સોશિયલ મીડિયા:ઇન્સ્ટાગ્રામથી યુવાનોને નુકસાન; તેમનામાં આપઘાતની લાગણીઓ ઊમટે છે, માનસિક બીમારીઓ થાય છે

સોશિયલ મીડિયા:ઇન્સ્ટાગ્રામથી યુવાનોને નુકસાન; તેમનામાં આપઘાતની લાગણીઓ ઊમટે છે, માનસિક બીમારીઓ થાય છે

કંપનીના માલિક ફેસબુકે તેના ઇન્ટરનલ સ્ટડીમાં સમસ્યાઓનો સ્વીકાર કર્યો

 

2012માં ડેસ્ટિની 13 વર્ષની હતી ત્યારે તેણે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. તે શ્યામ વર્ણની છે. મોટા ભાગની યુવાઓની જેમ તે જલદી શીખી ગઇ કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા કેવી રીતે વધારવી?

લાઇક્સ, કમેન્ટ્સ અને શૅર પર તે ખુશ થતી પણ વર્ષો સુધી ઇન્સ્ટાગ્રામના અશક્ય માપદંડો પર ખરા ઉતરવાનો પ્રયાસ કર્યા બાદ તેનામાં પોતાની ઉપેક્ષા થવાનો ભય ઊભો થયો. તે ફોટો અપલોડ કર્યા બાદ કલાકો સુધી સ્ક્રીન પર નજર રાખી બેસી રહેતી. ચાલુ મહિને 22 વર્ષની ઉંમરે ડેસ્ટિની બેચેની અને ચિંતાની બીમારીથી પીડિત જણાઇ.

ડેસ્ટિનીની જેમ ઘણા યુવાઓ આવી તકલીફોનો શિકાર છે. તેનું મુખ્ય કારણ ઇન્સ્ટાગ્રામ છે. પોતાનો ફોટો/વીડિયો પોસ્ટ કર્યા બાદ યુવાઓ અને કિશોરોને તેના પર આવનારી પ્રતિક્રિયાનો આતુરતાથી ઇંતજાર રહે છે. અનુકૂળ પ્રતિક્રિયા ન મળવાને કારણે મોટી સંખ્યામાં યુવાઓ માનસિક બીમારીનો શિકાર બને છે. નિષ્ણાતો કહે છે કે પોતાના ફોટો/વીડિયો પર સંભવિત પ્રતિક્રિયાને કારણે યુવાઓ પર કંઇક કરી બતાવવાનું ઘણું દબાણ રહે છે. ડેસ્ટિનીની ચિંતા અને બેચેનીની સારવાર ચાલી રહી છે. તે સ્વસ્થ સંબંધો જાળવી રાખવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી શીખી રહી છે.

નિયમિત સોશિયલ મીડિયા યુઝર હોવાના નાતે આપણે અનુભવીએ છીએ કે ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ અને મોસેરીને મીડિયા તથા અમેરિકી સંસદને ગુમરાહ કરવા માટે જવાબદાર ઠેરવવા જોઇએ. આ વર્ષની શરૂઆતમાં અમેરિકી સેનેટ અને કોંગ્રેસના સભ્યો- રિચર્ડ બ્લૂમેન્થલ, માર્શા બ્લેકબર્ન, કેથી મેકમોરિસ-રોજર્સે ઝુકરબર્ગને કંપનીના ઇન્ટરનલ રિસર્ચમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની યુવાઓ પર માનસિક અસર અંગે પૂછાયું હતું.

યુઝર્સની અપેક્ષા છે કે અમેરિકી સંસદ સોશિયલ મીડિયાના નિયમિત ઉપયોગની આડઅસર પર ચર્ચા માટે યુઝર્સને પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવું જોઇએ. ચૂંટાયેલા નેતાઓએ સમજવું જોઇએ કે ખાસ કરીને મહામારી બાદ સોશિયલ મીડિયા ઘણાં યુવાનો માટે સામાજિક વ્યવહારનો મુખ્ય રસ્તો છે પણ તેના પર નિયંત્રણ હોવું જોઇએ. યુઝર્સ પાસે બાળકો, કિશોરોને ટારગેટ બનાવીને અપાતી જાહેરાતોથી બચવું, યુઝર ડેટા કલેક્ટ કરતા રોકવા અને અનંત સ્ક્રોલિંગથી બચવાના ટેક્નિકલ સાધન હોવા જોઇએ. (એડમ્સ ઓકલાહોમા સ્ટેટ યુનિ.ના અને કુરેશી અમેરિકન યુનિ.ના સ્ટુડન્ટ છે)

ઇન્સ્ટાગ્રામને કારણે ખાણીપીણીમાં પણ ગરબડની સમસ્યાઓ
ગત સપ્તાહે વૉલ સ્ટ્રીટ જનરલે સમાચાર આપ્યા હતા કે ફેસબુક જાણે છે કે ઇન્સ્ટાગ્રામ ટીનેજર્સ અને યુવાઓ માટે માનસિક રીતે નુકસાનકારક છે. ઇન્સ્ટાગ્રામની માલિક કંપની ફેસબુકના એક પ્રેઝન્ટેશનમાં જણાવાયું છે કે દર ત્રણમાંથી એક કિશોરીને શરીર સંબંધી મુદ્દા નુકસાન પહોંચાડે છે.

ફેસબુકે નોંધ્યું કે યુવતીઓની ખાણીપીણીમાં સમસ્યા, ચિંતા ડિપ્રેશન કે આપઘાતની લાગણીઓને ઇન્સ્ટાગ્રામ સાથે સંબંધ છે. ફેસબુકના સ્ટડી મુજબ 13% બ્રિટિશ યુઝર્સ અને 6% અમેરિકી યુઝર્સમાં ઇન્સ્ટાગ્રામને કારણે આત્મહત્યાની લાગણીઓ જોવા મળી છે. બીજી તરફ ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ અખબારને કહ્યું કે બેચેની અને ચિંતા જેવી માનસિક સમસ્યાઓ ઇન્સ્ટાગ્રામ સાથે સંબંધિત નહીં પણ સામાજિક સમસ્યા છે.