વિવાદોથી ‘FACE’ છુપાવવાનો પ્રયાસ?:માર્ક ઝકરબર્ગે અચાનક ફેસબુકનું નામ બદલીને ‘Meta’ રાખ્યું; ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, મેસેન્જર જેવી એપ્સ યથાવત્ સ્વરૂપે જ રહેશે

વિવાદોથી ‘FACE’ છુપાવવાનો પ્રયાસ?:માર્ક ઝકરબર્ગે અચાનક ફેસબુકનું નામ બદલીને ‘Meta’ રાખ્યું; ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, મેસેન્જર જેવી એપ્સ યથાવત્ સ્વરૂપે જ રહેશે

ઝકરબર્ગનો કંપનીનું કોર્પોરેટ નામ બદલવાનો નિર્ણય ‘ફેસબુક પેપર્સ’ વિવાદ પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ હોવાની ચર્ચા

 

Facebook CEO માર્ક ઝકરબર્ગે એક વર્ચ્યુઅલ ઈવેન્ટ યોજીને જણાવ્યું હતું કે તેમની કંપની ભવિષ્ય માટે એના વર્ચ્યુઅલ-રિયાલિટી વિઝનને સમાવી લેવાના પ્રયાસમાં પોતાને ‘મેટા’ (Meta) તરીકે રિબ્રાન્ડ કરી રહી છે, જેને ઝકરબર્ગ "મેટાવર્સ" કહે છે.

ઝકરબર્ગે પોતાના ટ્વિટર હેન્ડલમાં પણ @meta જોડવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ જ્યારે meta.com લખવામાં આવે તો તે સીધા જ તમને ફેસબુકના હોમપેજ પર રિડાયરેક્ટ કરશે.

કંપનીએ સંકેત આપ્યો હતો
19 ઓક્ટોબરે મીડિયા રિપોર્ટ્સમાં એવો ઈશારો કર્યો હતો કે ફેસબુક હવે પોતાનું નામ બદલવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, માર્ક ઝકરબર્ગ ઈચ્છે છે કે ફેસબુકને માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ ન સમજવામાં આવે.

ફેસબુક પરના આરોપોથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ હોવાની ચર્ચા
જોકે કેટલાક લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે ઝકરબર્ગનો આ નિર્ણય ‘ફેસબુક પેપર્સ’ વિવાદ પરથી લોકોનું ધ્યાન બદલવાનો પ્રયાસ હોવાનું પણ જણાય છે, જે એસોસિયેટેડ પ્રેસ સહિતની સમાચાર સંસ્થાઓના સંઘ દ્વારા તૈયાર કરાયેલો એક લીક થયેલો દસ્તાવેજ છે. આમાંના ઘણા દસ્તાવેજો, જેનું સૌપ્રથમ વર્ણન ફેસબુકના ભૂતપૂર્વ કર્મચારીમાંથી વ્હિસલબ્લોઅર બનેલા ફ્રાન્સિસ હોગેન દ્વારા કરવામાં આવ્યું હતું, તેમણે જાહેર કર્યું છે કે કેવી રીતે ફેસબુકે સમગ્ર વિશ્વમાં તેના અલ્ગોરિધમ્સને બરબાદ કરતાં નકારાત્મક અને ઘણીવાર હાનિકારક પરિણામોની આંતરિક ચેતવણીઓને અવગણી.

ફેસબુકના શેરનું ટિકર ચિહન બદલાશે
ફેસબુક એપ્લિકેશન સાથે સંકળાયેલાં ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને મેસેન્જર યથાવત્ સ્વરૂપે જ રહેશે; તેમનાં નામ બદલશે નહીં. કંપનીનું કોર્પોરેટ માળખું પણ બદલાશે નહીં, પરંતુ 1 ડિસેમ્બર, 2021થી તેના શેર એક નવા ટિકર પ્રતીક, "MVRS" હેઠળ ટ્રેડિંગ શરૂ કરશે.

નવા કોર્પોરેટ નામથી વિવાદથી દૂર ન જઈ શકાયઃ માર્કેટિંગ કન્સલ્ટન્ટ લૌરા રિસ
"ફેસબુક એ વિશ્વનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને એના પર લોકો અને સમાજ માટે કંઈક હાનિકારક બનાવવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે," એવું માર્કેટિંગ કન્સલ્ટન્ટ લૌરા રિસે કહ્યું. તેણે મેટા નામની સરખામણી ‘BP’ શબ્દ સાથે કરી હતી. વાસ્તવમાં ‘BP’ એ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે એવી ટીકાથી બચવા માટે "Beyond Petroleum" તરીકે પોતાને રિબ્રાન્ડ કરી હતી. તેઓ નવા કોર્પોરેટ નામ અને ભાવિ મેટાવર્સની વાત સાથે સોશિયલ નેટવર્કથી દૂર જઈ શકતા નથી."

મેટાવર્સ શું છે?

ઝકરબર્ગે એને "વર્ચ્યુઅલ એન્વાયર્નમેન્ટ" તરીકે વર્ણવ્યું છે, જેમાં તમે સ્ક્રીન પર જોવાને બદલે અંદર જઈ શકો છો. અનિવાર્યપણે એ અનંત, એકબીજા સાથે જોડાયેલા વર્ચ્યુઅલ સમુદાયોની દુનિયા છે, જ્યાં લોકો વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ્સ, ઓગમેન્ટેડ રિયાલિટી ચશ્માં, સ્માર્ટફોન એપ્લિકેશન્સ અથવા અન્ય ઉપકરણોનો ઉપયોગ કરીને મળી શકે છે, કામ કરી શકે છે અને રમી શકે છે.

ઝકરબર્ગ કહે છે કે તે આગામી દાયકામાં મેટાવર્સ એક અબજ લોકો સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે. એ એક એવી જગ્યા હશે, જ્યાં લોકો ક્રિયાપ્રતિક્રિયા કરી શકશે, કામ કરી શકશે અને ઉત્પાદનો તથા સામગ્રી બનાવી શકશે, જેની તેમને આશા છે કે તે નવી ઇકોસિસ્ટમ હશે, જે સર્જકો માટે લાખો નોકરીઓનું સર્જન કરશે.

અસ્તિત્વ ટકાવવા માટેનો છે આ નિર્ણય?
ફેસબુક માટે અસ્તિત્વના સંકટ વચ્ચે આ જાહેરાત આવી છે. ફેસબુક પેપર્સમાં થયેલા ખુલાસાને પગલે એ વિશ્વના ઘણા ભાગોમાં ઉચ્ચ કાયદાકીય અને નિયમનકારી તપાસનો સામનો કરી રહી છે. જોકે ફેસબુકના સૌથી મોટા વિવેચકો ઝકરબર્ગના આ નિર્ણયથી ખાસ પ્રભાવિત થયા નથી. એક વોચડોગ ગ્રુપ રિયલ ફેસબુક ઓવરસાઈટ બોર્ડે જાહેરાત કરી છે કે તે પોતાનું નામ યથાવત્ રાખશે. આ ગ્રુપે એક નિવેદનમાં એમ પણ કહ્યું છે કે નામ બદલવાથી વાસ્તવિક્તા બદલાતી નથી. ફેસબુક ખરેખર આપણી લોકશાહીને નષ્ટ કરી રહી છે અને એ વિશ્વમાં ખોટી માહિતી અને નફરત ફેલાવવાના વ્યાપારમાં અગ્રણી છે. અર્થવિહીન રીતે નામ બદલવાથી ફેસબુક વિરુદ્ધની તપાસ, નિયમન અને હકીકત બદલાશે નહીં.