PAKથી પણ આક્રમક ન્યૂઝીલેન્ડ:ભારત 18 વર્ષથી ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ICC ઇવેન્ટમાં એકપણ મેચ જીત્યું નથી, T-20 વર્લ્ડ કપમાં પણ 2 વાર હાર્યા

PAKથી પણ આક્રમક ન્યૂઝીલેન્ડ:ભારત 18 વર્ષથી ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ICC ઇવેન્ટમાં એકપણ મેચ જીત્યું નથી, T-20 વર્લ્ડ કપમાં પણ 2 વાર હાર્યા

પાકિસ્તાન સામે શરમજનર હાર પછી ટીમ ઈન્ડિયાની તમામ નજરો હવે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પર રહેશે. રવિવારે આયોજિત આ મેચ વિરાટ સેનાની વર્લ્ડ કપ સફર નક્કી કરશે. કોહલી એન્ડ કંપનીને સેમિફાઇનલમાં પહોંચવા માટે હવે પછીની દરેક મેચ જીતવી જ પડશે. જોકે આ મેચ પહેલા ઈન્ડિયન ટીમ અને ફેન્સને ચિંતામાં મૂકી દે એવા આંકડા સામે આવ્યા છે.

18 વર્ષથી જીતનો દુષ્કાળ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2007ના T-20 વર્લ્ડ કપથી લઈને આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સુધી ICC ઈવેન્ટ્સની કુલ 7 મેચ રમાઈ છે. જેમાંથી કીવી ટીમ 6 મેચ જીતી એકતરફી પ્રદર્શન દાખવી રહી છે. આ દરમિયાન 1 મેચમાં વરસાદના કારણે કોઈપણ પ્રકારનો નિર્ણય સામે આવ્યો નહોતો.
T-20 વર્લ્ડ કપની જો વાત કરીએ તો ભારત 2 વાર ન્યૂઝીલેન્ડ સામે આવ્યું હતું અને આ બંને મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે જીત દાખવી હતી. 2007માં T-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે ભારતને 10 રન અને 2016ના T-20 વર્લ્ડ કપમાં 47 રનથી હરાવ્યું હતું.

છેલ્લે 2003માં ભારતે હરાવ્યું હતું
2003 ODI વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ ICC ટૂર્નામેન્ટમાં છેલ્લીવાર ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ભારતે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. ત્યારપછી ભારત ક્યારેય કીવી ટીમને મોટી ટૂર્નામેન્ટમાં હરાવી શક્યું નથી. 2019 ODI વર્લ્ડકપની સેમિફાઇનલમાં તે ન્યૂઝીલેન્ડની ટીમ હતી, જેણે ભારતને હરાવ્યું અને વિશ્વ કપ જીતવાનું દેશનું સ્વપ્ન એક ક્ષણમાં તોડી નાખ્યું હતું. વરસાદના કારણે બે દિવસ સુધી રમાયેલી સેમિફાઇનલ મેચમાં વિલિયમ્સન એન્ડ કંપનીએ ભારતને 18 રને હરાવ્યું હતું.

આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પણ ન્યૂઝીલેન્ડની ટીમે 8 વિકેટથી ભારતને હરાવ્યું હતું. WTC દરમિયાન પણ જ્યારે આ બંને દેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ હતી, આ બંનેમાં NZએ જીત મેળવી હતી.

T-20 રેકોર્ડમાં ભારત પાછળ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓવરઓલ T-20 ક્રિકેટમાં કુલ 16 મેચ રમાઈ છે અને આમાં પણ કીવી ટીમ સૌથી વધુ 8 મેચ જીતવામાં સફળ રહી છે, જ્યારે ભારત માત્ર 6 મેચ જીતી શક્યું હતું અને 2 મેચ ટાઈ રહી હતી.