આજથી દિવાળી પર્વ શરૂ:મંગળવારે સવારે 11.31 કલાકથી ધનતેરસ શરૂ, ત્રિપુષ્કર યોગનો સંયોગ 3 ગણું ફળ આપશે

આજથી દિવાળી પર્વ શરૂ:મંગળવારે સવારે 11.31 કલાકથી ધનતેરસ શરૂ, ત્રિપુષ્કર યોગનો સંયોગ 3 ગણું ફળ આપશે

અગિયારસ-બારસ અને બારસ-તેરસ ભેગી તિથિ

સૂર્ય, મંગળ અને બુધનો તુલા રાશિમાં એક સાથે સમન્વય

 

મંગળવારે ધનતેરસના રોજ ત્રિપુષ્કર યોગનો શુભ સંયોગ રચાઈ રહ્યો છે. શાસ્ત્રોનુસાર આ યોગમાં જે કામ કરો એનું ત્રણ ગણું ફળ મળે છે, જેથી મોટાં રોકાણો, સોના-ચાંદીમાં કે ઈલેક્ટ્રિક ઉપકરણોની ખરીદી લાભપ્રદ બનશે. સૂર્ય, મંગળ અને બુધ તુલા રાશિમાં એકસાથે સમન્વય કરશે. આ યોગને રાજયોગ જેટલો વિશેષ માનવામાં આવે છે, એવું જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યું હતું.

આજે રમા એકાદશી સાથે દિવાળી પર્વ શરૂ, આજે રમા એકાદશીની સાથે દીપાવલી પર્વનો પ્રારંભ થશે. આ વર્ષે રમા એકાદશી અને વાઘ બારસની તિથિ સોમવારે એટલે આજે એક જ દિવસે છે. ઉદિત તિથિ અનુસાર સોમવારે આસો વદ અગિયારસ, એટલે કે રમા એકાદશી મનાવાશે, જ્યારે બપોરે 1.22 વાગ્યાથી વાઘ બારસનો પ્રારંભ થશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર, સોમવારે વિક્રમ સંવત 2077ની છેલ્લી એકાદશી છે અને આ સાથે જ દીપાવલી પર્વની શરૂઆત થશે. રમા એકાદશીના દિવસે તુલસીપત્ર તોડવાનું અશુભ મનાય છે, આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા, લક્ષ્મીજીની પૂજાની સાથે ગાય-વાછરડાનું પૂજન કરવાનું મહત્ત્વ છે. જ્યારે વાઘ બારસે સરસ્વતી પૂજન અને ગૌપૂજનનું મહત્ત્વ રહેલું છે. ઉપરાંત તેને ગૌવત્સ દ્વાદશ, ગુરુ દ્વાદશ કે વાઘ સરસ્વતી દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દીપાવલીના દિવસોમાં ઠાકોરજીની સેવા કે દર્શનનું પણ વિશેષ મહત્ત્વ છે.

આજે રમા એકાદશી બપોર પછી વાઘ બારસ-
સોમવારે આસો વદ અગિયારસના રોજ વિક્રમ સંવત 2077ની છેલ્લી એકાદશી છે. જોકે બપોરે 13.22થી વાઘ બારસનો પ્રારંભ થશે. આજથી જ દિવાળીની વિધિવત શરૂઆત થશે, જે દેવદિવાળી સુધી ચાલશે.

ધનતેરસ વણજોયું મુહૂર્ત ધરાવતો વિશેષ દિવસઃ-

  1. વિદ્વાનોના જણાવ્યાં પ્રમાણે, ધનતેરસે સાંજે લક્ષ્મી અને કુબેરની પૂજા અને યમ દીપદાન સાથે ખરીદી માટે શ્રેષ્ઠ સમય રહેશે. ધનતેરસના દિવસે ખરીદદારીની પરંપરા હોવાથી આખો દિવસ ખરીદી કરી શકાય છે.
  2. પરિવારમાં સમૃદ્ધિને અક્ષત રાખવાની કામનાથી જ આ દિવસે ચાંદીના સિક્કા, ગણેશ અને લક્ષ્મી પ્રતિમાઓની ખરીદારી કરવી શુભ રહે છે. સાથે જ, સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવાની પણ પરંપરા છે. આ સિવાય પિત્તળ, કાંસું, સ્ટીલ અને તાંબાના વાસણ પણ ખરીદવાની પ્રથા છે.
  3. ધન્વંતરિ પણ આ દિવસે પ્રકટ થયા હતા, જેના કારણે આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે. સમુદ્ર મંથનમાં ભગવાન ધન્વંતરિ કળશમાં અમૃત લઇને આવ્યા હતા, એટલે આ દિવસે ધાતુનાં વાસણ ખરીદવામાં આવે છે.

પૂજા વિધિ અને દીપદાનઃ-

  • ભગવાન ધન્વંતરિને પૂજા સામગ્રી સાથે ઔષધીઓ ચઢાવવી જોઇએ. ઔષધીઓને પ્રસાદ તરીકે ખાવાથી બીમારીઓ દૂર થાય છે.
  • ભગવાન ધન્વંતરિને કૃષ્ણા તુલસી, ગાયનું દૂધ અને એનાથી બનેલાં માખણનો ભોગ ધરાવવો જોઇએ.
  • પૂજામાં પ્રકટાવેલ દીવામાં ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઇએ.
  • સૂર્યાસ્ત પછી યમરાજ માટે દીપદાન જરૂર કરવું જોઇએ.
  • એના માટે લોટથી બનેલો ચૌમુખો દીવો બનાવવો જોઇએ. એમાં સરસિયાનું કે તલનું તેલ રાખીને ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખવો જોઇએ.
  • આ રીતે યમરાજ પાસે પરિવારના લાંબા આયુષ્યની કામના કરવી જોઇએ.
  • સ્કંદ પુરાણ પ્રમાણે ધનતેરસના દિવસે યમદેવ માટે દીપદાન કરવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.
  • પ્રદોષ કાળઃ સૂર્યાસ્ત પછી 2 કલાક 24 મિનિટનો સમય

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે.