‘ડબ્બા’નો એવરગ્રીન વેપાર:ગુજરાતમાં રોજનો 75 હજાર કરોડનો ‘ડબ્બા’ વેપાર, દેશમાં ડબ્બા માર્કેટ 5 લાખ કરોડને પાર

‘ડબ્બા’નો એવરગ્રીન વેપાર:ગુજરાતમાં રોજનો 75 હજાર કરોડનો ‘ડબ્બા’ વેપાર, દેશમાં ડબ્બા માર્કેટ 5 લાખ કરોડને પાર

શેર માર્કેટમાં તેજી હોય કે મંદી ડબ્બાનો વેપાર ચાલતો જ રહે છે

ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગમાં 90 હજાર કરોડ સાથે મુંબઈ પહેલા, ગુજરાત બીજા, રાજસ્થાન ત્રીજા ક્રમે

ડબ્બાનું વૉલ્યુમ વધે એ માટે ગુજરાતી ભાષાની એપ્લિકેશન, ગુજરાતમાં 50% ડબ્બા ટ્રેડિંગ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં

HNI-જમીન દલાલો-રાજકારણીઓ ડબ્બાના વેપારમાં સક્રિય

 

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોઇ પણ બાબતો પર ‘શરત’ લગાડી કમાણી કરાતી હતી જેને શેરબજારમાં ડબ્બા ટ્રેડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ટેક્નોલોજીના યુગમાં પણ મૌખિક વેપારમાં ગુજરાતીએ પાવરધા છે. છેલ્લા ત્રણેક દાયકાથી એક્સચેન્જો સક્રિય થઈ હોવા છતાં રોકાણકારો ડબ્બાના વેપારને એટલું જ મહત્વ આપી રહ્યાં છે.

હાલમાં જ અમદાવાદમાં પોલીસે ડબ્બા ટ્રેડિંગ કરનારાઓ પર દરોડા પાડ્યા હતા જેમાં 11 લોકો સામે ફરિયાદ થઈ હતી. કાળુ નાણું છુપાવવા, ટેક્સ ન ભરવા માટે સૌથી વધુ જમીન દલાલો, મોટા કોર્પોરેટ હાઉસ, HNI વર્ગ તેમજ રાજકારણીઓ ડબ્બાના વેપાર સાથે સંકળાયેલા છે. એક્સચેન્જોનું દૈનિક વોલ્યુમ અંદાજે 80 હજાર કરોડથી વધુનું છે તેની સામે ડબ્બાનું વોલ્યુમ 5 થી 6 ગણું મોટું છે. ગુજરાતમાંથી એક્સચેન્જ પર વાસ્તવિક 15000 કરોડથી વધુનું વોલ્યુમ છે તેની સામે ડબ્બા ટ્રેડિંગમાં સરેરાશ 75000 કરોડથી વધુનો વેપાર થઇ રહ્યો છે.

શેર, કોમોડિટી, ક્રિકેટ, મટકા તથા ચોમાસાનો સૌથી મોટો સટ્ટો (ડબ્બા) વેપાર ગુજરાતમાંથી રમાઇ રહ્યો છે. સત્તાવાર સ્ટોક એક્સચેન્જની જેમ જ બે નંબરમાં ચાલતાં ઇક્વિટી ટ્રેડિંગમાં ગુજરાતમાં રોજનું રૂ. 70-75 હજાર કરોડનું ટ્રેડિંગ થઇ રહ્યું છે. ઇક્વિટી માર્કેટમાં સૌથી વધુ વોલ્યુમમાં મુંબઇ ટોચના સ્થાને છે. ત્યારબાદ અમદાવાદ, કલકત્તા, દિલ્હી, ચૈન્નઇ અને બેંગ્લોરનો ક્રમ આવે છે. જ્યારે ડબ્બાના વેપારમાં મુંબઇ બાદ બીજા ક્રમે ગુજરાત અને ત્યાર બાદ રાજસ્થાનમાં સૌથી વધુ ડબ્બાનો વેપાર ચાલી રહ્યો છે.

ડબ્બાના વેપારમાં સામાન્ય વર્ગ જ નહીં પરંતુ ડોક્ટર, જમીન દલાલો, રાજકારણીઓ, ડાયમંડ-ટેક્સટાઇલ, કોર્પોરેટ વર્લ્ડના ખેલાડીઓ ટ્રેડિંગ કરી રહ્યાં છે. ડબ્બાના વેપારમાં સરકારને સૌથી મોટું નુકસાન ટેક્સની આવકમાં છે. ગુજરાતી ખેલાડીઓ માટે ડબ્બો રમાડનાર ગુજરાતીમાં એપ્લિકેશન પુરી પાડે છે જેના કારણે ડબ્બામાં વોલ્યુમ વધે.

ડબ્બાના વેપારમાં 80 ટકા રોકાણકાર નુકસાન જ કરે છે
ડબ્બાના વેપારની કમાન રમાડનાર ખેલાડીના હાથમાં હોય છે. એપ્લિકેશન દ્વારા ચાલતા ટ્રેડિંગમાં રમાડનાર ખેલાડી ગમે ત્યારે ગમે તે સ્ટોકને અટકાવી શકે છે જેના કારણે રમનારને મોટા પાયે નુકસાની વેઠવી પડે છે. ડબ્બામાં ટ્રેડિંગ કરનાર સરેરાશ 80 ટકા ટ્રેડર્સને નુકસાની જ ભોગવવી પડે છે. ડબ્બો રમાડનાર રમનારની ક્ષમતાના આધારે લિમિટ નક્કી કરે છે. તેમ ફીનઆઇડીયાઝ મેનેજમેન્ટ સોલ્યુશન પ્રા.લિ.ના ડિરેક્ટર ઉદિપ્થ તલેરાએ જણાવ્યું હતું.

