રદ્ધાંજલિ.

ભારત કિસાન યુનિયનના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે કહ્યું કે, ખેડૂત આંદોલનમાં યથાવત સ્થિતિ રહેશે. જ્યાં સુધી સરકાર ખેડૂતોની માંગણી નહીં માને ત્યાં સુધી દેશના અન્નદાતા રસ્તાઓ પર બેસીને સરકારના નિર્ણયની રાહ જોશે. તેમણે આરોપ લગાવ્યો છે કે, સરકાર છેલ્લાં કેટલાક દિવસોથી ખેડૂતો સામે કાવતરું ઘડી રહી છે.

વડાપ્રધાનના દરવાજે કરશું દિવાળીની ઉજવણી
સંયુક્ત કિસાન મોર્ચાના સભ્ય અને ભારતીય કિસાન યૂનિયનના પ્રદેશ અધ્યક્ષ ગુરુનામ સિંહ ચઢૂનીએ વીડિયો વાયરલ કરીને સરકારને ચેતવણી આપી છે. કહ્યું છે કે, જો ખેડૂતોને રસ્તા પરથી હટાવવાનો પ્રયત્ન કરશો તો આ વખતે દિવાળી વડાપ્રધાનના દરવાજાની બહાર ઉજવવામાં આવશે.
તેમણે કહ્યું છે કે, રસ્તો ખાલી કરાવવાનો પ્રયત્ન કરવામા આવશે તો દરેક ખેડૂત દિલ્હી માટે કૂચ કરશે. તેમણે ખેડૂતોને પણ કહ્યું છે કે, તેઓ કોઈ પણ સમયે તૈયાર રહે. કોઈ પણ સમયે મેસેજ આવી શકે છે અને રાતના સમયે પણ દિલ્હી કૂચ કરી શકાય છે.