ભારતે રચ્યો ઇતિહાસ:કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝનો આંક પાર; PM મોદીની સામે બનારસના દિવ્યાંગ અરુણ રોયને 100 કરોડમો વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો

ભારતે રચ્યો ઇતિહાસ:કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝનો આંક પાર; PM મોદીની સામે બનારસના દિવ્યાંગ અરુણ રોયને 100 કરોડમો વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો

મોદીએ કહ્યું- આપણે 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાનો વિજય જોઈ રહ્યા છીએ

વડાપ્રધાન મોદીએ દેશે કોરોનાની વેક્સિનનો 100 કરોડ આંક પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે દેશને 100 કરોડ વેક્સિનનું સુરક્ષા કવચ મળ્યું છે. મોદીએ સ્વાસ્થ્ય સેવાઓ સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન આપ્યા છે. મોદીએ કહ્યું કે આજે ઉત્સાહ છે અને જવાબદારીની ભાવના પણ છે કે આપણે સાથે મળીને કોરોનાને હરાવવાનો છે.

બનારસના દિવ્યાંગ અરુણ રોયને 100 કરોડમો ડોઝ આપવામાં આવ્યો
આજે સવારે 9.47 વાગ્યે કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝના આંકડાને પાર કરીને દેશે ઇતિહાસ રચ્યો છે. 100 કરોડ ડોઝ પૂર્ણ કરવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓ અહીં લગભગ 20 મિનિટ રોકાયા હતા. આ દરમિયાન તેમણે હેલ્થકેર વર્કરો સાથે વાતચીત પણ કરી હતી. કેટલાક દિવ્યાંગો અને હોસ્પિટલ સુરક્ષા કર્મચારીઓ તેમજ અન્ય સ્ટાફ સાથે પણ વાત કરી હતી. અહીં મોદીની સામે બનારસના દિવ્યાંગ અરુણ રોયને 100 કરોડમો ડોઝ આપવામાં આવ્યો હતો.

આ વ્યક્તિને વેક્સિન લગાવવાની સાથે બન્યો 100 કરોડનો રેકોર્ડ
બનારસથી દિલ્હી આવેલા અરુણ રોયને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં વેક્સિન આપવામાં આવતા જ 100 કરોડ ક્લબમાં ભારતની એન્ટ્રી થઈ હતી. દિવ્યાંગ અરુણ રોયને તે વાતનું દુખ છે કે તેઓ આજે PM મોદી સાથે સેલ્ફી લઈ શક્યા નહીં.

PM મોદીએ ટ્વીટ કરી કહ્યું- આ ભારતીય વિજ્ઞાનનો વિજય
વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે ભારતે ઇતિહાસ રચ્યો છે. આપણે ભારતીય વિજ્ઞાન, સાહસ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાનો વિજય જોઈ રહ્યા છીએ. 100 કરોડ વેક્સિનનો આંક પાર કરવા બદલ ભારતને અભિનંદન. આપણાં ડોકટરો, નર્સો અને આ સિદ્ધિ હાંસલ કરવા માટે કામ કરનાર દરેક લોકોનો આભાર.

100 કરોડ ડોઝ પૂરા થવા પર દેશભરમાં ઉજવણી
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ વોર રૂમમાં સ્ટાફ સાથે વાત કરી અને તેમને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા.

દેશમાં કોરોના રસીના 100 કરોડ ડોઝનો આંકડો પાર થઈ ગયો છે. છેલ્લા 20 કરોડ ડોઝ 31 દિવસમાં લગાવવામાં આવ્યા છે. સરકાર વેક્સિનના 100 કરોડ ડોઝ પૂર્ણ કરવાની જાહેરાત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. 9 મહિના પહેલાં શરૂ થયેલા વેક્સિનેશન અભિયાન અંતર્ગત અત્યારસુધીમાં 99 કરોડ 85 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 70 કરોડ 68 લાખ 91 હજાર 643 લોકોએ એક ડોઝ લીધો છે અને 29 કરોડ 16 લાખ 61 હજાર 794 લોકોએ બંને ડોઝ લીધા છે.

ભારતે આજે એક ઐતિહાસિક લક્ષ્યાંક પાર કર્યો છે. દેશ 100 કરોડ કોરોના વેક્સિનેશનના જાદુઈ આંકડાને પાર કરી ગયો છે. PM મોદી આ ખાસ પ્રસંગે એક કાર્યક્રમમાં સામેલ થવા માટે દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ (RML) પહોંચ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી નેતાઓને વેક્સિનેશન કેન્દ્રોની મુલાકાત લઈને આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ગાઝિયાબાદ, જનરલ સેક્રેટરી અરુણ સિંહ કોઇમ્બતોર અને જનરલ સેક્રેટરી દુષ્યંત ગૌતમ લખનઉ છે.

આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આજે 100 કરોડ ડોઝ પૂર્ણ થવા પરની ઉજવણીના સંદર્ભમાં એક ગીત અને એક ફિલ્મ પણ લોન્ચ કરશે. આ કાર્યક્રમ બપોરે 12.30 કલાકે લાલ કિલ્લા પર રાખવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગીતમાં કૈલાસ ખેરે અવાજ આપ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, 1400 કિલોનો દેશનો સૌથી મોટો તિરંગો પણ લાલ કિલ્લા પર લગાવવામાં આવે એવી અપેક્ષા છે.

અત્યારસુધી વેક્સિનેશનની ગતિ કેવી રહી છે?
દેશમાં વેક્સિનેશન અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. પ્રારંભિક 20 કરોડ વેક્સિનના ડોઝ 131 દિવસમાં લગાવવામાં આવ્યા હતા. આગામી 20 કરોડ ડોઝ 52 દિવસમાં આપવામાં આવ્યા હતા. 40થી 60 કરોડ ડોઝ આપવા માટે 39 દિવસ લાગ્યા હતા. 60 કરોડથી 80 કરોડ ડોઝ આપવામાં માત્ર 24 દિવસ લાગ્યા.

હવે 80 કરોડથી 100 કરોડ સુધી 31 દિવસ લાગી રહ્યા છે, એટલે કે હવે ઝડપ ઓછી થઈ ગઈ છે. જો વેક્સિનેશન સમાન દરે ચાલુ રહેશે તો દેશમાં 216 કરોડ વેક્સિન ડોઝ મેળવવામાં લગભગ 175 દિવસ વધુ લાગશે, એટલે કે આપણે આ આંકડો 5 એપ્રિલ 2022ની આસપાસ પાર કરી શકીએ છીએ.

માસ્ક પહેરવાની મુક્તિ માટે હજી રાહ જોવી પડશે
ભલે આપણે 100 કરોડ ડોઝની નજીક છીએ, દેશની માત્ર 20% વસતિને સંપૂર્ણ વેક્સિન આપવામાં આવી છે. વેક્સિનનો એક જ ડોઝ 29% વસતિને આપવામાં આવ્યો છે, તેથી માસ્ક પહેરવાથી મુક્ત થવા માટે અત્યારે આપણે રાહ જોવી પડશે.

મહામારી એક્સપર્ટ ડોકટર ચંદ્રકાન્ત લહારિયા કહે છે કે જ્યાં સુધી 85% વસતિ પૂર્ણ રીતે વેક્સિનેટ નથી થઈ જતી ત્યાં સુધી આવું કરવું જોખમભર્યું બની શકે છે. જે દેશોમાં માસ્ક પહેરવાથી મુક્તિ આપવામાં આવી છે ત્યાં જનસંખ્યા ભારતની સરખામણી ઘણી ઓછી છે. એવામાં આપણે આપણી જરૂરિયાતના હિસાબ પ્રમાણેના નિર્ણયો લેવા જોઈએ.

બ્રોકરેજ ફર્મ યશ સિક્યોરિટીઝના રિપોર્ટ મુજબ, જાન્યુઆરી સુધીમાં દેશની 60થી 70% વસતિ સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ જશે. આ સમય સુધીમાં ભારત હાર્ડ ઇમ્યુનિટી મેળવી લેશે. એના પછી લોકોને માસ્ક પહેરવાથી સંપૂર્ણપણે મુક્તિ મળી શકે છે. એકંદરે, એવું કહી શકાય કે માસ્કથી સંપૂર્ણ મુક્તિ માટે આપણે ઓછામાં ઓછા 6થી 8 મહિના સુધી રાહ જોવી પડશે.