100 કરોડથી વધુનું સરકારને ટેક્સની આવકમાં દૈનિક નુકસાન ડબ્બાના કારણે

  • 80-85 હજાર કરોડનું દૈનિક ટર્નઓવર NSE-BSE એક્સચેન્જ પર
  • 5 લાખ કરોડથી વધુનું દેશભરમાં દૈનિક ડબ્બા માર્કેટ, ગુજરાતી ખેલાડીઓ માહિર
  • 75000 કરોડથી વધુનું દૈનિક ડબ્બા ટ્રેડિંગ માત્ર ગુજરાતીઓ દ્વારા
  • 50 ટકા ડબ્બાનું વોલ્યુમ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગરમાંથી
  • 2 જા ક્રમે ડબ્બા વોલ્યુમમાં ગુજરાત, ત્રીજા ક્રમે રાજસ્થાનમાં સૌથી વધુ ટ્રેડિંગ
  • 99% ડબ્બો રમનાર નુકસાનીમાં

હાઇ નેટવર્થ તેમજ સમાજ-શહેર કે રાજ્યમાં ઊંચી વગ ધરાવનાર લોકો શાખ ખરાબ ન થાય તેનું ધ્યાન રાખતા હોય છે પરંતુ કહેવત છે કે ડુંગર દૂરથી જ રળિયામણા... શેર તેમજ અન્ય સટ્ટાકીય પ્રવૃતિઓમાં સૌથી વધુ હિસ્સો એચએનઆઇ વર્ગ, કોર્પોરેટ સેક્ટર, જમીન દલાલો તથા રાજકારણીઓનો જોવા મળે છે.

ડબ્બામાં ક્યાં કેટલો દૈનિક વેપાર?

શહેર વેપાર
મુંબઈ 80-90 હજાર કરોડ
ગુજરાત 70-75 હજાર કરોડ
રાજસ્થાન 50-55 હજાર કરોડ
દિલ્હી 30-40 હજાર કરોડ
મધ્ય પ્રદેશ 25-30 હજાર કરોડ

F&Oની સ્ક્રિપ્ટમાં સૌથી વધુ ડબ્બા ટ્રેડિંગ
શેરબજારમાં સૌથી વધુ ડબ્બાનો વેપાર થઇ રહ્યો છે જેમાં એફએન્ડઓની સ્ક્રિપ્સમાં સૌથી વધુ સટ્ટો થઇ રહ્યો છે. તેમજ નિફ્ટી-50ની ટોચની સ્ક્રીપ્સ, નિફ્ટી, બેન્ક નિફ્ટીમાં મોટા પાયે વલણ વધી રહ્યું છે. આ ઉપરાંત સ્ટોક્સમાં સૌથી વધુ લિક્વિડિટી ધરાવતી સ્ક્રીપ્સમાં ડબ્બો ચાલે છે.

સાપ્તાહિક લિમિટ સાથે રમાડનારની પોતાની એપ્લિકેશનનું પ્રભુત્વ
એક્સચેન્જ વગર ગેરકાયદે ખરીદ-વેચાણ થતા શેર, અન્ય ટ્રાન્ઝેક્શનને ડબ્બા ટ્રેડિંગ કહે છે. ડબ્બાનો અર્થ કોઇ પણ ટ્રાન્ઝેક્શન ઓન રેકોર્ડ નહિં. એક્સચેન્જ વગર ઇક્વિટી, કોમોડિટીમાં જે સોદા થાય તેનો કોઇ ચોપડે હિસાબ ન હોય તેવા સોદાને ડબ્બા ટ્રેડિંગ કહે છે. રમાડનારની પોતાની એપ્લિકેશનનું પ્રભુત્વ હોય છે.

ક્રિકેટમાં 1000-1500 કરોડનો સટ્ટો
ઇક્વિટી, કોમોડિટીમાં સટ્ટો તો સમજ્યા પરંતુ ક્રિકેટમાં દિવસે ને દિવસે સટ્ટાનું જોર વધી રહ્યું છે. આઇપીએલની સિઝનમાં કેટલાક ગુજરાતીઓ સરેરાશ 1000-1500 કરોડનો સટ્ટો રમી નાખતા હતા. આ ઉપરાંત હવે ટી-20માં પણ મોટા પાયે સટ્ટો રમાય તેવું અનુમાન છે. એટલું જ નહીં ચોમાસા આધારિત સટ્ટાનું પણ મહત્વ વધી રહ્યું છે.

ડબ્બામાં નુકસાની જ, કાયદેસરનું ટ્રેડિંગ જ વેલ્થ ક્રિએટ કરી આપે
ડબ્બાનો વેપાર ગેરકાયદે છે પરંતુ ખુલ્લે આમ રમાઇ રહ્યો છે. તેના માટે કોઇ જ પગલાં લેવાતા નથી. સરકારે આજ દિવસ સુધી આ દિશામાં વિચાર્યું નથી. સરકારને ટેક્સની આવકમાં નુકસાન છે. - જિગ્નેશ માધવાણી, ટોરિન વેલ્થ ગ્રુપ

ડબ્બામાં ટેક્સ ભરવો પડતો નથી, સરકારને મોટું નુકસાન
ડબ્બાથી સરકારને થતી ટેક્સની આવકમાં મોટા પાયે નુકસાન છે. ગુજરાતમાં અંદાજે દૈનિક 75 હજાર કરોડથી વધુના ડબ્બા ટ્રેડિંગના કારણે સરકારને સરેરાશ 100 કરોડથી વધુની ટેક્સની આવક ગુમાવવી પડે છે. - કેયુર મહેતા, ચેરમેન-મહેતા વેલ્થ લિ.